<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

કોંગ્રેસ દ્વારા 'કારકિર્દીના ઊંબરે' પુસ્તકનું વિમોચન : ધોરણ ૧૦-૧૨ પછી શું? વિદ્યાર્થીઓ માટે ૨૦૦+ અભ્યાસક્રમોનું પથદર્શક : ગુજરાતમાં શિક્ષણ સુધારવા સરકારને હાકલ!

૨૦મા વર્ષે પ્રકાશિત પુસ્તક ઈ-કાર્ડ અને વેબસાઈટ પર પણ ઉપલબ્ધ : શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાએ કર્યું વિમોચન : ડો. મનીષ દોશીના પ્રયાસોને બિરદાવ્યા : 'રસ-રુચિ પ્રમાણે કારકિર્દી પસંદગી' પર ભાર

અમદાવાદ : ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા પાસ કરનારા લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ઉજ્જવળ ભવિષ્યની દિશા ચીંધવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજીવ ગાંધી ભવન ખાતે "કારકિર્દીના ઊંબરે" શીર્ષક હેઠળના કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સહિતના વરિષ્ઠ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસ પક્ષ દ્વારા સતત ૨૦મા વર્ષે પ્રકાશિત થયેલું આ પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પથદર્શક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
નવતર પ્રયોગ: ડિજિટલ માધ્યમથી પુસ્તકની ઉપલબ્ધતા
આ વર્ષે એક નવતર પ્રયોગના ભાગરૂપે, આ પુસ્તકને ઈ-કાર્ડ દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરીને પણ સરળતાથી ડાઉનલોડ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ www.careerpath.info અને www.incgujarat.com વેબસાઇટ્સ પરથી પણ આ પુસ્તકને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે, જે ડિજિટલ યુગમાં જ્ઞાનને વધુ સુલભ બનાવશે.
શક્તિસિંહ ગોહિલ: "શિક્ષણનું સ્તર સુધારવા રાજ્ય સરકાર ચિંતિત બને તે આવશ્યક"
પુસ્તકના વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ઉજ્જવળ કારકિર્દી અને સફળ જીવન માટે ધોરણ-૧૦/૧૨ પછી અભ્યાસક્રમની પસંદગી અતિ મહત્વની બની જાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે રાજ્ય સરકાર ચિંતિત બને તે ઘણું જ આવશ્યક છે."
ગોહિલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે, "૧૦મું કે ૧૨મું ધોરણ પૂર્ણ કરવું એ તમારી શૈક્ષણિક યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. જેમ જેમ તમે તમારા જીવનના આગલા તબક્કામાં પ્રવેશ કરો છો, તેમ તેમ હું તમને તમારી ભાવિ કારકિર્દીની આકાંક્ષાઓ વિશે વિચારવા પ્રોત્સાહિત કરવા માંગુ છું. આ એક રોમાંચક સમય છે, જે શક્યતાઓ અને તકોથી ભરેલો છે. યાદ રાખો, તમારી કારકિર્દી એક વ્યક્તિગત પસંદગી છે અને તેને તમારા જુસ્સા, રુચિઓ અને શક્તિઓ સાથે સંરેખિત કરવી આવશ્યક છે. બાળકની રસ-રુચિ પ્રમાણે કારકિર્દી પસંદગીનો નિર્ણય લેવાય તો ઉત્તમ પરિણામો મળે છે."
તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસ પક્ષ રાજનીતિની સાથે સમાજની પ્રગતિ, સમૃદ્ધિ અને સશક્તિકરણ માટે રચનાત્મક કાર્ય કરતો રહ્યો છે. તેમણે કોંગ્રેસ પક્ષના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશીના પ્રયાસોને બિરદાવ્યા, જેમણે વ્યસ્ત રાજકીય જવાબદારીઓ વચ્ચે પણ સતત ૨૦મા વર્ષે આ કારકિર્દી માર્ગદર્શન પુસ્તક થકી લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ માટે પથદર્શક અને માર્ગદર્શકની ભૂમિકા ભજવી છે, જે સરાહનીય અને અભિનંદનને પાત્ર છે.
અમિત ચાવડા: "ઉત્તમ કારકિર્દી માટે જ્ઞાન, પ્રશિક્ષણ અને આત્મવિશ્વાસ અનિવાર્ય"
