<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

વેકેશનના થોડા દિ' જ બાકી રહ્યા છતાં હજુ પાઠયપુસ્‍તકો મળતા નથી

પાઠય પુસ્‍તકોના કાગળની અધિકૃત ચકાસણી જરૂરી : હેમાંગ રાવલ

અમદાવાદ, તા. ર૬ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો કન્‍વીનર અને પ્રવક્‍તા શ્રી હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકારોને જણાવેલ  હતું કે શાળાઓ શરૂ થવાની હવે માત્ર બે અઠવાડિયા બાકી રહ્યા છે પરંતુ હજી સુધી ગુજરાત રાજ્‍ય પાઠ્‍યપુસ્‍તક મંડળ દ્વારા પાઠ્‍યપુસ્‍તકો બજારમાં ઉપલબ્‍ધ કરાયા નથી. સામાન્‍ય રીતે વેકેશન ખુલવાના એક મહિના પહેલા પાઠ્‍યપુસ્‍તકો ઉપલબ્‍ધ થતા હોય છે પરંતુ ૯ જૂનના રોજ ઉનાળુ વેકેશન પૂર્ણ થાય છે પરંતુ હજી સુધી ગુજરાતની સ્‍ટેશનરીની દુકાનોમાં પાઠ્‍યપુસ્‍તકો મળતા નથી સ્‍ટેશનરી દુકાનના માલિકોનું કહેવું છે કે હજી ડેપોમાં પણ પુસ્‍તકો આવ્‍યા નથી જેથી કરીને આ વખતે પુસ્‍તકો ની વહેંચણી કરવી ખૂબ જ અઘરી પડી જવાની છે.

દુકાનદારોની સાથે સાથે વાલી અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ હાડમારી ભોગવી રહ્યા છે. ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ વેકેશનમાં આગોતરી ભણવાની તૈયારી કરતા હોય છે તેમને પણ આ વખતે પુસ્‍તકો ન મળવાથી તેઓ પોતાના નિયમિત ભણવામાં ધ્‍યાન આપી શકયા નથી.

હેમાંગ રાવલે જણાવેલ કે  અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૨૩-૨૪માં પાઠ્‍યપુસ્‍તક મંડળે પેપરના ૧૦૮ રૂપિયા કિલોના ભાવે ટેન્‍ડર નક્કી કરેલ હતું. તથા આ ટેન્‍ડર છેલ્લા ૧૫ વર્ષથી એકની એક જ એજન્‍સીને ફાળે જતું હતું વળી એ જ પ્રકારના કાગળ અન્‍ય એજન્‍સી ૮૭ રૂપિયા કિલો આપવા પણ તૈયાર હતી પરંતુ તે ૧૦૭ રૂપિયાના ભાવે ખરીદવામાં આવ્‍યા હતા. આ બાબત હાઈકોર્ટમાં પણ લઈ જવામાં આવી હતી તે સમગ્ર પ્રકરણને કોંગ્રેસ દ્વારા  ઉજાગર કરવામા આવ્‍યું હતું અને તાજેતરના નવા ટેન્‍ડરમાં આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૫માં જુન મહિનામાં જે  પુસ્‍તકો વેચવામાં આવશે તેના માટેના કાગળ ખરીદીમાં પાઠ્‍ય પુસ્‍તક મંડળમાં મીલોનો ભાવ રૂા. ૫૩.૫૦ પ્રતિ કિ.ગ્રા. ૭૦ ગ્રામ વજનવાળી ગુણવત્તાનો પેપર ખરીદેલ છે.

ગુજરાત કોંગ્રેસ માગણી કરે છે કે પાઠ્‍યપુસ્‍તક મંડળે મેળવેલા કાગળની ગુણવત્તા ચકાસવા માટે અધિકળત લેબમાં તેની તપાસ કરાવી જોઈએ તથા સત્‍વરે વિદ્યાર્થીઓ માટે સારી ગુણવત્તા વાળા પાઠ્‍યપુસ્‍તકો સ્‍ટેશનરીની દુકાનમાં ઉપલબ્‍ધ થાય તેવા પ્રકારનું આયોજન કરવું જરૂરી છે.

પ્ર્ર્રેસ વાર્તામાં ગુજરાત  પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્‍વીનર ડૉ મનીષ દોશી અને પ્રદેશ મંત્રી તથા મીડિયા પેનલિસ્‍ટ શ્રી મુકેશ પંચાલ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:06 PM IST)