<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

કે કંપનીના પોલીસકર્મીઓ અને અધિકારીઓને કાબુમાં રાખવા માટે નવો આદેશ :હવે પરેડમાં તમામે હાજર રહેવું ફરજીયાત

દર અઠવાડિયામાં મંગળવાર અને શનિવારે નાઈટની ફરજ કરવાની રહેશે, નાઈટ ફરજ માટે કે કંપનીની બે ભાગમાં 2 પીએસઆઈ અને 26 એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલની બે ભાગમાં વહેચણી કરવાની રહેશે

અમદાવાદ શહેર પોલીસમાં અલગ-અલગ જગ્યાઓ પર ફરજ બજાવતા અને અનેક કારણોસર કે કંપનીમાં મુકવામાં આવેલા પોલીસકર્મીઓની શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકે શુક્રવારે મુલાકાત લીધી હતી. પોલીસ કમિશનરનાં ધ્યાને આવ્યું કે, કે કંપનીમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી અને કર્મચારીઓ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવતા નથી, જેનાં કારણે પોલીસ કમિશનર દ્વારા આ પોલીસકર્મીઓ અને અધિકારીઓને કાબુમાં રાખવા માટે નવો આદેશ કર્યો છે. 

કે કંપનીમાં હાલમાં અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવે છે, પરંતુ તેમાંથી અમુક કલાકારો શહેરનાં અમુક પોલીસ સ્ટેશનના વહીવટો સંભાળે છે, જેનાં કારણે તેમને સોંપવામાં આવેલા કામમાં ધ્યાન આપતા નથી. જેનાં કારણે તેઓને અંકુશમાં લાવવા માટે આ આદેશ કરવામાં આવ્યો હોવાની પોલીસ બેડામાં ચર્ચા છે. શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકે આવા છાકટા બનેલા પોલીસકર્મીઓ અને અધિકારીઓને અંકુશમાં લેવા નવો આદેશ કર્યો છે, જેમાં અઠવાડિયામાં સોમવાર અને શુક્રવારની પરેડમાં ફરજિયાત તમામે અચૂક હાજર રહેવાનું રહેશે. જે પરેડમાં કે કંપનીનું અલગથી પ્લાટુન રાખવાનું રહેશે.

 

દર અઠવાડિયામાં મંગળવાર અને શનિવારે નાઈટની ફરજ કરવાની રહેશે, નાઈટ ફરજ માટે કે કંપનીની બે ભાગમાં 2 પીએસઆઈ અને 26 એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલની બે ભાગમાં વહેચણી કરવાની રહેશે અને ઝોન વાઈઝ નાઈટ ફરજની ફાળવણી કરવાની રહેશે. આ ફાળવણી નાયબ પોલીસ કમિશનરનાં મુખ્ય મથક દ્વારા કરવાની રહેશે. જે ઝોન શાખાનાં નાયબ પોલીસ કમિશનરને પત્રક મુજબ પોતાનાં તાબાનાં પોલીસ સ્ટેશનમાં ફાળવણી કરવાની રહેશે. જે દિવસે નાઈટ હોય તેનાં બીજા દિવસે સવારે 10:30 ની જગ્યાએ 12:30 વાગે મુખ્ય મથક પર પોતાની ફરજ પર હાજર થવાનું રહેશે. 

કે કંપનીનાં પોલીસ અધિકારીઓને કેદી જાપ્તાની અને બંદોબસ્તની કામગીરી પણ કરવાની હોય છે, પંરતુ અમુક પોલીસકર્મીઓ તેમાં પણ ગોઠવણ કરી છટકબારી કરતા હોય છે, તેવામાં હવે કેદી જાપ્તા અને બંદોબસ્ત પણ તેઓને ફરજિયાત કરવાનું રહેશે, તેમજ મુખ્ય મથકનાં નાયબ પોલીસ કમિશનર તેઓ પાસેથી જરૂર મુજબ કામ સોંપી શકે છે. કે કંપનીનાં કર્મચારીઓની નાઈટ ફરજ દરમિયાન જે તે અધિકારીઓને તેનું સુપરવિઝન કરવાનું રહેશે. તેમજ જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ ડ્યુટી હોય તેને સમયે રજીસ્ટરમાં સહી કરવાની રહેશે. 

 

કે કંપનીનાં કર્મચારીઓને મુખ્ય મથકનાં કમાન્ડરની હાજરીમાં રજીસ્ટરમાં રૂબરૂમાં પોતાની હાજરી પુરવાની રહેશે, તેમજ અઠવાડિયાની કામગીરીની દર સોમવારે અધિકારી દ્વારા સમીક્ષા કરવાની રહેશે. જો કોઈ કારણ સિવાય ગેરહાજર જણાય તો તાત્કાલિક 7 દિવસમાં પ્રાથમિક તપાસ પૂર્ણ કરી યોગ્ય પગલાં લેવાનાં રહેશે, જો કોઈ પોલીસ કર્મી યોગ્ય ફરજ ન નિભાવે તો 7 દિવસમાં જરૂરી શિક્ષા કરવાની રહેશે. તેમજ કોઈ ગેરવર્તણૂક ગંભીર જણાય તો 7 દિવસમાં તપાસ પૂર્ણ કરી ખાતા રાહે પગલા લઈને એક માસમાં મોટી શિક્ષા કરવાની રહેશે. અધિક પોલીસ કમિશનર વહિવટ દ્વારા આ તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે અંગે જરૂરી સુપરવિઝન કરવાનો આદેશ પણ પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા કરવામાં આવ્યો છે.

 

(12:20 PM IST)