<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

અમદાવાદના સોલામાં બ્લોઝમ લક્ઝુરીયસમાં મકાન વેચાણના નામે કરોડો રૂપિયાની છેતરપીંડી

પ્રોપર્ટી સર્ચ કરાવતા ચોંકાવનારી વાત સામે આવી: તે જ મિલ્કત પોતાના માતા-પિતાના નામે બીજી બાનાખત કરીને વેચાણ કરી નાખી હતી!

અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા બ્લોઝમ લક્ઝુરીયસમાં મકાન વેચાણના નામે કરોડો રૂપિયાની છેતરપીંડીનો કિસ્સો બહાર આવ્યો છે. ચાંદખેડાના વેપારી વનીત ધર્મેશભાઈ પટેલે જણાવ્યું કે તેમણે ડેવલપર સોહમ નરેન્દ્રભાઈ ઠક્કર પાસે થી સેરેનીટી લેવીસ સ્કીમમાં 65 લાખ રૂપિયાનો ફ્લેટ ખરીદવાનો સોદો કર્યો હતો અને તેના માટે 35 લાખ રૂપિયા એડવાન્સ તરીકે ચૂકવી દીધા હતા.

ફરીયાદ મુજબ, 23 ફેબ્રુઆરી 2024ના રોજ બાનાખત કરવામાં આવી હતી અને બાકીના રૂપિયા એક વર્ષમાં ચૂકવવાની શરત રાખવામાં આવી હતી. જોકે ઓક્ટોબર 2024માં પ્રોપર્ટી સર્ચ કરાવતા ચોંકાવનારી વાત સામે આવી...સોહમ ઠક્કરે તે જ મિલ્કત પોતાના માતા-પિતાના નામે બીજી બાનાખત કરીને વેચાણ કરી નાખી હતી!

જ્યારે વેપારી વનીતે પોતાની રકમ પાછી માંગવા સંપર્ક કર્યો ત્યારે ડેવલપર સોહમએ 35 લાખ રૂપિયાનું ચેક આપ્યું, પણ બેંક ખાતામાં બેલેન્સ નહોતું અને ચેક બાઉન્સ થયો. ત્યારબાદ સોહમ ઠક્કરનું ફોન બંધ મળતું રહ્યું અને પરિવારજનો પાસેથી પણ કોઈ સ્પષ્ટ જવાબ ન મળ્યો. આ સમગ્ર છેતરપીંડીથી વ્યથિત થઈ વનીત પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ હવે આરોપી સોહમ ઠક્કર સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનાઓ હેઠળ તપાસ શરૂ કરી રહી છે. સ્થાનિક રિયલ એસ્ટેટ માર્કેટમાં આવા કિસ્સાઓ વધી રહ્યા છે, જેથી પોલીસ દ્વારા નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે કે કોઈ પણ મિલ્કત લેવાતી પહેલા રજિસ્ટ્રેશન અને લિગલ ડોક્યુમેન્ટ્સ સારી રીતે ચકાસી લેવાનું જરૂરી છે

 

(11:17 PM IST)