News of Thursday, 29th May 2025
પ્રાંતિજ મામલતદાર કચેરીમાં ACB નો સપાટો : ₹2,000 ની લાંચ લેતો પટાવાળો ઝડપાયો! : જુઓ વિડીયો
જૂની નોંધો કાઢી આપવા માટે લાંચની માંગણી થતી હોવાની માહિતી આધારે સફળ છટકું ગોઠવાયું : ગાંધીનગર ACB દ્વારા કાર્યવાહી : ભ્રષ્ટાચારને ડામવા કડક પગલાં

પ્રાંતિજ : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સફળ ડિકોય છટકું ગોઠવી એક સરકારી કર્મચારીને ₹2,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. સર્વે નંબરોની જૂની નોંધો કાઢી આપવા માટે લાંચ માંગવામાં આવતી હોવાની માહિતી આધારે ACB એ આ કાર્યવાહી કરી હતી.
મામલતદાર કચેરીનો પટાવાળો લાંચ લેતા ઝડપાયો:
પ્રાંતિજ મામલતદાર કચેરીમાં કરાર આધારિત પટાવાળા તરીકે ફરજ બજાવતો રાજેન્દ્રસિંહ છત્રસિંહ ઝાલા લાંચની રકમ સ્વીકારતા ACB ના સકંજામાં આવ્યો છે. એક જાગૃત નાગરિકના સહયોગથી ગાંધીનગર ACB એ આ ઓપરેશન પાર પાડ્યું હતું.
₹1000 થી ₹2000 ની લાંચ લેવાતી હોવાની માહિતી:
ગાંધીનગર ACB ને માહિતી મળી હતી કે, પ્રાંતિજ મામલતદાર કચેરીના કર્મચારીઓ સર્વે નંબરોની જૂની નોંધો કાઢી આપવાના અવેજ પેટે ₹1,000 થી ₹2,000 સુધીની લાંચ લે છે. આ માહિતીને આધારે વોચ ગોઠવીને અને જાગૃત ડિકોયરનો સહયોગ મેળવીને લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાર્કિંગમાં લાંચ લેતા ઝડપાયો:
ડિકોય છટકા દરમિયાન, રાજેન્દ્રસિંહ ઝાલાએ ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹2,000 ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ, પ્રાંતિજ મામલતદાર કચેરીની પાછળના ભાગે આવેલા પાર્કિંગમાં તેણે ₹2,000 ની લાંચ સ્વીકારી હતી, અને તે જ સમયે ACB ની ટીમે તેને રંગે હાથ ઝડપી લીધો હતો.
આ ડિકોય ઓપરેશન એમ.એમ. સોલંકી, પોલીસ ઈન્સ્પેક્ટર, ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, અને એ.કે. પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ દ્વારા તેનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું. આ ઘટનાથી સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર ફરી એકવાર લગામ કસવામાં આવી છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
