<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

ગુજરાતની કડી અને વિસાવદર બેઠકો પર પેટાચૂંટણી માટે જાહેરનામું બહાર પડ્યું : પ્રથમ દિવસે એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયું નહિ!

ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર : ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત : ઉમેદવારોના સોગંદનામા CEO ગુજરાતની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે

ગાંધીનગર: ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર, ગુજરાતની 24-કડી (અ.જા.) તથા 87-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટાચૂંટણી-2025 માટેનું જાહેરનામું આજ રોજ, તા. 26.05.2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સાથે જ સંબંધિત ચૂંટણી અધિકારીઓ સમક્ષ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો પણ પ્રારંભ થયો છે.
જોકે, ઉપરોક્ત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના સંદર્ભમાં ઉમેદવારીપત્ર ભરવાના પ્રથમ દિવસે એટલે કે, આજે તા. 26.05.2025 ના રોજ ચૂંટણી અધિકારી સમક્ષ કોઈ પણ ઉમેદવારીપત્ર રજૂ કરવામાં આવેલ નથી.
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર, આ વિધાનસભાની પેટાચૂંટણી-2025ના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-26) પણ રજૂ કરવાનું રહેશે. આ સોગંદનામા (ફોર્મ-26) રજૂ કર્યાના 24 કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઇટ https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates લિન્ક પર અપલોડ કરવામાં આવશે, જેથી નાગરિકો તે જોઈ શકશે.
ઉમેદવારીપત્રો આગામી તા. 02.06.2025 ના રોજ બપોરે 03.00 કલાક સુધી રજૂ કરી શકાશે. રાજકીય પક્ષો અને સ્વતંત્ર ઉમેદવારો હવે આગામી દિવસોમાં પોતાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરશે તેવી અપેક્ષા છે.

 

(8:35 PM IST)