<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

સ્કૂલો વિદ્યાર્થીઓને ચોક્કસ સ્થળેથી યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા દબાણ ના કરે

જિલ્લા શિક્ષણાધિકારીનો પરિપત્રઃપરિપત્રનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થશે

રાજકોટ,તા.૨૯

ગુજરાતમાં ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓને કોઈ ચોક્કસ સ્થળેથી યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા માટે દબાણ કરવામાં આવતુ હોવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર જાહેર કરીને સ્કૂલોને આદેશ આપ્યો છે કે, વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને સ્ટેશનરી ચોક્કસ સ્થળેથી ખરીદવા દબાણ નહીં કરવું. પરિપત્રનું ઉલ્લંઘન કરનાર વિરૃદ્ધ સખત કાર્યવાહી કરાશે.

રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે કહ્યું હતું કે, કોઈ પણ શાળા પોતાનો ગણવેશ કે પછી અન્ય સ્ટેશનરીની ચીજ વસ્તુઓ કોઈ ચોક્કસ સ્થળેથી ખરીદવા વિદ્યાર્થીઓને દબાણ નહીં કરી શકે. વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદ બાદ પરિપત્ર જાહેર કરી ખાનગી શાળાઓને પણ સખ્ત સૂચનાઓ અપાઈ છે. ઘણી ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને કોઈ ચોક્કસ સ્ટેશનરી ને ત્યાંથી જ વસ્તુઓ લેવા માટે જણાવવામાં આવતું હોવાની ફરિયાદો મળી હતી.

વાલીઓની ફરિયાદો મળ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં શાળાઓને કોઈ ચોક્કસ સ્થળેથી ગણવેશ કે સ્ટેશનરી લેવા માટે વિદ્યાર્થીઓ પર દબાણ નહીં કરી શકાય તેવો આદેશ કર્યો છે. જો કોઈ શાળા આ પરીપત્રનું ઉલ્લંઘન કરી વિદ્યાર્થીઓને ચીજ વસ્તુઓ કોઈ ચોક્કસ જગ્યાએથી ખરીદવા પ્રેસર કરશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે.

(10:13 PM IST)