તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક ફેડરેશન અને દૂધ સંઘોમાં પારદર્શિતા વધશે : વર્ષ ૨૦૨૪-૨૫થી નાણાકીય ઓડિટ માટે નવા નિયમો લાગુ!
સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની જાહેરાત : ૪૨ વર્ષ જૂના મેન્યુઅલને બદલે આધુનિક પદ્ધતિથી હિસાબ તપાસણી : પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય

ગાંધીનગર : ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘોના વહીવટમાં વધુ પારદર્શિતા લાવવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, વર્ષ ૨૦૨૪-૨૫ થી GCMMF અને દૂધ ઉત્પાદક સંઘોના વહીવટી અને નાણાકીય હિસાબ તપાસણી (ઓડિટ) નવા નિયત કરેલા નમૂના મુજબ કરવામાં આવશે. આ નિર્ણયનો હેતુ સંસ્થાઓમાં સાતત્યતા, પારદર્શિતા અને સાચી વહીવટી-નાણાકીય પરિસ્થિતિનો અંદાજ મેળવવાનો છે.
૪૨ વર્ષ જૂના ઓડિટ મેન્યુઅલને બદલે નવીન નમૂના
નિરીક્ષણ અને અન્વેષણ સમિતિની ૪૧મી બેઠક અંગે વિગતો આપતા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, અત્યાર સુધી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘનું ઓડિટ વર્ષ ૧૯૮૩ના ઓડિટ મેન્યુઅલ મુજબ કરવામાં આવતું હતું. છેલ્લા ૪૨ વર્ષ દરમિયાન આ ફેડરેશન અને દૂધ ઉત્પાદક સંઘના ટર્નઓવરમાં સતત વધારો થતાં તેમજ અન્ય વહીવટી કારણોસર નિયત નમૂનામાં ફેરફાર કરવા અત્યંત જરૂરી જણાતા હતા. આથી, ખાતાના નિવૃત્ત અધિકારીઓ અને સીએ ફર્મ્સના સૂચનો મેળવી વહીવટી અને નાણાકીય હિસાબ તપાસણી યાદીના નવીન નમૂના તૈયાર કરવામાં આવ્યા છે.
નવીન ઓડિટ નમૂનાના મુખ્ય ફાયદા
મંત્રી જગદીશભાઈએ જણાવ્યું હતું કે, આ ફેડરેશન અને દૂધ ઉત્પાદક સંઘના ઓડિટ માટે હિસાબી તપાસણી યાદીના નવીન નમૂના લાગુ કરવાથી ફેડરેશન, દૂધ ઉત્પાદક સંઘ તેમજ સભાસદોને અનેક ફાયદા થશે:
* વહીવટી વિગતો: દૂધ ઉત્પાદક સંઘમાં કુલ સભાસદો, નોંધાયેલ મંડળીઓ (સભાસદ અને બિન-સભાસદ સહિત), દૂધ ખરીદ કેન્દ્રો, સૂચિત મંડળીઓ, વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીલક્ષી વિગતો, વાર્ષિક સાધારણ સભા અને તેમાં થયેલા ઠરાવોની સંખ્યા, ભરતી તેમજ ગત વર્ષના ઓડિટર અને નાણાકીય ઓડિટરની વિગતો મળી રહેશે.
* નાણાકીય અને સંચાલન વિગતો: ફેડરેશન-દૂધ ઉત્પાદક સંઘની પ્રોજેક્ટ પોલિસી, સંસ્થાના તમામ મકાન, મશીનરી, વાહનો, માલસામાનનો સ્ટોક, રોકડ રકમના વીમા, ફેડરેશનનું આયોજન અને ઉત્પાદન અંગેની વિગતો, દૂધની આવક તથા તેનું રિકન્સીલેશન, દૂધ અને દૂધની બનાવટોના ઉત્પાદન, વેચાણ, કુલ દૂધ નિકાલમાં આવતી ઘટ અંગેની વિગતો પણ મળી રહેશે.
* વધુ વિગતવાર વિશ્લેષણ: સંસ્થાના પ્લાન્ટ અને તેના ઉપયોગ, લેબર કોન્ટ્રાક્ટના કરાર, ટ્રાન્સપોર્ટ કરાર, દૂધ સિવાયના રૂ. પાંચ લાખથી ઉપરના ખર્ચ-ખરીદીના કરાર, સ્થાયી મિલકત, અમલીકરણ થતા પ્રોજેક્ટ, સંસ્થા દ્વારા અને સંસ્થા ઉપર થયેલા તમામ કોર્ટ કેસ અંગેની અદ્યતન વિગતો તેમજ સંસ્થાના સરવૈયા અને નફા-નુકસાન ખાતાના ગુણોત્તરો અંગેની તમામ વિગતો મેળવી શકાશે.
સહકાર વિભાગની મુખ્ય કામગીરી ગુજરાત રાજ્ય સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ મુજબ સહકારી સંસ્થાઓના નિયમનકારી ઓથોરિટીની છે. નવીન ઓડિટ રિપોર્ટથી ગુજરાતના દૂધ સહકારી સંઘોના ઓડિટમાં પારદર્શિતા અને ચોકસાઈ વધશે, જે રાજ્યના પશુપાલકોના હિતમાં અત્યંત મહત્વનું સાબિત થશે. રાજ્યના તમામ સહકારી દૂધ સંઘો તથા ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા નવીન ઓડિટ રિપોર્ટનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
