<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

હેમલતા ગર્ભપાતના 15000 રૂપિયા પડાવતી :8000 ગર્ભ પરીક્ષણના ડોક્ટર હર્ષને આપતી :બાવળા ગર્ભપાત રેકેટના ચોંકાવનારા ખુલાસા

ડોક્ટર પોતાની ક્લિનિકમાં ગર્ભ પરીક્ષણ કર્યા બાદ ગેસ્ટ હાઉસમાં ગર્ભપાત કરાવતો: ગ્રામ્ય SOGએ વધુ તપાસ શરૂ કરી સાથે જ નવી કલમોનો પણ ઉમેરો કરશે.

અમદાવાદ જિલ્લાનાં બાવળામાં પનામા ગેસ્ટહાઉસમાં થતા ગર્ભપાત રેકેટનાં ખુલાસા બાદ પોલીસે એમડી રેડિયોલોજિસ્ટ ડોક્ટરની ધરપકડ કરી છે. મહત્વનું છે કે ડોક્ટર પોતાની ક્લિનિકમાં ગર્ભ પરીક્ષણ કર્યા બાદ ગેસ્ટ હાઉસમાં ગર્ભપાત કરાવતો હતો. જે મામલે ગ્રામ્ય SOGએ વધુ તપાસ શરૂ કરી છે સાથે જ નવી કલમોનો પણ ઉમેરો કરવામાં આવશે.

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ હેમલતા દરજી અને ડોક્ટર હર્ષદ આચાર્યની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો ગોરખધંધો ચલાવતા હતા. ડોક્ટર હર્ષદ આચાર્ય એમ.ડી રેડિયોલોજિસ્ટ છે અને અમદાવાદમાં સોનીની ચાલી ખાતે તેમની આશીર્વાદ હોસ્પિટલ પણ ચાલે છે. જ્યાં તેઓ સોનોગ્રાફી કરી ગર્ભ પરીક્ષણ કરતા હતા, જે બાદ મહિલા આરોપી હેમલતા દરજી બાવળાના પનામા ગેસ્ટ હાઉસમાં ગર્ભવતી મહિલાઓને બોલાવી ગર્ભપાત કરાવતી હોવાનું ખુલાસો થયો છે. પોલીસે ગેસ્ટહાઉસના માલિક સચિન પટેલની પણ અગાઉ ધરપકડ કરી હતી. જે આ ગોરખધંધા અંગે જાણતો હોવા છતા રૂપિયાની લલાચે બધુ ચાલવા દેતો હતો.

ગ્રામ્ય એસઓજીએ હેમલતા દરજી અને ડોક્ટર હર્ષદ આચાર્યની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે બંને આરોપીઓ છેલ્લા 15 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા, સાથે જ બાવળા અને ધોળકા ખાતે આવેલી બ્રિન્દા હોસ્પિટલમાં એક સાથે કામ કરે છે. જ્યાં ડોક્ટર હર્ષદ વીઝીટીંગ ડોક્ટર તરીકે આવતા હતા. જે બાદ બંને વચ્ચે સંપર્ક થતાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો આ ગોરખધંધો શરૂ કર્યો હતો. જે માટે હેમલતા મહિલાઓ પાસેથી 15 હજાર રૂપિયા પડાવી હતી, જેમાંથી 8000 રૂપિયા ગર્ભ પરીક્ષણ માટેના ડોક્ટર હર્ષદને આપતી હોવાનું સામે આવ્યું છે. 

બંને આરોપીઓની ધરપકડ કરી પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે, અત્યાર સુધી આ બંને આરોપીઓએ કેટલી મહિલાઓના ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કર્યા હતા. આ ઉપરાંત પ્રતિબંધિત દવાઓ આરોપીઓ ક્યાંથી લાવતા હતા. તેવામાં આગામી સમયમાં આ કેસમાં પોલીસ વધુ કલમોનો ઉમેરો કરી કાર્યવાહી કરી શકે છે. હવે આરોપીઓની વધુ તપાસમાં શું ખુલાસા થાય છે તે  આવનાર સમય જ બતાવશે..

(6:36 PM IST)