તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 30th May 2025
બનાસકાંઠામાં જળક્રાંતિનો શુભારંભ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'કુવા રિચાર્જ અભિયાન'નો પ્રારંભ કરાવ્યો : પાણી બચાવવું એ સૌની ફરજ - જળ સંરક્ષણ થકી વિકસિત ભારતનું નિર્માણ!
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિ : બનાસ ડેરીના સહયોગથી ૨૫ હજાર રિચાર્જ કુવા બનશે : ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા અભૂતપૂર્વ પહેલ

ગાંધીનગર, ૩૦ મે, ૨૦૨૫: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ “જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઈન – ૨૦૨૫” અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય અને જનભાગીદારીના અભિગમને કેન્દ્રમાં રાખીને રિચાર્જ કુવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત મંત્રીઓ અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામ ખાતેથી આ મહત્વપૂર્ણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી અને મહાનુભાવોએ જે.સી.બી. અને ટ્રેક્ટરને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવી રિચાર્જ કુવાનું ઉદ્ઘાટન કર્યું હતું.
વડાપ્રધાનના જળશક્તિના વિચારથી ગુજરાત વોટર સરપ્લસ સ્ટેટ બન્યું: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનબળ એટલે કે, જનશક્તિને દેશના વિકાસમાં જોડવાની અને સૌના સાથ, સૌના વિકાસની પરંપરા વિકસાવી છે. ગુજરાતના આજના સર્વગ્રાહી વિકાસના મૂળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપેલો જળશક્તિ, જનશક્તિ, ઊર્જાશક્તિ, રક્ષાશક્તિ અને જ્ઞાન શક્તિનો વિચાર છે. વડાપ્રધાન હંમેશા કહે છે કે, પાણી એ વિકાસની પહેલી શરત છે. નરેન્દ્રભાઈએ જ્યારે મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારે ગુજરાતમાં ન તો પૂરતી વીજળી હતી કે ન પૂરતું પાણી. આપત્તિને અવસરમાં અને પડકારોને તકમાં પલટાવવાનું સામર્થ્ય નરેન્દ્રભાઈએ આપણામાં કેળવ્યું છે. તેમણે જળ સમસ્યાના નિવારણ માટે જનશક્તિને જળસંગ્રહ, જળસંચય, ચેકડેમ-બંધારાના વિરાટ અભિયાનમાં જોડી. તેના પરિણામે ગુજરાત વોટર ડેફિસિટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું. વડાપ્રધાને આપણને પાણી આવે તે પહેલા પાળ બાંધી લેવાની દિશા આપી છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સમગ્ર દેશમાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાને ૨૦૧૯માં રાષ્ટ્રવ્યાપી જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. બનાસકાંઠામાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ ૫૦ હજાર રિચાર્જ કૂવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે, જેમાં બનાસ ડેરીના સહયોગથી ૨૫ હજાર રિચાર્જ કૂવા બનવાના છે. બનાસ ડેરીની આ પ્રતિબદ્ધતા માટે મુખ્યમંત્રીએ શંકરભાઈ ચૌધરી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાને 'સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં' રહે તેવો મંત્ર આપીને રાજ્યમાં જળ સંચયના કામો જનભાગીદારીથી શરૂ કરાવ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસાના વહી જતાં પાણીને જળ સંચય અને જળ વ્યવસ્થાપનના પ્રયાસોથી અટકાવીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા અને ખેત ઉત્પાદનમાં વધારો કરવાનો છે.
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આપણી સનાતન સંસ્કૃતિમાં પાણીને પરમેશ્વરનો પ્રસાદ અને નદીઓને માતાનું સ્થાન મળ્યું છે. ખેડૂતો કૃષિક્રાંતિ કરી શકે તે માટે જળસિંચન મહત્વનું અંગ છે. તેમણે પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહન આપ્યું અને રાસાયણિક ખાતર મુક્ત ખેતી પર ફોકસ કરવાનું જણાવ્યું, કારણ કે રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન અને માનવી બંનેનું સ્વાસ્થ્ય બગડે છે, જેના કારણે આજે નાની વયે બી.પી, સુગર, હાર્ટઅટેક જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. વડાપ્રધાને આ સ્થિતિ સુધારવા માટે 'બેક ટુ બેઝિક' નો મંત્ર આપીને પ્રાકૃતિક ખેતીની મૂહિમ ઉપાડી છે.
