News of Thursday, 29th May 2025
સુરતના ઉધનામાં SMCની કચરાની ગાડીનો કહેર : 13 વર્ષના કિશોરનું કમકમાટીભર્યું મોત : બહેનને ગંભીર ઈજા!
મોપેડ પર સોડા પીવા નીકળેલા માસૂમ કાર્તિકનું ઘટનાસ્થળે જ અવસાન : પરિવારે ડ્રાઈવરને કડક સજા અને માર્ગ સલામતી સુધારવાની માંગ કરી : મેયરે તપાસના આદેશ આપ્યા

સુરત, 29 મે, 2025: સુરતના ઉધના વિસ્તારમાં બુધવારે (29 મે) મોડી રાત્રે સુરત મહાનગર પાલિકા (SMC) ની કચરાની ગાડીએ ગંભીર અકસ્માત સર્જ્યો હતો, જેમાં 13 વર્ષના એક કિશોરનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાવી દીધી છે. અકસ્માતની જાણ થતા જ ઉધના પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી. મૂળ મહારાષ્ટ્રનો અને હાલ સુરતમાં પરિવાર સાથે રહેતો 13 વર્ષીય કાર્તિક નેહેતે પોતાની બહેનો સાથે મોપેડ પર ઘરની નજીક સોડા પીવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન, SMCની કચરાની ગાડી અચાનક પૂરપાટ ઝડપે આવી અને કોઈ પણ સાઈડલાઈટ આપ્યા વિના અચાનક ટર્ન લીધો. આ બેદરકારીભરી રીતે લેવાયેલા ટર્નને કારણે કચરાની ગાડી સીધી જ મોપેડ સાથે ભટકાઈ હતી. આ જોરાદાર ટક્કરના કારણે કાર્તિક અને તેની બહેન મોપેડ પરથી નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં કાર્તિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે તેની બહેનને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ ગમખ્વાર અકસ્માતની જાણ થતા જ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃત કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી, કચરાની ગાડીના ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવાને લઈને અકસ્માતનો ગુનો નોંધી, આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પોતાના વ્હાલસોયા પુત્રને ગુમાવવાને લઈને નેહેતે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ભાંગી પડેલા પરિવારે કચરાની ગાડીના ડ્રાઇવરને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે. આ સાથે જ, તેમણે તંત્ર પાસે શહેરમાં માર્ગ સલામતીની સુવિધાઓ વધારવાની પણ ભાવુક અપીલ કરી હતી. પરિવારે જણાવ્યું હતું કે, "મારી દીકરી ઓછી સ્પીડે જ ટુ-વ્હીલર ચલાવી રહી હતી, પરંતુ સાઇડલાઈટ આપ્યા વિના એકદમથી કચરાની ગાડી આવી ગઈ અને આ અકસ્માત સર્જાયો હતો."
સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત મેયર દક્ષેશ માવાણીએ આ અંગે તાત્કાલિક ડ્રાઇવર સામે તપાસના આદેશ આપ્યા છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને તે સુનિશ્ચિત કરવા માટે કોઈપણ સરકારી વાહન યોગ્ય લાઇસન્સ ધરાવતી વ્યક્તિ જ ચલાવે છે કે નહીં તે વિશે પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે, આ અગાઉ જ્યારે બીઆરટીએસની બસે અકસ્માત સર્જ્યો હતો ત્યારે પણ આ પ્રકારના આદેશો આપવામાં આવ્યા હતા, ત્યારે જોવું રહ્યું કે આ દુર્ઘટના બાદ તંત્ર ખરેખર કેટલી સક્રિયતા દાખવે છે અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા શું પગલાં ભરે છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
