<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

સુરતના ગડોદરામાં વેપારી પર ફાયરિંગનો ભેદ ઉકેલાયો : આડા સબંધો કારણભૂત હોવાનું ખુલ્યું :હરેશ ગજેરાની ધરપકડ

પત્નીને સંજય પડસાળા સાથે પ્રેમ સબંધ હોવાથી ભૂપતે તેને પતાવી નાંખવા જણાવ્યું હતું.

સુરત :આજથી પાંચેક દિવસ પૂર્વે શહેરના ગોડાદરા વિસ્તારમાં યાર્નના વેપારી પર ફાયરિંગના ગુનાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાંખ્યો છે. જેમાં આડાસબંધમાં વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે.

ગત 23 મેના રોજ શહેરના યોગી ચોક વિસ્તારમાં રહેતા યાર્નના વેપારી સંજયભાઈ પડસાળા(42) ગોડાદરાના ખાડી બ્રિજવાળા રોડ પરથી મોપેડ પર પસાર થઈ રહ્યા હતા. આ સમયે પાછળથી તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. જેમાં સંજયભાઈને પીઠાના ભાગે ગોળી વાગતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ધોળા દિવસે ફાયરિંગની ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ મામલે ગોડાદરા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ હતી.

આ તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે 800 જેટલા CCTV કેમેરા ચેક કરીને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. આ મામલે પોલીસે હુમલો કરાવનાર મૂળ અમરેલી જિલ્લાના અને હાલ સુરતમાં રહીને લુમ્સનું કારખાનું ધરાવતા હરેશ ગજેરાની ધરપકડ કરવા સાતે રૂ. 5 લાખની રોકડ પણ કબજે કરી છે.

પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, આજથી ત્રણેક માસ પહેલા મારો મિત્ર ભૂપત ધડુક મને મળ્યો હતો. જેની પત્નીને સંજય પડસાળા સાથે પ્રેમ સબંધ હોવાથી ભૂપતે તેને પતાવી નાંખવા જણાવ્યું હતું. આ માટે મેં ટેમ્પા ચાલક રવિ પિતામ્બરને 20 લાખ રૂપિયામાં સોપારી આપી હતી. જેણે સંજય પડસાળા પર ફાયરિંગ કર્યું હતુ. હાલ તો પોલીસે હરેશ ગજેરાની ધરપકડ કરીને 5 લાખ રૂપિયા કબજે કર્યાં છે, જ્યારે અન્ય આરોપીઓની ધરપકડ માટે તપાસમા ચક્રો ગતિમાન કર્યાં છે.

 

(6:05 PM IST)