તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
સરાસરી હાજરીના ઠરાવથી રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓનો મૃત્યુઘંટ વાગી જશે
શહેરમાં ૩૬ અને ગ્રામ્યમાં ૨૪ સંખ્યા ન જળવાય તો સીધા જ વર્ગ બંધ કરવાની જોગવાઈ : અગાઉ ૨૦૧૧માં સરાસરી ન જળવાય તો ગ્રાન્ટ કાપીને પણ વર્ગો ચાલુ રાખી શકાતા હતા

અમદાવાદ તા.૨૬: રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોની સરાસરી હાજરીના ઠરાવથી એક વર્ગ ધરાવતી ગ્રાન્ટેડ સ્કૂલોનો મળત્યુઘંટ વાગશે. સરાસરી હાજરી માટેના ૨૦૨૩ના ઠરાવ અનુસાર જો શહેરી વિસ્તારમાં ૩૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ વિદ્યાર્થી સંખ્યા ન જળવાય તો સીધા જ વર્ગો બંધ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. અગાઉ ૨૦૧૧ના ઠરાવમાં સરાસરી હાજરી ન જળવાય તો અમૂક ટકા ગ્રાન્ટ કાપ આપીને પણ વર્ગો ચાલુ રાખવાની જોગવાઈ હતી. જેથી સંચાલકો દ્વારા કોઈ એક વર્ષ સરાસરી ઘટે તો વર્ગ ગ્રાન્ટ ન લેવાની શરતે ચાલુ રાખી જો સતત ૩ વર્ષ સરાસરી ન જળવાય તો જ બંધ કરવાની જોગવાઈનો અમલ કરવા માગણી કરવામાં આવી છે.
રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોના સરાસરી હાજરીના નિયમોને લઈને સ્કૂલોની સ્થિતી કફોડી બની હોવાની વિગતો સામે આવી છે. સરકાર દ્વારા ૭ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ઠરાવ બહાર પાડી સરાસરી હાજરીમાં શહેરી વિસ્તારમાં ૩૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ વિદ્યાર્થીઓ કરતા ઓછી સંખ્યા થાય તો સીધા જ ક્રમિક વર્ગો બંધ કરી દેવાની જોગવાઈ કરવામાં આવેલી છે. જેના કારણે રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોનો મળત્યુઘંટ વાગી જશે તેમ સંચાલકોનું માનવું છે. ઉપરાંત સરકારી સ્કૂલોમાં સરાસરી હાજરીનો નિયમ નથી, પરંતુ માત્ર ગ્રાન્ટેડ સ્કૂલો માટે જ આ નિયમ લાગુ કરવામાં આવતો હોવાના પગલે પણ ગ્રાન્ટેડ સ્કૂલો મુશ્કેલીમાં મૂકાઈ છે. સરાસરી હાજરીને લઈને શિક્ષણ વિભાગ દ્વારા ૮ માર્ચ, ૨૦૧૧ના રોજ ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં જો સ્કૂલોમાં સરાસરી હાજરી ઘટે તો ગ્રાન્ટ ન લેવાની શરતે વર્ગો ચાલુ રાખવાનું નક્કી કરાયું હતું. આમ, જે પણ ગ્રાન્ટેડ સ્કૂલોમાં સરાસરી હાજરી નક્કી કરેલી વિદ્યાર્થી સંખ્યા કરતા ઓછી હોય તો સ્કૂલો ગ્રાન્ટ ન લેવાની શરતે વર્ગ ચાલુ રાખી શક્તી હોવાની જોગવાઈ કરવામાં આવેલી હતી. પરંતુ ૭ ડિસેમ્બર, ૨૦૨૩ના ઠરાવમાં આ જોગવાઈ રદ કરી દેવામાં આવી હતી અને જો સરાસરી હાજરી ન જળવાય તો વર્ગ બંધ કરવાનું નક્કી કરાયું છે.
રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો.૯ અથવા ધો.૧૧માં શહેરી વિસ્તારમાં ૩૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ કરતા ઓછી સરાસરી થાય તો તે કિસ્સામાં ક્રમિક વર્ગો એટલે કે ધો.૧૦ અથવા ધો.૧૨ના વર્ગો પણ બંધ કરી દેવાની જોગવાઈ ઠરાવમાં કરવામાં આવી છે. આ જોગવાઈ ગ્રાન્ટેડ સ્કૂલો માટે અન્યાયકર્તા અને સ્કૂલોના મળત્યુઘંટ સમાન હોવાનું સંચાલકોનું માનવું છે. આ જોગવાઈના લીધે રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલો ટપોટપ બંધ થવા લાગશે અને ધીમેધીમે ગ્રાન્ટેડ શાળાઓનું અસ્તિત્વ જ મટી જશે. જેથી ગ્રાન્ટેડ સ્કૂલોમાં કોઈ એક વર્ષ સરાસરી ઘટે તો વર્ગ ગ્રાન્ટ ન લેવાની શરતે ચાલુ રાખી જો સતત ૩ વર્ષ સરાસરી ન જળવાય તો જ વર્ગ બંધ કરવાની જોગવાઈ ચાલુ કરવામાં આવે તેવી સંચાલકોની લાગણી છે.(૩૮.૯)
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
