News of Thursday, 29th May 2025
મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બન્ને પુત્રોને મોટી રાહત :પોલીસની જામીન રદ કરવા કરાયેલ સ્ટે અરજીને કોર્ટે ફગાવી
કોર્ટે બંનેના જામીનને માન્ય રાખ્યા ર, મંત્રીના પુત્રોની એજન્સીઓ દ્વારા કાગળ પર રસ્તાઓ બનાવવાનું દર્શાવીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ

દાહોદમાં મનરેગા યોજના હેઠળ થયેલા કથિત 71 કરોડના ભ્રષ્ટાચારના મામલે ગુજરાતના પંચાયત રાજ મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો, બળવંત ખાબડ અને કિરણ ખાબડ,ને દાહોદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે બંનેના જામીનને માન્ય રાખ્યા છે અને દાહોદ પોલીસ દ્વારા જામીન રદ કરવા માટે કરવામાં આવેલી સ્ટે અરજીને ફગાવી દીધી છે.
આ કેસમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના હેઠળ ગેરરીતિઓની ફરિયાદ મુખ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચી હતી. આરોપો અનુસાર, મંત્રીના પુત્રોની એજન્સીઓ દ્વારા કાગળ પર રસ્તાઓ બનાવવાનું દર્શાવીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
પોલીસે આ કેસમાં પહેલા બળવંત ખાબડની ધરપકડ કરી હતી, અને ત્યારબાદ વડોદરા-કાલોલ હાઈવે પરથી કિરણ ખાબડને પણ ઝડપી લીધો હતો. જોકે, 28 મે, 2025ના રોજ કોર્ટે બંનેને જામીન આપ્યા હતા, જેની સામે પોલીસે ઉપલી કોર્ટમાં અપીલ કરવાની ગણતરી દર્શાવી હતી. પરંતુ, કોર્ટે પોલીસની અરજીને રદ કરીને જામીનનો હુકમ યથાવત રાખ્યો છે. આ નિર્ણયથી મંત્રી બચુભાઈ ખાબડના પુત્રોને તાત્કાલિક રાહત મળી છે, પરંતુ આ મામલે વધુ તપાસ અને કાર્યવાહી ચાલુ રહેશે તેવી શક્યતા છે.
મનરેગા યોજના હેઠળ નાણાંકીય વર્ષ 2021થી 2025 ચાર વર્ષના સમયગાળા દરમિયાન દેવગઢ બારીઆના કુવા અને રેઢાણા, જ્યારે ધાનપુરના સીમામોઈ ગામે માત્ર દેખાડા પૂરતું કામ કરવામાં આવ્યું હતું. ધાનપુરના દેવગઢ બારિયામાં 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ કૌભાંડમાં અનેક લોકોની ધરપકડ કરી છે. ત્યારે આજ રોજ દાહોદ મનરેગા કૌભાંડ મામલે મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલ અને કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી છે
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
