<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

ભુપેન્‍દ્રભાઇ-કુંવરજીભાઇના હસ્‍તે સુરેન્‍દ્રનગરમાં ૬૯૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહુર્ત

વઢવાણ, સાયલા, મુળી, ધ્રાંગધ્રા, તાલુકામાં વિકાસના દ્વાર ખુલ્‍યાઃ ઝાલાવાડમાં હરખની હેલી

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર તા. ૩૧ :.. રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની વિશેષ ઉપસ્‍થિતિમાં આજે સુરેન્‍દ્રનગર જીલ્લામાં રૂા. ૬૯૬ કરોડનાં કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવતા જીલ્લામાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.

સુરેન્‍દ્રનગર જીઆઇડીસી રોડ ઉપર આવેલ માર્કેટીંગ યાર્ડની બાજુમાં વઢવાણ ખાતે યોજાયેલા આ લોકાર્પણ અને ખાતમુહુર્તમાં રૂા. પ૧ર.૧૭ કરોડના ખર્ચે વઢવાણ, સાયલા, મુળી અને ધ્રાંગધ્રા તાલુકાના ૮૯ ગામોને  સૌની યોજના થકી નર્મદાનું પાણી પહોંચાડવાના કામોનું ખાતમુર્હુત, રૂા. ૧૦૮.૦૪ કરોડના ખર્ચે ભાસ્‍કર પરા ઓફટેક આધારિત અને મોઢેરા હેડ વર્કસ આધારીત પાણી પુરવઠા સુધારણા યોજનાની કામગીરી જે પુર્ણ થઇ ગઇ છે. તેનું લોકાર્પણ, રૂા. ૩.ર૬ કરોડના ખર્ચે સાયલા તાલુકાના ભાડુકા ખાતે અને રાતડકી ખાતે નવા બનાવવામાં આવનારા ચેક ડેમોનું ખાતમુહુર્ત અને રૂા. ૩૧.૭૮ કરોડના ખર્ચ જુદા જુદા વિભાગોના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને કુંવરજીભાઇ બાવળીયા દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ૧૧ ગામોને સૌની યોજના થકી નર્મદાનું પાણી પહોંચાડવાનાં રૂા. ૪૧ કરોડની યોજનાનું ખાતમુહુર્ત પણ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇના નેતૃત્‍વમાં રાજયમાં અબજો રૂપિયાના વિકાસના કામો હાલ થઇ રહ્યા છે. જેમાં ખાસ કરી રાજયનાં કોઇપણ વિસ્‍તારમાં પાણીની મુશ્‍કેલી ન પડે તે માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇની માર્ગદર્શન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની  મહેનત અને સુઝબુઝથી રાજયમાં મોટાભાગમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં જે વિસ્‍તારમાં હજુ નર્મદાનું પાણી નથી પહોંચતુ ત્‍યાં પણ પાણી પહોંચાડી દેવામાં આવશે.

આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્‍યું હતું કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇના માર્ગદર્શન અને ભુપેન્‍દ્રભાઇના નેતૃત્‍વમાં રાજયમાં ભાજપની સરકાર દ્વારા અબજો રૂપિયાના વિકાસના કામો થઇ રહ્યા છે ત્‍યારે આજે સુરેન્‍દ્રનગર જીલ્લામાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે આજે ૬૯૬.રપ કરોડ રૂા.ના ખર્ચ મુખ્‍યત્‍વે પાણી પુરવઠા વિભાગના અને બીજા વિભાગના લોકાર્પણ અને ખાત મુર્હુતે યોજાયા છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ અને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ દ્વારા રાજયના કોઇ વિસ્‍તારમાં પાણીની મુશ્‍કેલી ન પડે તે માટે સતત ચિંતા કરે છે અને જયાં જરૂર હોય ત્‍યાં તો તાત્‍કાલીક પાણી પહોંચાડવા સતત મને માર્ગદર્શન અને સુચનાઓ આપતા રહે છે. આ લોકાર્પણ પ્રસંગે રાજયના જીલ્લાનાં અને સ્‍થાનિક આગેવાનો તથા વિશાળ મેદની ઉપસ્‍થિત રહી હતી.

