તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 30th May 2025
અમદાવાદમાં જુહાપુરા અકસ્માત કેસમાં કોઈ ધાર્મિક મુદ્દો નહીં : ધાર્મિક દાવા અને રાજકીય મુદ્દો બનાવનારા સામે કાર્યવાહી
પરિવારજનો અને હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું કે તેમને કોઈએ અટકાવીને માર માર્યો નહોતો, પણ આ સંપૂર્ણ ઘટના એક અકસ્માત હતી.

અમદાવાદમાં જુહાપુરા સોનલ રોડ પર ૨૭ મેના રોજ થયેલા અકસ્માતના મામલે મોટા ખુલાસા થયા છે. સોશિયલ મીડિયા પર અને કેટલાક રાજકીય કાર્યકરો દ્વારા આ ઘટના અંગે ખોટા ધાર્મિક દાવા કરવામાં આવ્યા હતા કે મુસ્લિમ ઓટોરીક્ષા ડ્રાઇવર અબ્બાસખાન ઉર્ફે મીનુ આમિરખાન પઠાણને ટોળાએ ધર્મ પૂછીને માર માર્યો હતો. પોલીસ તપાસ બાદ આ દાવો ખોટો સાબિત થયો છે. આ મામલે AIMIMના મુજીર સૈયદ, SDPIના ઈમરાન નાંદોલીયા અને ગુજરાત ટુડે પત્રકાર સરફરાઝ મન્સૂરી સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
27 મેના રોજ વેજલપુર વિસ્તારમાં અબ્બાસખાન તેમની ઓટોરીક્ષા લઈને જતા હતા ત્યારે નશાની હાલતમાં ત્રણ અલગ અલગ જગ્યાએ રીક્ષાને ટક્કર મારી દીધી હતી. તેમાં તેઓ ગંભીર રીતે ઈજા પામ્યા અને તેમને આમેનાખાતુન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના પરિવારજનો અને હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું કે તેમને કોઈએ અટકાવીને માર માર્યો નહોતો, પણ આ સંપૂર્ણ ઘટના એક અકસ્માત હતી.
આ ઘટનાના સંબંધમાં થોડા સમય બાદ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો અને રાજકીય પક્ષોના કાર્યકરો સહિત કેટલાક લોકોએ મીડિયા સામે બાઈટ આપી કે આ ઘટના ધાર્મિક ષડયંત્ર છે. ગુજરાત ટુડે પત્રકાર દ્વારા પણ દાવા સાથે સમાચાર પ્રકાશિત થયા કે મુસ્લિમ હોવાને કારણે અબ્બાસખાન પર હુમલો થયો. જોકે, પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ કરી અને હકીકત બહાર લાવી છે કે કોઈ પણ વ્યક્તિએ ધાર્મિક ઓળખને કારણે હુમલો કર્યો નથી.
વેજલપુર પોલીસ ઈન્સ્પેક્ટરએ જણાવ્યું હતું કે, અમે ઘટનાની બારીકીથી તપાસ કરી છે. તમામ પુરાવાઓ અને પરિવારજનોના નિવેદનો અનુસાર,આ માત્ર અકસ્માત હતો અને કોઇ ધાર્મિક મુદ્દો તેમાં સંકળાયેલો નથી. ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટના એ સંકેત આપે છે કે સોશિયલ મીડિયા પર વહેતી દરેક વાત પર તરત વિશ્વાસ ન કરવો જોઈએ. અસત્ય વાતો કોમો વચ્ચે તણાવ અને વૈમનસ્ય ઉભું કરી શકે છે. પોલીસના હસ્તક્ષેપ બાદ હવે હકીકત સામે આવી છે, અને ખોટી ખબર ફેલાવનારા સામે કડક પગલા લેવામાં આવશે
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
