<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

ગુજરાતભરમાં આવતીકાલે 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રિલ : સંભવિત હુમલા સામે નાગરિક સુરક્ષાની સજ્જતા ચકાસવા સાંજે ૫ વાગ્યે કવાયત યોજાશે!

'ઓપરેશન સિંદૂર'ની ભવ્ય સફળતા બાદ ગૃહ મંત્રાલયની સૂચનાથી પશ્ચિમી સરહદી રાજ્યોમાં આયોજન : અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિએ જિલ્લા કલેક્ટરો સાથે સમીક્ષા કરી સૂચનાઓ આપી

ગાંધીનગર, ૨૮ મે, ૨૦૨૫: ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધુ સુદ્રઢ બનાવવા માટે ગુજરાતમાં આવતીકાલે, તા. ૨૯ મે, ગુરુવારના રોજ સાંજે ૫.૦૦ કલાકે ફરી એકવાર "ઓપરેશન શિલ્ડ" નામની નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રિલ) હાથ ધરવામાં આવશે. 'ઓપરેશન સિંદૂર'ની ભવ્ય સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ મોકડ્રિલનું આયોજન થશે.
ગૃહ મંત્રાલયની સૂચના અને ગુજરાતની તૈયારીઓ
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત "ઓપરેશન શિલ્ડ"નું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. ગત તા. ૭ મે, ૨૦૨૫ ના રોજ પણ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ હાથ ધરવામાં આવી હતી, જેના આધારે કેટલાક વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે.
ભારત સરકારના આદેશ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાતમાં પણ આવતીકાલે આ કવાયત યોજાશે.
કલેક્ટરો સાથે સમીક્ષા અને મહત્વપૂર્ણ સૂચનાઓ
'ઓપરેશન શિલ્ડ' મોકડ્રિલ સંદર્ભે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિએ આજે ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલ અન્વયે કરવામાં આવેલી તૈયારીઓની વર્ચ્યુઅલ સમીક્ષા કરી હતી. સાથે જ, તેમણે મોકડ્રિલના સફળ અમલીકરણ માટે તમામ જિલ્લા કલેક્ટરોને જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
ડો. જયંતી રવિએ વધુમાં કહ્યું કે, આ કવાયત દરમિયાન નાગરિક સુરક્ષાને લગતી સ્થાનિક પ્રશાસનની સજ્જતા, એનસીસી, એનએસએસ, ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ જેવા યુવા વોલિન્ટિયર્સની સેવાઓ લેવાની, દુશ્મનના વિમાની અને મિસાઈલ હુમલા સંદર્ભે એરફોર્સ અને નાગરિક સુરક્ષા કંટ્રોલ રૂમ વચ્ચે હોટલાઈન ઊભી કરવાની, એર રેપિડ સાયરન કાર્યરત કરવાની, સંપૂર્ણ અંધારપટ કરી નાગરિકો અને તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત, સંભવિત હુમલા બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મેડિકલ ટીમ અને રક્તદાન સંદર્ભે જરૂરી કાર્યવાહી કરવા તેમજ સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં બોર્ડર વિંગના હોમ ગાર્ડ્સ, આર્મ્ડ વિંગના જવાનોનું તાત્કાલિક ડિપ્લોયમેન્ટ કરવા સંદર્ભે જરૂરી એક્શન પ્લાન બનાવવા સંદર્ભે પણ જિલ્લા કલેક્ટરોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ, આ કવાયત દરમિયાન જરૂરી તમામ વિભાગો અને સ્ટેકહોલ્ડર્સ દ્વારા સમયસર સંકલન બાબતે પણ કલેક્ટરોને માહિતગાર કરવામાં આવ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

 

(5:53 PM IST)