News of Thursday, 29th May 2025
GSTનું મેગા કૌભાંડ ઝડપાયું : 22 શેલ કંપનીઓ દ્વારા ₹33.66 કરોડની ITC હેરાફેરી : નરોડાની R.K. ઇન્ડસ્ટ્રીઝનો પ્રોપરાઇટર મયૂર શર્મા ઝડપાયો!
પાન-મસાલાનો ખોટો વેપાર દર્શાવી સરકારી તિજોરીમાંથી કરોડોની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પચાવી પાડાઈ : કઠવાડા-સિંગરવા રોડ અને નરોડા સહિત 12 ઠેકાણાઓ પર DGGIના દરોડા : વધુ તપાસ શરૂ

અમદાવાદ, 29 મે, 2025: ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI) ની અમદાવાદ ટીમે એક મસમોટું જીએસટી કૌભાંડ ઝડપી પાડીને મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી લેવાના આ કેસમાં નરોડા સ્થિત આર.કે. ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર મયૂર રામનિવાસ શર્મા ને ઝડપી લેવામાં આવ્યો છે. આ કૌભાંડમાં કુલ 22 જેટલી બોગસ (શેલ) કંપનીઓનો ઉપયોગ કરીને અંદાજે ₹33.66 કરોડની હેરાફેરી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
DGGI ને આ કૌભાંડ અંગે ગુપ્ત માહિતી મળી હતી, જેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ 22 જેટલી કંપનીઓ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી હોવાનું અને બોગસ હોવાનું બહાર આવ્યું હતું. આ ચોંકાવનારી હકીકતને આધારે કઠવાડા-સિંગરવા રોડ પર આવેલા ઝવેરી એસ્ટેટમાં આવેલી આર.કે. ઇન્ડસ્ટ્રીઝ અને નરોડામાં આવેલી બિરાજ રેસિડેન્સી સહિત કુલ 12 જેટલી જગ્યાઓએ DGGI દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
કોઈપણ માલની સપ્લાય વગર ખોટા બિલો બનાવી ITC મેળવાઈ:
DGGI દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું કે, આરોપી મયૂર શર્મા કોઈપણ પ્રકારના માલની ભૌતિક સપ્લાય કર્યા વગર જ ખોટા બિલો બનાવતો હતો. આ ખોટા બિલોના આધારે કરોડો રૂપિયાનું ટર્નઓવર દર્શાવીને સરકારી તિજોરીમાંથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેતો હતો. ખાસ કરીને, પાન-મસાલાનો ખોટો વેપાર દર્શાવીને આ જીએસટીની ચોરી કરવામાં આવી હતી.
આરોપીએ અમદાવાદ ઉપરાંત રાજસ્થાનના જોધપુર, જયપુર અને મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં પણ માલ વેચ્યો હોવાના ખોટા બિલો બનાવ્યા હતા. આ કૌભાંડનું મૂળ ખૂબ ઊંડું હોવાનું મનાઈ રહ્યું છે. હાલમાં DGGI દ્વારા આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય મોટા માથાઓની ભૂમિકા અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કૌભાંડ જીએસટી અમલીકરણ બાદ બોગસ કંપનીઓ અને ખોટા બિલો દ્વારા થઈ રહેલી કરચોરીના વધુ એક મોટા રેકેટનો પર્દાફાશ છે.
(5:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
