<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

ચોમાસું ત્રણ દિવસમાં મુંબઇ પહોંચશે, ગુજરાતથી અંદાજે ૪રપ કિ.મી. દૂર

રાજકોટમાં સવારથી ધાબડીયુ વાતાવરણ ઉકળાટ, બફારો યથાવત : દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે, યલો એલર્ટ જાહેર કરતું હવમાન ખાતું

અમદાવાદઃ તા.ર૬,  રાજયમાં અમદાવાદ સહિત અનેક વિસ્‍તારોના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્‍યો હતો. અમદાવાદ શહેરમાં  ગઇકાલે રવિવારે રાતે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિત રાજયના કેટલાક જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ છવાયેલો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજયના દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ગુજરાતભરમાં ૪૦-૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદની શક્‍યતા દર્શાવવામાં આવી છે.

દરમિયાન રાજકોટ શહેરમાં આજે સવારથી ધાબડીયુ વાતાવરણ જોવા મળે છે. સવારે ભેજનું પ્રમાણ ૭૭ ટકા, તાપમાન ર૬.૮ ડીગ્રી અને પવનની ગતિ ૧ર કિ.મી. છે.

ચોમાસું શનિવારે કેરળમાં પહોંચ્‍યું હતુ જયારે આજે મહારાષ્ટ્ર પહોંચ્‍યું છે. મહારાષ્ટ્રમાં ૧૫ દિવસ વહેલી ચોમાસાની પધરામણી થઈ છે. ત્રણ દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચવાની સંભાવના છે. ચોમાસું ગુજરાતથી આશરે ૪૨૫ કિમી દૂર છે.

આજે સપ્‍તાહની શરૂઆતમાં એટલે કે સોમવારે, ૨૬મી તારીખે દક્ષિણ ગુજરાત જિલ્લાઓના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં છૂટાછવાયા સ્‍થળોએ તથા દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

૨૭મી અને મંગળવારના રોજ પંચમહાલ તથા દાહોદ, નર્મદા, ભરૂચ, છોટા-ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાઓમાં અને દમણમાં, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્‍થળોએ ભારે વરસાદની સંભાવના છે.(૩૬-૮)

(2:57 PM IST)