<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

વાઘોડિયામાં પિતાના ઘરે વેકેશનમાં આવેલ પુત્રીને ઘરકામ બાબતે ઝઘડો થતા પતિએ માથામાં લોખંડની કોષ મારી મોતને ઘાટ ઉતારી

મગનભાઈ તડવીએ દીકરી સોનલની હત્યા કરનાર જમાઈ પુનમ બેચરભાઈ મકવાણા વિરુદ્ધ વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદનોંધાવી : ધરપકડ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના શ્રીપોર ટિબી ગામમાં પિતાના ઘરે વેકેશન માણવા આવેલી દીકરી અને જમાઈ વચ્ચે સામાન્ય ઘરકામ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં આક્રોશની સીમા ઓળંગી ગયેલા પતિએ પત્નીના માથામાં લોખંડની કોષ મારી મોતને ઘાટ ઉતારી દેતાં સનસનાટી મચી ગઈ હતી. આ બનાવ અંગે સસરાએ જમાઈ સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયા તાલુકાના શ્રીપોર ટીંબી ગામમાં મગનભાઈ ચતુરભાઈ તડવી પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આઠ દિવસ પહેલા મગનભાઈ તડવીની આણંદ જિલ્લાના વહેરાખાડી ગામમાં પરણાવેલી 35 વર્ષિય દીકરી સોનલબેન ઉર્ફે હિનાબેન મકવાણા તેના બે બાળકો અને પતિ પૂનમ મકવાણા સાથે વેકેશન મનાવવા માટે આવી હતી.

પતિ પૂનમ મકવાણા અને પત્ની સોનલ વચ્ચે ઘરકામ જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં આવેશમાં આવી ગયેલા પુનમ મકવાણાએ પત્ની સોનલના માથામાં લોખંડની કોષ મારી દીધી હતી. જેથી લોહી લુહાણ હાલતમાં સોનલને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ સોનલ બેનને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટના અંગે મગનભાઈ તડવીએ દીકરી સોનલની હત્યા કરનાર જમાઈ પુનમ બેચરભાઈ મકવાણા વિરુદ્ધ વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરિયાદના આધારે હત્યારા પતિ પૂનમ મકવાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:51 AM IST)