<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

GPSC ની નાયબ/જિલ્લા ખેતી નિયામક વર્ગ-1 ની પરીક્ષા રદ : મદદનીશ ખેતી નિયામક વર્ગ-2 ની પરીક્ષા મુલતવી!

પ્રશ્નપત્રમાં પુસ્તકમાંથી જ મોટાભાગના પ્રશ્નો પૂછાતા ઉમેદવારોની રજૂઆત બાદ આયોગનો નિર્ણય : બંને ભરતી માટે હવે 28 ઓગસ્ટે સંયુક્ત પરીક્ષા યોજાશે

ગાંધીનગર : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાયેલી અને લેવાનારી કૃષિ વિભાગની બે મહત્વપૂર્ણ પરીક્ષાઓ અંગે અગત્યની જાહેરાત કરવામાં આવી છે. 27 મે, 2025 ના રોજ લેવાયેલી જાહેરાત ક્રમાંક 122/2024-25, નાયબ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-1 ની પરીક્ષા રદ કરવામાં આવી છે, જ્યારે આગામી 31 મે, 2025 ના રોજ લેવાનારી જાહેરાત ક્રમાંક 121/2024-25, મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2 ની પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે.
પરીક્ષા રદ કરવાનું કારણ:
આયોગ દ્વારા જારી કરાયેલી અગત્યની સૂચના મુજબ, 27 મેના રોજ લેવાયેલી નાયબ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-1 ની પરીક્ષા અંગે 28 મેના રોજ ઉમેદવારોએ આયોગ સમક્ષ રજૂઆત કરી હતી. ઉમેદવારોએ જણાવ્યું હતું કે, આ પરીક્ષામાં પૂછાયેલા મોટાભાગના પ્રશ્નો 'Fundamentals of Agriculture Volume-1' અને 'Fundamentals of Agriculture Volume-2' ના હેતુલક્ષી પ્રશ્નોમાંથી સીધા જ પૂછવામાં આવ્યા હતા.
ઉમેદવારોની આ રજૂઆતની આયોગ દ્વારા ચકાસણી કરવામાં આવતા, તેમાં તથ્ય જણાયું હતું. જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતા તમામ ઉમેદવારોને એકસરખી તક મળે તે હેતુથી, આયોગે નાયબ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-1 ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે.
મદદનીશ ખેતી નિયામકની પરીક્ષા મુલતવી:
આગામી 31 મે, 2025 ના રોજ લેવાનાર મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2 (જા.ક્ર 121/2024-25) ની પરીક્ષામાં પણ સમાન અભ્યાસક્રમ હોવાથી અને જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતા ઉમેદવારોને સ્પર્ધામાં સરખી તક મળે તે સુનિશ્ચિત કરવાના હેતુથી, આ પરીક્ષા પણ મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બંને ભરતી માટે સંયુક્ત પરીક્ષા:
હવે, આ બંને ભરતી માટે એટલે કે, જાહેરાત ક્રમાંક 122/2024-25 નાયબ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-1 તથા જાહેરાત ક્રમાંક 121/2024-25 મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2 માટે સંબંધિત વિષયની એક જ પરીક્ષા સંયુક્ત રીતે તા. 28 ઓગસ્ટ, 2025 ના રોજ યોજવામાં આવશે. આ પરીક્ષામાં બંને જાહેરાતોમાં ઉમેદવારી નોંધાવેલ હોય તેવા ઉમેદવારોએ મેળવેલા ગુણ બંને ભરતીમાં ધ્યાને લેવામાં આવશે. આ નિર્ણયથી ઉમેદવારોને એક જ પરીક્ષા આપીને બંને જગ્યાઓ માટે વિચારણા હેઠળ આવવાની તક મળશે.

 

(6:22 PM IST)