News of Thursday, 29th May 2025
માસુમ બાળકીનું અપહરણઃ ક્રાઈમ બ્રાન્ચના ૭૦ લોકોની કાર્યદક્ષ ટીમે બાળકીને શોધી કાઢી : આંસુનો દરિયો છલકાયો
બે વખત લગ્ન છતાં સંતાન સુખથી વંચિત યુવતીએ સંતાન સુખની લાલસામાં ભયંકર અપરાધ કરી નાખ્યો.. ગુજરાતભરમાં વાયરલ એવા અમદાવાદના કિસ્સાની ભીતરી કથા : સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક દ્વારા ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ સાથે ૫ મિનિટની ટેલિફોનીક વાત પછી આખી રણનીતિ તૈયારઃ ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણના નેતળત્વમાં અશકય શકય કરી બતાવ્યું: ધારાસભ્ય અમિતભાઈ શાહ સીપી ઓફિસ પર દોડી કમિશનર સહિતના તમામને બિરદાવ્યા...હોમ મિનિસ્ટર ટ્વીટર દ્વારા સીપી, જેસીપી, ડીસીપી સહિત તમામ પર પ્રશંસાના પુષ્પો વેર્યા


રાજકોટ તા.ર૯ : બબ્બે વખત લગ્ન કરનાર નિકિતા દંતાણી નામની યુવતીને કોઈ સંતાન નહીં થતા, આ યુવતિ પર સંતાનની લાલસા એ હદે ઘર કરી ગઈ કે એક પરિવારના સંતાનનું લો ગાર્ડન પાસેથી અપહરણ થયું. આ ઘટના બાદ તુરંત સ્થાનિક પોલીસ કામે લાગી બનાવની ગંભીરતા પારખી માનવીય અભિગમ ધરાવતા અમદાવાદ પોલીસ કમિશનરે તુરંત આ અંગે ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ સાથે ટેલિફોનીક વાત કરી અને સ્થાનિક પોલીસની મદદમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે ક્રાઇમ બ્રાન્ચના કાર્યદક્ષ ૭૦ પોલીસ સ્ટાફને ૮ ટીમો બનાવી મેદાને ઉતારી દીધી.
ક્રાઈમ બ્રાન્ચ ટીમો કે જે ડીસીપી અજિત રાજિયાણના નેતળત્વ હેઠળ આખું કાર્ય કરતી હતી. સહુ પ્રથમ જ્યાંથી બાળકી ગુમ થયેલ તેવા લો ગાર્ડન વિસ્તારમાં પોહચી, કમનશીબે અહી મહત્વના સીસીટીવી બંધ હોવાથી પોલીસનું કામ થોડું કસોટીરૂપ બન્યુ.
વ્હાલસોઈ દીકરી લાપતા થઈ જતા માતા-પિતાનાં પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને ત્વરિત નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જઈ તેમણે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
પીહુને શોધવા માટે, પોલીસ કમિશનરના આદેશથી ૧૦ પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઇ), ૦૨ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પીએસઆઇ), અને ૩૬ કોન્સ્ટેબલ ઉપરાંત ટેકનિકલ ટીમ સહિત કુલ ૭૦ પોલીસકર્મીઓની સાત ટીમો બનાવવામાં આવી હતી.
પીળુ લાલ રંગનો ચોકડી ડિઝાઇનવાળો શર્ટ અને ભૂરા રંગનું જીન્સ પહેરેલી હતી. તે ગુજરાતી અને હિન્દી બંને ભાષા સારી રીતે બોલી અને સમજી શકતી હતી, તે પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસની ટીમોએ દિવસ-રાત જોયા વગર, સતત ૯૬ કલાક સુધી સઘન શોધખોળ કરી હતી. પોલીસે પીહુને શોધવા માટે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેન્સ સહિતની પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. લૉ ગાર્ડન અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવી.
ગુમ થયેલી બાળકી સુધી પહોંચવા માટે રિક્ષા ડ્રાઈવરોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ તપાસ ક્રાઈમ બ્રાન્ચના અગાઉના અનુભવ અને સ્ટાફની કુશળતાના આધારે ઝડપથી આગળ વધી રહી હતી. અપહરણકારે પીહુની ઓળખ છુપાવવા માટે તેના વાળ કાપી નાખ્યા હતા. તેમ છતાં, પોલીસની મહેનત અને ટેકનિકલ સર્વેલન્સને કારણે, પોલીસે આરોપી નિકિતા ઉમેશભાઈ દંતાણી (ઉંમર ૩૫ વર્ષ) ને ઝડપી પાડી અને પીહુને સુરક્ષિત રીતે શોધી કાઢી છે. પીહુનો તેના પરિવાર સાથે ભેટો કરવામાં આવ્યો હતો.
જે સમગ્ર પરિવાર અને પોલીસ માટે એક ખુશીનો પ્રસંગ હતો.હાલમાં આરોપી મહિલા સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે, અને પોલીસ અપહરણના કારણો પર વધુ તપાસ કરી રહી છે.
પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક અને સાથી અધિકારી તથા ક્રાઇમ બ્રાન્ચ ટીમે જે સખ્ત મહેનત કરી પરિણામ મેળવ્યું તેનાથી પ્રસન્ન બનેલા ધારાસભ્ય અમિતભાઈ શાહ પોલીસ કમિશનર ઓફિસ પર પહોંચી સહુને અભિનંદન પાઠવ્યા. હર્ષભાઈ સંઘવી દ્વારા પણ પિતાના ટ્વિટર પર સીપી, ક્રાઇમબ્રાંચ વડા, ડીસીપી અને તમામ ટીમોને બિરદાવી હતી. (૯.૧ર)
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
