તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 28th May 2025
કડી અને વિસાવદરમાં ઉમેદવાર પસંદગીનો ધમધમાટઃ શનિવાર સુધીમાં નામની જાહેરાત
વિસાવદરમાં ભાજપના ઉમેદવાર તરીકે ઝડફિયાનું નામ ચર્ચામાં બન્ને બેઠકોમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જંગના એંધાણ

ગાંધીનગર તા.૨૮: ગુજરાત રાજ્યમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. બંને પક્ષો યુવાન અને નવા ચહેરાઓને તક આપવાના મૂડમાં હોવાથી આ પેટાચૂંટણી અત્યંત રસપ્રદ બની રહે તેવી સંભાવના છે. વિસાવદર બેઠક માટે ભાજપના સંભવિત ઉમેદવાર તરીકે ગોરધનભાઇ ઝડફિયાનું નામ પણ ઉછળ્યું છે. જો કે તેઓ આ બાબતને સમર્થન આપતા નથી.
ભાજપે વિસાવદર બેઠક પર પોતાના પ્રભારી અને સંયોજકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. જ્યારે આજે, બુધવારે, કડી બેઠક માટે મહેસાણા ખાતે સેન્સ લેવામાં આવશે. આ સાથે જ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક મળશે.
ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ગુરુવારે (૨૯ મે) ભાજપ પાર્ટીના સંસદીય દળની એક બેઠક ગાંધીનગરમાં બોલાવવામાં આવેલ છે. આ બેઠકમાં ભાજપ દ્વારા નિમાયેલા પ્રભારી સહિતની પેનલે મોકલેલા નામો અને તેમના પ્રતિભાવો પર વિગતવાર ચર્ચા થશે. તે પછી તેમાંથી ફાઇનલ થયેલા નામો હાઈકમાન્ડને મોકલવામાં આવશે.
બીજી તરફ, કોંગ્રેસે પણ કડી અને વિસાવદર બેઠકો પર પોતાના નિરીક્ષકોને સેન્સ લેવાની પ્રક્રિયા માટે મોકલી દીધા છે. કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસના નિરીક્ષકો હાલ ફિલ્ડમાં છે અને તેઓ સ્થાનિક નેતાઓ અને કાર્યકરોને મળીને તેમના પ્રતિભાવો મેળવી રહ્યા છે. એકાદ-બે દિવસમાં તેઓ તેમણે ફાઇનલ કરેલા નામ અમને મોકલી આપશે. તેના પર હું અને વિપક્ષના નેતા અમિત ચાવડા બેઠક કરીને ચર્ચા કરીશું. તે પૈકીના નામ અમે હાઈકમાન્ડને મોકલી આપીશું. અમારા ઉમેદવારો ચાલુ મહિનાના અંત સુધીમાં જાહેર થઈ જશે.
વિસાવદર બેઠકઃ ભાજપ માટે આ બેઠક પર પસંદગી કરવાનું પડકારજનક બની શકે છે. પક્ષ અહીંના પૂર્વ ધારાસભ્ય અને અગાઉ આમ આદમી પાર્ટી (AAP) માંથી ભાજપમાં જોડાયેલા ભૂપત ભાયાણી, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હર્ષદ રિબડિયા, કે પછી તેમના સિવાય અન્ય કોઈ નવા ચહેરાને પસંદ કરે તેવી શકયતા છે. આમ આદમી પાર્ટી (AAP) ની વાત કરીએ તો, વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયા ‘‘થર્ડ ફેક્ટર''તરીકે કામ કરશે તેવી શકયતા છે, જ્યારે કડી બેઠક પર હજુ સુધી AAP એ પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. સોમવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
