<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

નળ સરોવરમાં આર્કટિકનું અણધાર્યું મહેમાન : વિશ્વના દુર્લભ 'સબાઇનનો ગુલ'નું ઐતિહાસિક આગમન : ભારતમાં 12 વર્ષ પછી જોવા મળ્યો અદ્ભુત નઝારો!

પક્ષીપ્રેમીઓ માટે રોમાંચક ક્ષણ, નળ સરોવરની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બની : આબોહવા પરિવર્તનની પક્ષીઓના સ્થળાંતર પર અસરનો અભ્યાસ કરવા પ્રેરણા!

ગાંધીનગર, શનિવાર, 31 મે, 2025: ગુજરાતના પક્ષીપ્રેમીઓ અને વૈજ્ઞાનિકો માટે એક રોમાંચક અને ગૌરવપૂર્ણ ક્ષણ! વિશ્વમાં દુર્લભ ગણાતું આર્કટિક પક્ષી ‘સબાઇનનો ગુલ’ ગુજરાતના નળ સરોવરનું અણધાર્યું મહેમાન બન્યું છે. જાહેર પક્ષી અવલોકન ડેટાબેસ ઈ-બર્ડ અનુસાર, ભારતમાં છેલ્લે આવો અદ્ભુત નઝારો વર્ષ 2013માં કેરળ માં જોવા મળ્યો હતો, ત્યારે 12 વર્ષ બાદ ગુજરાતમાં આ દુર્લભ પક્ષીનું આગમન પક્ષીશાસ્ત્ર જગતમાં મોટી ચર્ચાનો વિષય બન્યું છે.
ગત 30 મે, 2025 ના રોજ સવારે આશરે 9:00 કલાકે નળ સરોવર વન્યજીવ અભયારણ્ય – રામસર સાઇટ ખાતે વન વિભાગના કર્મચારીઓને ખુલ્લા પાણીમાં આ અતિ દુર્લભ પક્ષી "સબાઇનનો ગુલ" (Sabine’s Gull) જોવા મળ્યું હતું. આ ઘટના પક્ષીપ્રેમીઓ અને વન વિભાગના કર્મચારીઓ માટે આનંદ અને ગૌરવની ક્ષણ બની રહી.
નળ સરોવર પક્ષી અભ્યારણ્ય ડિવિઝનના નાયબ વન સંરક્ષક ડો. સક્કિરા બેગમે વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વન્યજીવોનું વધુને વધુ સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે, જેના પરિણામે વિશ્વભરમાંથી પક્ષીઓ ગુજરાતના મહેમાન બની રહ્યા છે, જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન ક્ષણ છે.
'સબાઇનનો ગુલ': એક વિશિષ્ટ આર્કટિક પ્રવાસી:
ડો. સક્કિરા બેગમે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતીય ઉપમહાદ્વીપ પર 'સબાઇનનો ગુલ'નું ભ્રમણ કરવું અત્યંત દુર્લભ છે. આ દ્રશ્ય ખરેખર અદ્ભુત હતું. નળ સરોવર ખાતે જોવા મળેલા આ દુર્લભ પક્ષીની તસવીર ગાઈડ ગનિ સમાએ પોતાના કેમેરામાં ક્લિક કરી હતી.
'સબાઇનનો ગુલ' એક નાનું અને સુંદર ગુલ પક્ષી છે, જે તેના આકર્ષક દેખાવ માટે જાણીતું છે. પ્રજનન અવસ્થામાં તેની ઓળખ તીક્ષ્ણ કાળા હુડ, ચોખ્ખા રાખોડી આવરણ અને સફેદ ડોકથી થાય છે. તેની સૌથી વિશિષ્ટ ઓળખ તેની ત્રિ-રંગી પાંખો છે, જે કાળી, સફેદ અને રાખોડી રંગની હોય છે. આ પક્ષીની ચાંચ કાળી અને તેની નોક પીળી હોય છે, તેમજ તેની પૂંછ દાંતાવાળી હોય છે, જે તેને અન્ય ગુલથી અલગ પાડે છે.
આર્કટિક વિસ્તારોમાં જોવા મળતું આ પક્ષી મુખ્યત્વે ઉત્તર અમેરિકા, ગ્રીનલેન્ડ અને સાયબેરિયાના ઊંચા અક્ષાંશવાળા આર્કટિક પ્રદેશોમાં પ્રજનન કરે છે. ત્યાં તે ટુંડ્રાની ભીની જમીન (આર્દ્રભૂમિ) નજીક માળો બનાવી વસવાટ કરે છે. શિયાળો પસાર કરવા માટે તે લાંબા અંતરનો પ્રવાસ કરી દક્ષિણ અમેરિકા તેમજ આફ્રિકાના પશ્ચિમી કિનારાઓથી દૂર આવેલા ઉત્પાદક સમુદ્રી વિસ્તારોમાં જાય છે. અન્ય પક્ષીઓની જેમ 'સબાઇનનો ગુલ'નો સ્થળાંતર માર્ગ સામાન્ય રીતે ભારતમાંથી પસાર થતો નથી. તેથી, ભારતમાં તેનું દેખાવું દુર્લભ અને અણધાર્યું ગણાય છે. જોકે, આ પ્રકારના અવલોકનો પક્ષીઓના અભ્યાસકર્તાઓ માટે ખૂબ જ રસપ્રદ ઘટના છે અને પક્ષીઓ તેમના માર્ગે ભટકીને અહીં પહોંચ્યા હોવાનું પણ મનાય છે.
નળ સરોવરનું વૈશ્વિક મહત્વ વધ્યું:
નળ સરોવર ભારતના સૌથી મોટા અને પર્યાવરણીય રીતે મહત્વના આર્દ્રભૂમિ અભયારણ્યોમાંનું એક છે, જે ફ્લેમિંગો, પેલિકન્સ, બતક અને વાડર જેવી અનેક સ્થળાંતરક અને સ્થાયી પક્ષી જાતિઓ માટે સુરક્ષિત આશ્રય પૂરો પાડે છે. 'સબાઇનનો ગુલ'નું અચાનક દેખાવું આ અભયારણ્યની વૈશ્વિક સ્તરે પક્ષી જીવન માટેની મહત્વની ઓળખમાં વધારો કરે છે અને નળ સરોવરનું વૈશ્વિક પક્ષીશાસ્ત્રમાં સ્થાન વધુ મજબૂત કરે છે.
આ અવલોકન વન વિભાગના સ્ટાફ અને પક્ષીપ્રેમીઓ દ્વારા સતત નિરીક્ષણ અને દસ્તાવેજીકરણની મહત્તતાને ઉજાગર કરે છે. આવી દુર્લભ ઘટનાઓ સંશોધકોને પક્ષીઓના સ્થળાંતર, તેમની ફરવા જવાની ગતિવિધિઓ અને આબોહવા તથા પર્યાવરણીય પરિવર્તનના વ્યાપક પરિણામો વિશે વધુ સમજવામાં મદદ કરે છે.
વન વિભાગ મુલાકાતીઓ અને સંશોધકોને આવા દ્રશ્યોનો આનંદ માણવા અને અસામાન્ય અથવા નોંધપાત્ર પક્ષી અવલોકનોની માહિતી આપવા માટે પ્રોત્સાહિત કરે છે, જે ભારતમાં પક્ષીઓની વિવિધતાને વધુ સારી રીતે સમજવામાં ફાળો આપી રહ્યા છે.

(2:49 PM IST)