News of Thursday, 29th May 2025
રાજ્ય સરકારના કર્મીઓ અને પેન્શનર્સ માટે PMJAY હેઠળ માર્ગદર્શિકા જાહેર : 10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મેળવવા માટે આશ્રિત કુટુંબીજનોનું પ્રમાણપત્ર ફરજિયાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 'ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના' શરૂ : કચેરીના વડા દ્વારા પ્રમાણપત્ર આપવાનું રહેશે : ઈ-કેવાયસી માટે આધાર નંબર પણ જરૂરી

ગાંધીનગર, 29 મે, 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ઓલ ઇન્ડિયા સર્વિસ (AIS)ના અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સ માટે "ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના" શરૂ કરવામાં આવી છે. આ યોજના PMJAY-મા યોજના અંતર્ગત "G" કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર આ તમામ કર્મીઓને મળવાપાત્ર બને છે.
આરોગ્ય વિભાગ દ્વારા આ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા કર્મીઓ, પેન્શનર્સ અને તેમના કુટુંબીજનો માટેની નિયત સૂચના અને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
પ્રમાણપત્ર અને પાત્રતાના નિયમો:
"ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના" (કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ) સહાય મેળવવા માટે PMJAY યોજનાનું કાર્ડ હોવું આવશ્યક છે. આ કાર્ડની ફાળવણી સ્ટેટ હેલ્થ એજન્સી (SHA) ને સોંપવામાં આવેલ છે.
રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સના કિસ્સામાં ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015 ના નિયમોમાં જણાવેલ કુટુંબની વ્યાખ્યા મુજબ, અને AIS ના અધિકારીઓના કિસ્સામાં તેમને લાગુ પડતા AIS (Medical Attendance) Rules, 1954 અંતર્ગત કુટુંબની વ્યાખ્યા મુજબની પાત્રતા ધરાવતા હોય તેવા આશ્રિત કુટુંબીજનોની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર આપવાનું રહેશે. આ તમામ કર્મીઓ જ્યાં કાર્યરત હોય તે કચેરીના વડાએ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું રહેશે.
AIS અને રાજ્ય સરકારના પેન્શનર્સના કિસ્સામાં, પેન્શનર જે જિલ્લા તિજોરી કચેરી / પેટા તિજોરી કચેરી / પેન્શન ચૂકવણાં કચેરી ખાતેથી પેન્શન મેળવતા હોય તે જિલ્લાના જિલ્લા તિજોરી અધિકારી / પેટા તિજોરી અધિકારી / પેન્શન ચૂકવણા અધિકારી / પગાર અને હિસાબ અધિકારી દ્વારા, અથવા વિકલ્પે જે કચેરીમાંથી નિવૃત થયા હોય તે કચેરીના વડાએ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું રહેશે. ઈ-કેવાયસી કરી શકાય તે હેતુથી કુટુંબના દરેક સભ્યનો આધાર નંબર પણ દર્શાવવાનો રહેશે.
લાભાર્થીનું નામ કમી કરવાના નિયમો:
ફિક્સ પગારના કર્મચારીના કિસ્સામાં નોકરીમાં નિયમિત નિમણૂંક આપ્યા વિના સેવા સમાપ્ત કરવામાં આવે અથવા કોઈ અધિકારી / કર્મચારી સેવા છોડીને જાય અથવા રાજીનામું આપે અથવા શિક્ષાત્મક કાર્યવાહીના અંતે સેવા સમાપ્તિ કરવામાં આવે અને કાર્યવાહીના અંતે સંબંધિત સરકારી અધિકારી / કર્મચારી તેને લાગુ પડતા પેન્શનના નિયમો મુજબ પેન્શનર ગણવાપાત્ર ન રહે, તેવા કિસ્સામાં તેણે છેલ્લે જ્યાં ફરજ બજાવી છે તે કચેરીના વડાએ SHA ને તે અંગેની સત્વરે જાણ કરવાની રહેશે. જેના આધારે SHA દ્વારા PMJAY માં આ યોજના હેઠળના લાભાર્થી તરીકેના નામમાંથી તેઓ અને તેઓના કુટુંબના સભ્યોના નામ કમી કરવામાં આવશે.
આ માર્ગદર્શિકાનો હેતુ યોજનાનો લાભ યોગ્ય અને પાત્રતા ધરાવતા કર્મીઓ તથા તેમના પરિવારોને જ મળે તે સુનિશ્ચિત કરવાનો છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
