તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
ભરૂચ જીલ્લામાં આભ ફાટયુઃ સાડા ૮ ઇંચ વરસાદઃ ડાંગરને નુકશાન
અંકલેશ્વર, ભાવનગર, વાપી, વલસાડ, નવસારી, સુરત, બારડોલી, ઓલપાડમાં ૧ થી ૩ ઇંચ વરસાદ ખાબકયોઃ કમોસમી વરસાદથી ખેડૂતોની માઠી

અમદાવાદ તા.૨૮: મંગળવારે ભરૂચ જિલ્લામાં આભ ફાટયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સવારે વાવાઝોડા સાથે ફક્ત ચાર જ કલાકમાં ૮.૪૬ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તેમજ અંકલેશ્વર, ભાવનગર, વાપી, વલસાડ, નવસારી, સુરત, બારડોલી અને ઓલપાડમાં ૧થી ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
અરબ સાગરમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદે તારાજી સર્જી છે. જેમાં ખાસ કરીને ડાંગરના ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ ગઈ છે. અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે ૧૫ દિવસના ટૂંકા ગાળામાં ત્રીજી વખત આકાશી આફત આવી છે.
ગયા અઠવાડિયે વરસેલા વરસાદમાં પલળેલા ડાંગરના પાકને હાંસોટના ખેડૂતોએ મુખ્ય માર્ગ પર સુકવવા માટે રાખ્યો હતો. જેમાં મંગળવારે સવારે હાંસોટ તાલુકામાં ખાબકેલા ૩ ઈંચ વરસાદમાં પાક ફરી પલળી જતા ખેડૂતોની દશા બેઠી છે. તેવી જ રીતે સુરતના ઓલપાડ, બોરડોલી, નવસારીમાં પણ ડાંગર પકવતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ દરમિયાન અંકલેશ્વર હાંસોટમાં ૩, મહુવામાં ૨.૫, તળાજામાં ૧.૫, નવસારીના ચીખલીમાં ૧.૭૫, વાંસદા-ખેરગામમાં ૧.૫, ગણદેવીમાં ૧ ઇંચ વરસાદ નોંધાયો, વાપી-વલસાડમાં પણ ગાજવીજ સાથે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા.
ગુજરાત રાજ્યમાં સામાન્ય રીતે ૧૫ જૂને સતાવાર રીતે ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વર્ષે કેરળમાં ચોમાસાનું વહેલું આગમન થયા બાદ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. એને જોતાં ગુજરાતમાં ૧૫ જૂન પહેલા જ ચોમાસું બેસી જાય તેવી સંપૂર્ણ શકયતા છે. હવામાન વિભાગે આ વર્ષે ગુજરાત રાજ્યમાં સરેરાશ ૧૧૪ ટકા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસું સામાન્ય કરતાં સારું જોવા મળ્યું છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