વડાપ્રધાને વિકસિત ભારત માટે પ્રકૃતિના સંરક્ષણને, રાષ્ટ્રપ્રેમને, જનજાગૃતિને અને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારીને જોડતા સંકલ્પો આપ્યા છે. પર્યાવરણને અનુકૂળ રહીને સર્વાંગી વિકાસનો માર્ગ ચીંધી તેમણે જળ સંચયની સાથે ગ્રીન કવર વધારવા માટે 'એક પેડ માં કે નામ' જેવા જન અભિયાન શરૂ કરાવ્યા છે. આવા સંકલ્પો દ્વારા વિકસિત ભારત@૨૦૪૭ના નિર્માણનું તેમણે આહવાન કર્યુ છે.
બનાસકાંઠાને ડાર્ક ઝોનમાંથી બહાર લાવવા વડાપ્રધાનના માર્ગદર્શનમાં કામ: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે, દેશમાં ૧૮% પશુઓ છે, જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ પશુઓ છે. પશુ અને જીવન સૃષ્ટિ માટે પાણી અગત્યનું પરિબળ છે, પરંતુ દેશમાં માત્ર ૪% પીવાનું પાણી ઉપલબ્ધ છે. દેશના ૭૦૦ પૈકી ૧૫૦ જિલ્લા ડાર્ક ઝોનમાં આવે છે, જેમાં ઉત્તર ગુજરાતનો સૌથી મોટો જિલ્લો બનાસકાંઠા પણ ડાર્ક ઝોનમાં સામેલ છે. બનાસકાંઠા જિલ્લાને ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં છેલ્લા ૧ વર્ષથી કામ કરવામાં આવી રહ્યું છે. પાણીના બચાવ માટે દેશભરમાં અમૃત સરોવર, નર્મદા યોજના, સૌની યોજના જેવી યોજનાઓ દ્વારા અવિરત કામ કરવામાં આવી રહ્યું છે. ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અટલજી નદીઓને જોડવાની વાત કરતા હતા, અને નરેન્દ્રભાઈ મોદી તેમના સ્વપ્નને પૂર્ણ કરી રહ્યા છે. નર્મદા, સાબરમતી અને કચ્છની નદીઓ સાથે જોડાણ માટે કામ થઈ રહ્યું છે. સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ત્રણ નદીઓને જોડવા માટે ૭૭ હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
બનાસ ડેરી ૨૫ હજાર રિચાર્જ કુવા બનાવશે: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાણીથી ઝઝૂમતા દેશના ડાર્ક ઝોનમાં આવેલા જિલ્લાઓને બહાર લાવવા માટે બીડું ઝડપ્યું છે, ત્યારે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની સૌથી પહેલા પસંદગી કરવામાં આવી છે. ખેતરનું પાણી ખેતરમાં તથા સીમનું પાણી સીમમાં રહે તે માટે બનાસ ડેરીએ બીડું ઝડપ્યું છે. બનાસ ડેરી જિલ્લામાં ૨૫ હજાર રિચાર્જ કુવા બનાવશે, જેમાં ૫૦ ટકા સહાય બનાસ ડેરી દ્વારા ખેડૂતોને આપવામાં આવશે. તેમણે ધરતીમાં વધુમાં પાણી ઉતારી શકાય તે માટે સૌકોઈને પ્રયાસ કરવા જણાવ્યું હતું. આગામી ૪ વર્ષ આ અભિયાન ચલાવીએ તથા આગામી ૧૦ વર્ષનું આયોજન કરીએ તે મુજબ કામ કરવા જણાવ્યું હતું. બનાસકાંઠાને હરિયાળો બનાવવા માટે બનાસ ડેરી દ્વારા પર્વતો પર સિડ બોલ ફેંકીને પર્વતોને હરિયાળા બનાવવા માટે કામ કર્યું છે.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ ભરતભાઈ ડાભી, બાબુભાઈ દેસાઈ, સર્વે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, કેશાજી ચૌહાણ, સ્વરૂપજી ઠાકોર, માવજીભાઈ દેસાઈ, જળ શક્તિ મંત્રાલયના એમ.ડી. અર્ચના વર્મા, જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, બનાસ બેન્કના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરી, પૂર્વ ગૃહ મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, દિનેશભાઈ અનાવડીયા સહિત વિવિધ અધિકારીઓ, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટર મિહિર પટેલે પ્રારંભિક શાબ્દિક સ્વાગત કર્યું હતું.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
