તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
સુરતમાં તાવમાં સપડાયા બાદ તબિયત બગડતા એક મહિલા અને બાળકીનું મોત થતા અરેરાટી
જુદા જુદા બે બનાવમાં બે વ્યક્તિના મોતથી સુરતમાં ભારે ચિંતા નો માહોલ : આરોગ્ય વિભાગ દ્વારા તપાસ

સુરત તો.૨૬ : સુરત શહેરમાં તાવમાં સપડાયા બાદ તબિયત બગડ્યા એક મહિલા અને બાળકીનું મોત થયાની ઘટના સામે આવી છે. મહત્ત્વનું છે કે, એક ઉધનામાં 20 વર્ષીય પરિણીતા અને પાંડેસરા વિસ્તારમાં ત્રણ વર્ષીય બાળકીએ તાવ અને ઉલટી બાદ મોત નીપજ્યું હતું. જેને લીધે તેમના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મળતી માહિતી મુજબ, સુરતના ઉધના વિસ્તારમાં આવેલા સંજય નગર ખાતે ૨૦ વર્ષીય આસમા કામિલ અન્સારી પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં પતિ કે જેઓ રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. આ ઉપરાંત સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. આસમાને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હતો. જેથી નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દવા ચાલી રહી હતી. તેમજ બ્લડ રીપોર્ટ પણ કરાવ્યા હતા જે નોર્મલ હોવાનું સામે આવ્યું હતું. ગતરોજ આસમાની ઘરે તબિયત લથડી હતી જેથી તેણીને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર અપાઈ હતી. આ દરમિયાન તેનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
બીજા બનાવમાં મૂળ યુપીની અમેઠીના વતની અને હાલમાં સુરતના પાંડેસરા સ્થિત ગણેશ નગરમાં 3 વર્ષીય જાનવી સોનું ગૌડ પરિવાર સાથે રહેતી હતી. પિતા સુપરવાઇઉર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જાનવીને છેલ્લા બે દિવસથી તાવ આવી રહ્યો હતો. સતત બે દિવસથી બીમાર રહેતી જાનવીની દવા મેડિકલ સ્ટોરમાંથી લેવામાં આવેલી હતી. ગતરોજ બપોરે જમીને સૂતા બાદ જાગતાની સાથે જ ઊલટીઓ કરવા લાગી હતી, જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસીને જાનવીને મૃત જાહેર કરી હતી. વ્હાલસોયી ત્રણ વર્ષીય દીકરીના મોતના પગલે પરિવારમાં શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