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, જીવનમાં ઉત્તમ કારકિર્દી માટેના મહત્વના ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષામાં સફળતા મેળવનાર સૌ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન. તેમણે કહ્યું કે, ઉત્તમ કારકિર્દીનું સોનેરી સ્વપ્ન દરેક વિદ્યાર્થી, યુવાન કે વ્યક્તિનું હોય છે. બોર્ડના કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોતાની પદવી, ઉચ્ચ સ્થાન કે ગુણાંક મેળવવા થનગનતા હોય છે તે માટે સફળતાની ચાવી એટલે જ્ઞાન, પ્રશિક્ષણ, શક્તિ, સ્વપ્ન, આત્મવિશ્વાસ, એકાગ્રતા, સમર્પિતા – આ સાત ગુણો છે.
ચાવડાએ રાજ્ય સરકારને પણ વિદ્યાર્થીઓના ભવિષ્યને કેન્દ્રસ્થાને રાખીને કામગીરી કરવા હાકલ કરી હતી. તેમણે ડો. મનીષ દોશી (એન્જિનિયર) અને તેમની ટીમને સતત વીસમા વર્ષે આ અદભુત કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી દ્વારા સફળતાના શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
ડો. મનીષ દોશી: ૨૦૦+ અભ્યાસક્રમો અને વિશેષતાઓ
“કારકિર્દીના ઊંબરે” પુસ્તકના સંપાદક અને કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશી (એન્જિનિયર) એ જણાવ્યું હતું કે, ૨૦૦૫-૦૬ માં ગુજરાતમાં પ્રથમ વખત રાજકીય પક્ષ તરીકે યુવાનોના કારકિર્દી માર્ગદર્શન માટે કોંગ્રેસ પક્ષે આ પુસ્તકનું વિમોચન કર્યું હતું. સતત વીસ વર્ષથી યુવાનોની કારકિર્દી માર્ગદર્શન માટે દર વર્ષે નવા અભ્યાસક્રમો, સ્કોલરશીપ, એજ્યુકેશન લોન, કોલેજ-યુનિવર્સિટીની વેબસાઈટ સહિતની વિગતો પુસ્તકમાં સમાવેશ કરવામાં આવે છે.
તેમણે ઉમેર્યું કે, કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા ગુજરાતમાં રાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે આઈ.આઈ.ટી., એન.આઈ.ડી.નું નવું કેમ્પસ, સેન્ટ્રલ યુનિવર્સિટી અને ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સ્થાપના ગુજરાત માટે ગૌરવરૂપ અને સીમાચિહ્નરૂપ સાબિત થશે.
"ધોરણ-૧૨ પછી અભ્યાસક્રમોની અનેક તકો રાજ્ય અને દેશ કક્ષાએ ઉપલબ્ધ છે ત્યારે જરૂર છે માત્ર સમયસર અને યોગ્ય માર્ગદર્શનની," ડો. મનીષ દોશીએ કહ્યું. આ પુસ્તકમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૨ પછી ઉપલબ્ધ ૨૦૦ થી વધુ અભ્યાસક્રમો ની વિગતો સાથે વિશેષ કારકિર્દીના અભ્યાક્રમો અંગેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સંસ્થાઓની માહિતી સાથે ૪૦ થી વધુ પ્રવેશ પરીક્ષા અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી છે તેમજ દેશમાં આગામી સમયની માંગ અનુસાર નોકરીની વિવિધ તકો ઉપર વિશેષ વિગતો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને વિકલાંગો માટે વિવિધ અભ્યાસક્રમોની વિશેષ વિગતો આપવામાં આવી છે.
નવા નવા અભ્યાસક્રમો કે જે રાજ્યમાં ઉપલબ્ધ નથી તેની પણ માહિતી-પ્રવેશ પરીક્ષા અને જુદી જુદી સંસ્થાઓ કે જેઓ વિશિષ્ટ અભ્યાસક્રમો ભણાવે છે તેમની વેબસાઈટો પણ આપવામાં આવી છે. શિક્ષણ માટે એજ્યુકેશન લોન અને સ્કોલરશીપ આપતી વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ટ્રસ્ટોની વિગતો આ પુસ્તકની વિશેષતા છે.
આ વિમોચન પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, એ.આઈ.સી.સી. મંત્રી રામકિશન ઓઝા, કાર્યકારી અધ્યક્ષ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, એ.આઈ.સી.સી. મંત્રી નીલેશ પટેલ, ઉપપ્રમુખ બિમલ શાહ, ધારાસભ્ય દિનેશ ઠાકોર, મીડિયા કો-કન્વીનર હેમાંગ રાવલ, પ્રદેશ પ્રવક્તા હિરેન બેંકર, ભાવિક સોલંકી, કાંતિભાઈ બાવરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને "કારકિર્દીના ઊંબરે" પુસ્તક ગુજરાતના વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરમાં પથદર્શક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

(8:30 PM IST)