આ યોજના થકી અને ખાતુમુહૂર્તના કામો થકી  નર્મદાના પુરના વધારાના પાણી પૈકી એક મીલીયન એકર ફીટ પાણી (૪૩૫૦૦ મીલીયન ઘન ફુટ) સૌરાષ્‍ટ્ર વિસ્‍તારને સરકારશ્રી દ્વારા ફાળવણી થયેલ છે. જેનાથી સૌરાષ્‍ટ્ર ના ૧૧૫ હયાત જળાશયો ભરીને સિંચાઈ વ્‍યવસ્‍થા વધુ મજબુત કરીને આશરે ૯૭૦ કરતા વધુ ગામોના ૮,૨૪,૮૭૨ એકર જેટલા વિસ્‍તારમાં પિયતનો તથા પીવાના પાણી નો લાભ આપવાનું આયોજન કરવામાં આવેલ છે. સૌરાષ્‍ટ્રના વિવિધ વિસ્‍તારોને આવરી લેતી ચાર લીંક પાઈપ લાઈન નહેરો તરીકે આયોજન કરવામાં આવેલ.

સૌની યોજના અંતર્ગત પાઇપલાઇનની કામગીરીથી ૧૧૫ જળાશયો પૈકી ૯૯ જળાશય, ૨૪૩ તળાવો અને ૧૬૧૬ ચેકડેમોમાં આશરે ૧,૧૯,૬૩૮ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્‍થો ઉપાડ કરી ફાળવવામાં આવેલ છે. જેનાથી આશરે ૬ લાખ એકર વિસ્‍તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થયેલ છે અને આશરે ૮૦ લાખની જન સંખ્‍યાને પીવાના પાણીનો ફાયદો થયેલ છે.

આમ, સૌની યોજના ગુજરાતમાં જળ વ્‍યવસ્‍થાપન માટે એક ગેમ-ચેન્‍જર પહેલ સાબિત થઈ છે.

સિંચાઈ માળખાને વધારીને, પાણી-કાર્યક્ષમ સિંચાઇ પદ્ધતિઓને પ્રોત્‍સાહન આપીને અને ખેડૂતોને આર્થિક અને સામાજિક રીતે સશક્‍ત બનાવી શકાયેલ છે.

આજે ખાતુમુહુર્ત થયેલ યોજનાથી  સુરેન્‍દ્રનગર અને મોરબી જીલ્લામાં સિચાઇની સુવિધા વધુ સુધ્રઢ કરવા સારૂ પાઇપલાઇન દ્વારા વિવિધ ગામો સાંકળીને નર્મદાના પાણીનો લાભ આપવાનું આયોજન કરવામાં આવેલ છે.

૧) સુરેન્‍દ્રનગર જીલ્લાના નર્મદા કમાન્‍ડથી વંચિત ધ્રાંગધ્રા, વઢવાણ તથા મળી તાલુકાના ૪૫ ગામના તળાવ / સિમતળાવ / નાની સિંચાઇ યોજનાને નર્મદા આધારીત પાણીનો લાભ  મળશે જેમાં ૂ સુરેન્‍દ્રનગર જીલ્લાના નર્મદા કમાન્‍ડથી વંચિત ધ્રાંગધ્રા, વઢવાણ તથા મુળી તાલુકાના ૪૫ ગામના તળાવ/સિમતળાવ/નાની સિંચાઇ યોજનાઓને અલાયદી યોજના દ્વારા સિંચાઇનો લાભ આપવા માટે રૂ! ૨૯૩ કરોડના કામના ટેન્‍ડરને મંજુરી આપવામા આવેલ છે. આ યોજનામાં મુળી તાલુકાના ૨૫ ગામો, વઢવાણ તાલુકાના ૬ ગામો અને ધ્રાંગધ્રા તાલુકાના ૧૪ ગામોનો આમ કુલ ૪૫ ગામોનો સમાવેશ થયેલ છે.

આ યોજનાથી ઉક્‍ત ૪૫ ગામોના આશરે ૪૫ તળાવો/ચેકડેમ/નાની સિંચાઇ યોજનાને જોડવામાં આવશે.  આ યોજનાથી આશરે ૩૦૫૫ હેક્‍ટર (૭૫૫૦ એકર) વિસ્‍તારને સિંચાઇનો પ્રત્‍યક્ષ/પરોક્ષ લાભ થવા પામશે. આ યોજનામા એક પમ્‍પીંગ સ્‍ટેશન બનાવવાનુ આયોજન છે તથા ૨૦૦ એમ.એમ.વ્‍યાસ થી લઈને ૧૩૫૦ એમ.એમ.વ્‍યાસ સુધીની અલગ અલગ કુલ ૨૩૫ કી.મી લંબાઇની પાઇપલાઇન નાખી, આવતા ર(બે) વર્ષમા નર્મદાનુ પાણી આ ગામોને આપવામા આવશે.

