<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

પોષણ સંગમઃ ગુજરાતને સુપોષિત બનાવવાનો ભાનુબેનનો સંકલ્‍પ

મીરાબેન પટેલએ પોષણના મહત્‍વ પર ભાર મૂકયોઃ રાકેશ શંકરએ જણાવ્‍યું કે, પોષણ સંગમ એપ્‍લિકેશનથી મોનિટરિંગ અને સારવાર સરળ બનશેઃ રણજીતકુમાર સિહે જણાવ્‍યું કે, આ કાર્યક્રમથી બાળકોના પોષણમાં ઝડપી સુધારો થશે

રાજકોટઃ મહિલા અને બાળ કલ્‍યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્‍તે ગાંધીનગર ખાતે પોષણ સંગમ કાર્યક્રમનો રાજ્‍યવ્‍યાપી શુભારંભ થયો. તેમણે જણાવ્‍યું કે, આંગણવાડીમાં નોંધાયેલ તમામ બાળકોને તંદુરસ્‍ત બનાવવા આ કાર્યક્રમ માઈલસ્‍ટોન બનશે. પોષણને જીવનશૈલી બનાવી, યોગ્‍ય કાળજી અને સારવાર દ્વારા ગુજરાતને સુપોષિત બનાવવાનો સંકલ્‍પ તેમણે વ્‍યક્‍ત કર્યો. આ પ્રસંગે શ્રી ભાનુબેન બાબરીયાએ પોષણ સંગમ ફિલ્‍મ, એપ્‍લિકેશન, મોડ્‍યુલર, પત્રક અને વાલી કાર્ડનું અનાવરણ કર્યું. આ કાર્યક્રમ અંતર્ગત ૬ વર્ષ સુધીના બાળકોનું વજન-ઊંચાઈ માપન, ભૂખ પરીક્ષણ અને તબીબી ચકાસણી થશે. કુપોષિત બાળકો માટે સમુદાય આધારિત વ્‍યવસ્‍થાપન (સી-એમએએમ) ઝુંબેશ સ્‍વરૂપે ચલાવાશે. મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, ૧૨,૭૪,૦૦૦ ઇજીએફ કાર્ડ, ૫૫,૭૦૦ માર્ગદર્શિકા, ૧૧,૧૫,૦૦૦ સી-એમએએમ કાર્ડ અને બાલશક્‍તિ કાર્ડ આંગણવાડીઓમાં પહોંચાડાયા છે. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલએ પોષણના મહત્‍વ પર ભાર મૂકી, રાજ્‍ય સરકારના પ્રયાસોની પ્રશંસા કરી. મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી રાકેશ શંકરએ જણાવ્‍યું કે, પોષણ સંગમ એપ્‍લિકેશનથી મોનિટરિંગ અને સારવાર સરળ બનશે. ૫૦,૦૦૦થી વધુ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે, જેમાં ૧૬૭ માસ્‍ટર ટ્રેનર્સે અધિકારીઓને તાલીમ આપી. આઇસીડીએસ કમિશનર શ્રી રણજીતકુમાર સિંહએ સૌનું સ્‍વાગત કર્યું અને જણાવ્‍યું કે, આ કાર્યક્રમથી બાળકોના પોષણમાં ઝડપી સુધારો થશે. કાર્યક્રમમાં બાળકોને અન્નપ્રાશન અને કિશોરીઓને ટીએચઆરનું વિતરણ થયું. ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્‍પાબેન પટેલ, ધારાસભ્‍ય શ્રી રીટાબેન પટેલ, નિયામક શ્રી પુષ્‍પાબેન નિનામા, પોષણ અભિયાન ડાયરેક્‍ટર શ્રી જીજ્ઞાસા પંડ્‍યા સહિત અધિકારીઓ અને આંગણવાડી કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા. સૌએ પોષણ પ્રતિજ્ઞા લીધી.

(3:07 PM IST)