News of Saturday, 24th May 2025
વડાપ્રધાન મોદીના આગમનને લઈને રવિવાર અને સોમવારે વડોદરા શહેરને 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જાહેરનામું બહાર પાડ્યું

વડોદરા :ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 26 મેએ વડોદરા આવી રહ્યા છે. 26 મેએ સવારે 10 વાગ્યે પીએમ મોદીનો વડોદરામાં રોડ શો યોજાશે. જેને લઈને 25 અને 26 મેના રોજ વડોદરા શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે બહાર પડેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. 26/05/2025ના રોજ વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન દેશવિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો દ્વારા માનવ રહિત રીમોટ સંચાલિત વિમાનો, નાના કદનાં માનવ સંચાલિત વિમાનો, અથવા એરો સ્પોર્ટસમાં વપરાતાં ઉપકરણો (SUB-CONVENTIONAL AERIAL PLATFORMS) જેવા સાધનોનો દુરુપયોગ થઈ શકે છે, જેનાથી મહાનુભાવો અને જાહેર જનતાની સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થાને નુકસાન થવાની શક્યતા નકારી શકાય નહીં. જેથી 25 અને 26 મેના રોજ વડોદરા શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો. પોલીસ વિભાગ અને સુરક્ષા દળો દ્વારા ઉપરોક્ત સાધનોનો ઉપયોગ કરવા માટે આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ સાધનોનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. રીમોટ કંટ્રોલથી ચાલતાં ડ્રોન (DRONE) ક્વાડ કોપ્ટર (QUADCOPTER) પાવર્ડ એરક્રાફ્ટ (POWERED AIRCRAFT) માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (MICROLIGHT AIRCRAFT) હેંગ ગ્લાઇડર/પેરાગ્લાઇડર (HANG GLIDER/PARA GLIDER) પેરા મોટર (PARA MOTOR) હોટ એર બલૂન (HOT AIR BALLOONS) પેરા જમ્પિંગ (PARA JUMPING)
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
