News of Monday, 26th May 2025
મોટી સંખ્યામાં એસટી બસો કબજે લેવાતા લાખો મુસાફરો રઝળ્યા: ૨૫૦૦ રૂટ રદ: એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિનો ઉગ્ર વિરોધ

રાજકોટ, ૨૫ મે, ૨૦૨૫: ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિએ વડાપ્રધાનના કાર્યક્રમ માટે સરકારી એસ.ટી. બસો ફાળવી દેવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સમિતિના જણાવ્યા અનુસાર, આ નિર્ણયને કારણે લાખો મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે અને સૌરાષ્ટ્રના ૨૫૦૦ જેટલા રૂટ બે દિવસ માટે રદ કરવામાં આવ્યા છે.
સમિતિના અગ્રણીઓ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ જેન્તીભાઈ હિરપરા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, અને સરલાબેન પાટડીયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે, ૨૬ મેના રોજ વડાપ્રધાનના કચ્છ પ્રવાસ માટે રાજકોટ ડિવિઝનની ૨૮૦ સહિત કુલ ૧૩૦૦ એસ.ટી. બસો કચ્છમાં ફાળવી દેવાઈ છે. આના પરિણામે ૨૫ અને ૨૬ મેના રોજ સૌરાષ્ટ્રમાં ૨૫૦૦ જેટલા રૂટ રદ કરવામાં આવ્યા છે.
સમિતિએ વડાપ્રધાનની સભામાં મેદની એકત્ર કરવા માટે એસ.ટી. બસોના દુરુપયોગની સખત નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં રોજીંદી ૨૮ લાખથી વધુ યાત્રીઓ ૮૫૫૦ થી વધુ બસોમાં મુસાફરી કરે છે, ત્યારે આ પ્રકારે બસો કબજે લેવાથી સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકો સહિત સૌને મુશ્કેલી પડે છે.
વધુમાં, ગુજરાત એનટી મુસાફર હિત રક્ષક સમિતિએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા પાંચ વર્ષમાં ૫૦ હજારથી વધુ એસ.ટી. બસો આવા કાર્યક્રમો માટે ફાળવી દેવાઈ છે, જેનાથી ₹૫૦૦ કરોડનો ધુમાડો થયો છે. તેમણે સરકાર પાસે છેલ્લા દસ વર્ષમાં આવા "તાઈફાના કાર્યક્રમો"માં કેટલી બસોનો ઉપયોગ થયો અને કેટલા નાણાં ખર્ચાયા, તેમજ એસ.ટી.ને સરકાર પાસેથી કેટલા પૈસા લેવાના બાકી છે તેની જાહેર જાણકારી માંગણી કરી છે.
સમિતિએ ભારપૂર્વક જણાવ્યું કે, સરકાર કરકસરયુક્ત વહીવટની વાતો કરે છે, પરંતુ ૨૦૦-૩૦૦ કિ.મી. દૂરથી ખાલી બસો કચ્છમાં મંગાવીને ડીઝલનો બગાડ કરે છે. તેમણે માગ કરી છે કે, મેદની ભેગી કરવા માટે એસ.ટી. બસોને બદલે ચૂંટણીઓમાં જેમ ખાનગી પેસેન્જર વાહનો અને લક્ઝરી બસોને ડીટેઇન કરીને ભાડું ચૂકવાય છે, તે જ પ્રકારે ખાનગી વાહનોનો ઉપયોગ કરવો જોઈએ.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
