તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
વર્તમાન વિધાનસભા કાર્યકાળમાં કુલ ૮ બેઠકોની પેટાચૂંટણી :જુઓ સંપૂર્ણ યાદી
સમજને હી નહિ દેતી સિયાસત હમકો સચ્ચાઇ, કભી ચેહરા નહિ મિલતા, કભી દર્પન નહિ મિલતા કોંગ્રેસના ૪ અને ૧ અપક્ષ ધારાસભ્યના રાજીનામાથી ખાલી પડેલ તથા કોંગ્રેસના ધારાસભ્ય સંસદમાં ચૂંટાવાથી ખાલી થયેલ બેઠક સહિત તમામ ૬ બેઠકો ભાજપે ખૂંચવીઃ વિસાવદર અને કડી બેઠક માટે તા. ૧૯ જુને ચૂંટણીઃ ભાજપ જો બન્ને બેઠકો જીતે તો એનું કુલ સંખ્યાબળ ૧૬૩ થશે

રાજકોટ તા. ર૮ :.. રાજયમાં ધારાસભ્યોની કુલ સંખ્યા ૧૮ર છે પણ અવારનવાર આ સંખ્યા મુજબના ધારાસભ્યોમાં ઘટાડો થતો રહે છે. હાલ પણ બે બેઠકો ખાલી છે. સામાન્ય રીતે ધારાસભ્યના રાજીનામાથી અથવા અવસાનથી અથવા ગેરલાયક ઠરવાથી બેઠક ખાલી પડે છે. બેઠક ખાલી પડયા પછી સામાન્ય રીતે ૬ મહિનામાં પેટાચૂંટણી આવે છે. ગુજરાત વિધાનસભાની છેલ્લી ડીસેમ્બર ર૦રર ની ચૂંટણી પછી ૮ બેઠકો ખાલી પડેલ જેમાંથી ૬ બેઠકોની પેટાચૂંટણી થઇ ગઇ છે. ધારાસભ્ય રાજીનામાથી ખાલી પડેલ વિસાવદર બેઠકની અને ધારાસભ્યના અવસાનથી ખાલી પડેલ મહેસાણા જિલ્લાની કડી બેઠકની પેટાચૂંટણી તા. ૧૯ જૂને યોજાનાર છે. હાલ સૌથી વધુ ૧૬૧ સભ્યોનું સંખ્યાબળ શાસક ભાજપ પાસે છે.
છેલ્લી સામાન્ય ચૂંટણી પછી કોંગ્રેસના ચાર સભ્યો અર્જુન મોઢવાડિયા, અરવિંદ લાડાણી, સી. જે. ચાવડા, અને ચિરાગ પટેલે તથા આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્ર ભાયાણીએ રાજીનામુ આપેલ. વડોદરાના વાઘોડિયાના અપક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપતા આ પાંચ બેઠકોની પેટાચૂંટણી આવેલ. રાજીનામું આપનારા મોઢવાડિયા, લાડાણી, ચાવડા, ચિરાગ પટેલ અને વાઘેલા, ભાજપમાં જોડાઇને પેટા ચૂંટણી લડતા પાંચેય જીતીને ફરી ધારાસભ્ય બન્યા છે. ભૂપેન્દ્ર ભાયાણી ભાજપમાં જોડાઇ ગયા છે. ત્યાં વિસાવદરમાં હવે ચૂંટણી છે. આવતા સોમવાર સુધીમાં ઉમેદવારી પત્ર ભરવાનો સમય છે. કડીમાં ભાજપના કરશનભાઇ સોલંકીના અવસાનથી પેટાચૂંટણી આવી છે. આ બેઠક અનુસૂચિત જાતિ અનામત છે.
બનાસકાંઠા જિલ્લાના વાવ મતક્ષેત્રના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભામાં ચૂંટાતા તેમના રાજીનામાથી ખાલી પડેલ બેઠક પર ભાજપના સ્વરૂપ ઠાકોર ચૂંટાયા છે. હવે પછી જે બે બેઠકોની પેટાચૂંટણી છે તે કડી અને વિસાવદરમાં કોણ જીતે છે તે તા. ર૩ જૂને મત ગણતરીના દિવસે ખબર પડશે. આમ અત્યારની વિધાનસભાના પ્રથમ અઢી વર્ષના કાર્યકાળમાં ૮ બેઠકોની પેટા ચૂંટણી આવી છે.
પેટાચૂંટણીમાં ઉમેદવારની સાથે સ્થાનિક ઉપરાંત બહારના કાર્યકરો મોટી સંખ્યામાં પ્રચારમાં ઉતરતા હોય છે. ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિમાં બે બેઠકોના પરિણામથી સત્તા ક્ષેત્રે કોઇ ફેર પડે તેમ નથી. પણ પરિણામ રાજકીય હવામાનનો વર્તારો આપનારુ બની રહેશે. હવે પછી હાલની વિધાનસભાનો અઢી વર્ષનો સમય બાકી રહે છે. પેટાચૂંટણીના મતદાનનો દિવસ નજીક આવતા રાજકીય ગરમાવો વધશે.


(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
