<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

સુરતમાં ACB નો સફળ ડીકોય ટ્રેપ : DGVCL ના નાયબ ઇજનેર રવીશકુમાર છોટકુન રામ ₹૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા!

વીજ કનેક્શનની અરજી મંજૂર કરવા માંગેલી લાંચ : ઉદ્યોગિક વિસ્તારમાં વીજ જોડાણના કામ માટે કરાતી હતી ઉઘરાણી : ACB ટીમે રંગેહાથ દબોચ્યા

સુરત, ૩૦ મે, ૨૦૨૫: ગુજરાતમાં ભ્રષ્ટાચારને ડામવા માટે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે સુરત ગ્રામ્ય ACB એ વધુ એક સફળ ડીકોય ટ્રેપ ગોઠવીને DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ) ના એક નાયબ ઇજનેરને ₹૧૦,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી ૩૦ મે, ૨૦૨૫ ના રોજ કરવામાં આવી હતી.
શું હતો ગુનો? વીજ કનેક્શન માટે લાંચની માંગણી
આ કેસની વિગત એવી છે કે, એક જાગૃત નાગરિક, જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વીજ કનેક્શન અપાવવાનો કોન્ટ્રાક્ટનું કામ કરે છે, તેણે કડોદરા-૨ પેટા વિભાગીય કચેરી, DGVCL, કડોદરામાં વીજ કનેક્શન લેવા માટે અરજી કરી હતી. આ વીજ કનેક્શનની અરજી મંજૂર કરવાના અવેજ પેટે આરોપી નાયબ ઇજનેર રવીશકુમાર છોટકુન રામ (ઉંમર ૩૮) દ્વારા એક વીજ કનેક્શન દીઠ ₹૫,૦૦૦/- લેખે, બે વીજ કનેક્શનની અરજી મંજૂર કરવા માટે કુલ ₹૧૦,૦૦૦/- ની લાંચની માંગણી કરવામાં આવી હતી.
ACB ની સફળ ટ્રેપ: નાયબ ઇજનેર ઝડપાયા
લાંચની આ માંગણી અંગે જાગૃત નાગરિકે સુરત ગ્રામ્ય ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ધોબી અને તેમની ACB ટીમે સમગ્ર મામલે છટકું ગોઠવ્યું હતું. યોજના મુજબ, આજે ૩૦ મે, ૨૦૨૫ ના રોજ નાયબ ઇજનેરની ઓફિસમાં, કડોદરા સબ સ્ટેશન કંપાઉન્ડ, કડોદરા, સુરત ખાતે ₹૧૦,૦૦૦/- ની લાંચની રકમ સ્વીકારતા જ આરોપી રવીશકુમાર છોટકુન રામને ACB એ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. લાંચની રકમ ₹૧૦,૦૦૦/- સ્થળ પરથી રિકવર કરવામાં આવી હતી.
આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન મદદનીશ નિયામક, ACB સુરત એકમ, સુરત, આર.આર. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સફળ ડીકોય ટ્રેપ ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ ફેલાવશે અને પારદર્શક વહીવટની દિશામાં એક સકારાત્મક પગલું પૂરવાર થશે.

 

(5:26 PM IST)