News of Wednesday, 28th May 2025
નર્મદા જિલ્લામાં આજે “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે
અફવાઓથી દૂર રહેવા અને મોકડ્રીલમાં જિલ્લાના નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કરતા કલેક્ટર એસ.કે.મોદી

( ભરત શાહ દ્વારા )નર્મદા : કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે તા. ૨૯ મી મે-૨૦૨૫, ગુરૂવારના રોજ નર્મદા જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજનાર છે. જે સંદર્ભે રાજ્યકક્ષાએથી યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં કલેક્ટર એસ.કે.મોદી, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર સુશ્રી અંચુ વિલ્સન, એસએસપી લોકેશ યાદવ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વીડિયો કોન્ફરન્સ દરમિયાન દેશભરમાં સરહદીય રાજ્યો પૈકી ગુજરાતમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજવાની મોકડ્રીલ અંગેની માર્ગદર્શિકા તેમજ અગાઉ “ઓપરેશન અભ્યાસ” અંતર્ગત યોજેલી મોકડ્રિલ દરમિયાન ધ્યાને આવેલી બાબતો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર એસ.કે.મોદીએ નર્મદા જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં એસ.ટી. ડેપો રાજપીપલા તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના મુખ્ય એડમિન બિલ્ડીંગમાં યોજાનારી મોકડ્રીલ/અભ્યાસ અંગે જાણકારી પૂરી પાડી હતી.
કલેક્ટર એસ.કે.મોદીએ જણાવ્યું કે, મોકડ્રીલનો આશય નાગરિકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. જોકે, આ આપત્તિ દરમિયાન ચેતવણીના ભાગરૂપે કરવામાં આવનાર મોકડ્રીલ છે. જેનાથી કોઈપણ નાગરિકોએ ભયભીત થવાની જરૂર નથી. તા.૨૯મીએ સાંજે ૫ થી ૮ વાગ્યા દરમિયાન “ઓપરેશન શિલ્ડ” દરમિયાન કોઈપણ પ્રકારની એફવાઓથી દૂર રહી મોકડ્રીલમાં સહભાગી થવા માટે નાગરિકોને અનુરોધ કર્યો હતો. જિલ્લાના વિવિધ એજન્સીના અધિકારીઓને ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ તરફથી કોલ મળ્યે તાત્કાલિક રિસ્પોન્ડ કરવા પણ જણાવ્યું હતું.
પ્રથમ તબક્કામાં એલર્ટ/સાયરન શરૂ કરાશે. લાઉડ સ્પીકરો પર જાહેરાત કરાશે., જે બાદ બીજા તબક્કામાં આપત્તિ અંગે નાગરિકોને માહિતગાર કરાશે, બચાવ કામગીરી, તેમજ અંતિમ તબક્કામાં રાહત અને નિયંત્રણ કામગીરી અંગે સાયરન મારફત સચેત કરવામાં આવશે. રાત્રે ૭.૩૦-૮.૦૦ દરમિયાન બ્લેક આઉટ (સ્વયંભુ લાઈટ બંધ રાખવા) કલેક્ટર એસ.કે.મોદીએ જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
