News of Thursday, 29th May 2025
વડોદરામાં અનેક વિસ્તારોમાં રોડ પર ગાબડાં : લોકોએ શ્રીફળ વધેરીને કર્યો અનોખો વિરોધ
મુજમહુડા વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો: અકોટા વિસ્તારમાં પાછલા એક વર્ષમાં એટલાં બધા ભૂવા પડ્યા છે: અકોટાથી મુજમહુડા સુધીનો રોડ તો ભૂવાઓથી ભરેલો છે; એક વર્ષમાં એક બે નહીં પણ 21 ભૂવા પડ્યા

વડોદરામાં શરૂ થયેલો ભૂવા પડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો.. શહેરનાં મુજમહુડા વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો છે.. અકોટા વિસ્તારમાં પાછલા એક વર્ષમાં એટલાં બધા ભૂવા પડ્યા છે કે લોકો હવે વિસ્તારનું નવું નામ પાડે તો નવાઇ નહીં.
વડોદરામાં એક તરફ મહાનગરપાલિકાનું તંત્ર પ્રી મોન્સુન કામગીરીમાં ઝડપ કરવામાં લાગ્યું છે તો બીજી તરફ એક પછી એક પડતા ભૂવા નાગરિકોની મુશ્કેલી અને પાલિકાની ચિંતા વધારી રહ્યાં છે. અકોટા જંક્શન પાસે વિશાળ ભૂવો પડ્યાને હજી ચાર દિવસ જ થયા છે ત્યાં અહીંથી બે કિલોમીટરનાં અંતરે મુજમહુડામાં આજે વધુ એક ભૂવો પડતાં તંત્ર દોડતું થયું.. સામ્રાજ્ય ત્રણ રસ્તા પાસે જ વિશાળ ભૂવો પડતાં કોર્પોરેશન દ્વારા તેને કોર્ડન કરી કામગીરી શરૂ કરવામાં આવી છે.. જો કે વારંવાર પડતાં ભૂવાઓએ હવે વાહનચાલકોમાં ભય ફેલાવ્યો છે.
વડોદરા શહેરમાં વરસાદ પહેલાં પડતા ભૂવા હવે એક નિયમિત પ્રક્રિયા થઇ ગઇ છે.. અને અકોટાથી મુજમહુડા સુધીનો રોડ તો ભૂવાઓથી ભરેલો છે.. ભુતકાળમાં આ જ વિસ્તારમાં મહાકાય ભૂવા પડ્યા છે.. અને તે સિલસિલો હજી પણ યથાવત છે.. આજે પણ આ બે કિલોમીટરનો રોડ ગમે ત્યારે બેસી જાય અને જાનહાનિ સર્જી શકે છે.. તેવામાં સ્થાનિકોએ ભૂવા પાસે પુજાપાઠ કરી શ્રીફળ વધેરી અનોખો વિરોધ કર્યો.. વર્ષોથી ભૂવાઓથી ત્રસ્ત અકોટા અને મુજમહુડા વિસ્તારનાં રહીશોની ધીરજ હવે ખુટતી જાય છે.. અને તેથી જ આ વિસ્તારમાં રહેતા એક જાગૃત નાગરિકે જ્યારે આરટીઆઈ કરી પાલિકા પાસે અત્યાર સુધી ભૂવા પાછળ થયેલાં ખર્ચની વિગત માંગી તો ચોંકાવનારા આંકડા સામે આવ્યા.. જેમાં ખુલાસો થયો કે અકોટાથી મુજમહુડા સુધીનાં માત્ર બે કિલોમીટરનાં વિસ્તારમાં પાછલાં એક વર્ષમાં એક બે નહીં પણ 21 ભૂવા પડ્યા અને તેને પુરવા માટે પાલિકાએ પ્રજાના વેરાનાં રૂપિયામાંથી બે કરોડ જેટલો ખર્ચ કરી નાંખ્યો.
હવે આ અંગે પાલિકા અધિકારી પાસેથી પણ જાણીએ કે કેમ વારંવાર એક જ વિસ્તારમાં આટલા બધા ભૂવા પડે છે.. ડ્રેનેજ વિભાગનાં કાર્યપાલક ઈજનેર તરીકે હમણાં જ નિમણૂંક પામેલા હરેશ રાઠવાએ બિન્દાસ્તપણે સ્વીકાર્યું કે, આ વિસ્તારમાં હજી પણ ભૂવા પડશે.. અને તેનું કારણ વિસ્તારમાં જર્જરિત થઇ ગયેલી વર્ષો જુની ડ્રેનેજ લાઇન.. હવે આ લાઇન બદલવા માટે પાલિકાએ 92 કરોડ જેટલી માતબર રકમનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે. પાલિકા તંત્રનાં આટલાં બિંદાસ્તપણાથી એક વાત સ્પષ્ટ છે કે, પ્રજા ભલે હેરાન થતી પણ તેઓ તો તેમનાં સમયે અને તેમની મરજી પ્રમાણે જ કામ કરશે.. ત્યાં સુધી ચોમાસામાં આ વડોદરાની શું દશા થાય છે તે તો વરસાદ શરૂ થયા બાદ જ ખબર પડશે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