આ કામગીરીનો વર્કઓર્ડર તાઃ ૧૬.૧૨.૨૦૨૪ના રોજ ઇજારદારશ્રીને આપવામાં આવેલ છે.

આ ઉપરાંત મોરબી જીલ્લાના હળવદ તાલુકાના વિવિધ ગામોને નર્મદા આધારીત બ્રાહ્મણી-૧ જળાશય પાસે સુંદરી ભવાની પાસેથી સમ્‍પ બનાવી તળાવ/ ચેકડેમને જોડી લાભઆપવા બાબતની યોજનાથી મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ૧૧ ગામના તળાવ/સિમતળાવ/નાની સિંચાઇ યોજનાઓને અલાયદી યોજના દ્વારા સિંચાઇનો લાભ આપવા માટે રૂ! ૪૧ કરોડના કામના ટેન્‍ડરને મંજુરી આપવામાં આવેલ છે.  આ યોજનાથી હળવદ તાલુકાના ૧૧ ગામોના આશરે ૩૧ તળાવો/ચેકડેમ/નાની સિંચાઇ યોજનાને જોડવામાં આવશે.

આ યોજનાથી આશરે ૪૩૩ હેકટર (૧૦૭૦ એકર) વિસ્‍તારને સિંચાઇનો પ્રત્‍યક્ષ/પરોક્ષ લાભથવા પામશે. આ યોજનામા એક પમ્‍પીંગ સ્‍ટેશન બનાવવાનુ આયોજન છે તથા ૩૦૦ એમ.એમ.વ્‍યાસ થી લઈને ૭૦૦ એમ.એમ.વ્‍યાસ સુધીની અલગ અલગ કુલ ૬૮ કી.મી લંબાઇની પાઇપલાઇન નાખી, આવતા ૧૫ (દોઢ) વર્ષમા નર્મદાના પાણીનો લાભ આ ગામોને આપવામા આવશે. આ કામગીરીનો વર્કઓર્ડર તાઃ ૨૧.૦૧.૨૦૨૫ના રોજ ઇજારદારશ્રીને આપવામાં આવેલ છે. સુરેન્‍દ્રનગર જિલ્લાના વઢવાણ મુળી તથા સાયલા તાલુકાના ૪૪ (જુના ૩૮) ગામોને નર્મદા આધારીત સિંચાઇના પાણીનો લાભ આપવાની યોજના થી સુરેન્‍દ્રનગર જીલ્લાના નર્મદા કમાન્‍ડથી વંચિત વઢવાણ. મળી તથા સાયલા તાલુકાના ૪૪ ગામ (જુના ૩૮ ગામ) ગામના તળાવ/સિમતળાવ/નાની સિંચાઇ યોજનાઓને અલાયદી યોજના દ્વારા સિંચાઇનો લાભ આપવા માટે અંદાજીત રકમ રૂ! ૨૬૪ કરોડના કામના ટેન્‍ડર મંજુર થયેલ છે. આ યોજનામાં મુળી તાલુકાના ૦૪ ગામો, વઢવાણ તાલુકાના ૦૭ ગામો અને સાયલા તાલુકાના ૨૯ ગામો યુડા તાલુકાના ૧ ગામ અને વિછીયા તાલુકાના ૦૩ ગામ, આમ કુલ ૪૪ ગામોનો સમાવેશ થયેલ છે. આ યોજનાથી ઉક્‍ત ૪૪ ગામોના આશરે ૬૧ તળાવો/ચેકડેમ/જળાશયને જોડવામાં આવશે.  આ યોજનાથી આશરે ૨૭૦૭ હેકટર (૬૬૯૦ એકર) વિસ્‍તારને સિંચાઇનો પ્રત્‍યક્ષ/પરોક્ષ લાભ થવા પામશે.

 આ યોજનામા બે(ર) પમ્‍પીંગ સ્‍ટેશન બનાવવાનુ આયોજન છે તથા ૩૦૦ એમ.એમ.વ્‍યાસ થી લઈને ૧૭૦૦ એમ.એમ.વ્‍યાસ સુધીની અલગ અલગ કુલ ૧૪૩ કી.મી લંબાઇની પાઇપલાઇન નાખી, આવતા ર(બે) વર્ષમા નર્મદાનુ પાણી આ ગામોને આપવામા આવશે. આ કામગીરીનો વર્કઓર્ડર તાઃ ૨૩.૦૫.૨૦૨૫ના રોજ ઇજારદારશ્રીને આપવામાં આવેલ છે. (પ-રર)

(12:14 PM IST)