તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st May 2025
ત્રાગડના એન્જિનિયર યુવક અને તેના સંબંધીઓને ગિફ્ટસિટીમાં રોકાણના બહાને 1.28 કરોડની ઠગાઈ
ઠગ દંપતીએ રોકાણમાં સારો નફો આપીશુ તેવી વાત કરી પરંતુ માત્ર રૂ. 1.24 કરોડની દુકાન આપી જ્યારે બાકીના રૂ. 1.28 કરોડ પરત નહીં આપી બંને ઠગ ફરાર થઇ ગયા

અમદાવાદ :ત્રાગડમાં રહેતા એન્જિનિયર યુવકે અને તેના સંબંધીઓએ પત્નીની સાથે નોકરી કરતા ઠગ દંપતીની વાતોમાં આવીને ગાંધીનગર ગિફ્ટ સિટી જમીનમાં તેમજ અન્ય મિલ્કતમાં રોકાણ કરવા માટે દંપત્તિને 2.53 કરોડ રૂપિયા આપ્યા હતા. જેમાં ઠગ દંપતીએ રોકાણમાં સારો નફો આપીશુ તેવી વાત કરી હતી. પરંતુ માત્ર રૂ. 1.24 કરોડની દુકાન આપી જ્યારે બાકીના રૂ. 1.28 કરોડ પરત આપ્યા ન હતા. બાદમાં બંને ઠગ ફરાર થઇ ગયા હતા. આ અંગે યુવકે ઠગ દંપતી સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
ત્રાગડમાં રહેતા રવિન્દ્ર પ્રજાપતિ ખાનગી કંપનીમાં મીકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. તેમના પત્ની જાગૃતિબેન શિક્ષિકા તરીકે નોકરી કરે છે. વર્ષ 2012માં તેમની પત્ની સાથે શિક્ષક તરીકે નોકરી કરતા કનૈયાલાલ પટેલ અને તેમની પત્ની સુધાબેન પટેલ સાથે ઓળખાણ થઈ હતી. વર્ષ 2022માં કનૈયાલાલ અને સુધાબેને રવિન્દ્રભાઈને કહ્યુ કે, તેઓ વિશાખા ઓલીવિઆ તથા વિશાખા એલીઅના નામની કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢી ચલાવે છે. તેમજ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં પણ જમીન લઇ પ્લોટ પાડી વેચાણ કરવાના છે તો તમારે રોકાણ કરવું હોય તો તેમાં સારું એવું વળતર અને ફાયદો કરી આપીશું. જેથી રવીન્દ્રભાઈએ વિશ્વાસમાં આવીને સંબંધીઓને પણ વાત કરી હતી. બાદમાં સંબંધી સાથે મળીને કુલ રૂ. 2.53 કરોડનું રોકાણ કર્યુ હતુ. જે પૈસા ડિસેમ્બર 2023 સુધીમાં પરત આપવાનો વાયદો કર્યો હતો. પૈસા લઈને અલગ-અલગ છ ડાયરી પણ દંપતીએ રવિન્દ્રભાઈને લખીને આપી હતી.
સમય થતા દંપતી પાસે પૈસા નફા સાથે પરત માંગ્યા ત્યારે તેમણે હજુ સુધી જમીન વેચાઈ નથી તમારા પૈસા થોડા ટાઈમ આપી દઈશું. ત્યારે રવિન્દ્રભાઈએ રોકડા રૂપિયાની માંગણી કરી તો દંપતીએ જણાવ્યું હતું કે તે તેમણે તેમની ભાગીદારીની સાઇટમાં રોકાણ કર્યા છે. તેના બદલામાં તેઓ તેમને બે દુકાન આપશે. તેવું કહીને બિલ્ડર દ્વારા તેમને 83 લાખની એક દુકાન અને બીજી દુકાનમાંથી અડધો ભાગ એટલે કે રૂ. 41.50 લાખ આપ્યા હતા. રવિન્દ્રભાઈએ જ્યારે દુકાનના બાકીના પૈસા અને બીજી રકમ પરત માંગી ત્યારે કનૈયાલાલે તેમના સસરાના ઘરે બોલાવીને તેમને અલગ અલગ બેન્કના ચેક આપ્યા હતા. તે બેન્કમાં ભરતા બાઉન્સ થયા હતા. રવીન્દ્રભાઈએ કનૈયાલાલ અને સુધાબેનનો સંપર્ક કરતા બંનેનો મોબાઇલ ફોન બંધ હતા અને તેમના ઘરે જઈને તપાસ કરતા ઘરે પણ તેઓ હાજર ન હતા. આમ ઠગ દંપતીએ કુલ રૂ. 1.28 કરોડની ઠગાઇ આચરી હતી. આ અંગે રવિન્દ્રભાઇએ બંને ઠગ દંપતી સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
