<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

RTE પ્રવેશ પ્રક્રિયા 2025-26 : ત્રીજા રાઉન્ડ માટે શાળા પસંદગીની ફરી તક, 9157 બેઠકો ખાલી!

પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ ન મળેલ વિદ્યાર્થીઓ માટે સુવર્ણ અવસર : 2 થી 4 જૂન સુધીમાં ઓનલાઈન પુનઃ પસંદગી : વધુ બાળકોને પ્રવેશ આપવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય!

ગાંધીનગર, શનિવાર, 31 મે, 2025: સાંજે 6:45 વાગ્યા: RTE ACT-2009 ની કલમ 12.1.(C) હેઠળ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે નબળાં અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવાની ઓનલાઈન પ્રક્રિયા હાલ ચાલુ છે. પ્રવેશ પ્રક્રિયાના પહેલા બે રાઉન્ડ પૂર્ણ થયા બાદ, રાજ્ય સરકારે વધુમાં વધુ વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ મળી શકે તે સુનિશ્ચિત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ખાલી બેઠકો અને પુનઃ પસંદગીની તક:
રાજ્ય સરકાર દ્વારા વાલીઓ દ્વારા પસંદ કરાયેલી શાળાઓને ધ્યાનમાં રાખીને કુલ 93,270 ઓનલાઈન પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા. તે પૈકી, બંને રાઉન્ડના અંતે કુલ 85,760 બાળકોએ ફાળવેલ શાળાઓ ખાતે નિયત સમયમર્યાદામાં RTE હેઠળનો પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે.
હવે, જે વિદ્યાર્થીઓની અરજીઓ માન્ય થયેલ હોય અને, RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ કે બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી, માત્ર તેવા જ વિદ્યાર્થીઓને RTE હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુન: પસંદગી કરવાની તક આપવામાં આવી છે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય RTE પ્રવેશ પ્રક્રિયાના ત્રીજા રાઉન્ડ માટે ઉપલબ્ધ 9157 ખાલી જગ્યાઓ (જેમાં અંગ્રેજી માધ્યમની 5263, ગુજરાતીની 1800, હિન્દીની 1920, મરાઠીની 30, ઉડિયાની 105 અને ઉર્દુની 39 બેઠકોનો સમાવેશ થાય છે) પર વધુમાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો છે.
શાળા પુનઃ પસંદગીની પ્રક્રિયા અને મહત્વની તારીખો:
જે વિદ્યાર્થીઓ RTE હેઠળ કરેલી અરજીમાં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય, એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય, તેવા વિદ્યાર્થીઓએ તા. 02/06/2025, સોમવાર થી તા. 04/06/2025, બુધવાર સુધીમાં RTE ના વેબપોર્ટલ http://rte.orpgujarat.com પર જઈને શાળાઓની પુનઃ પસંદગીના મેનુ પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ, એપ્લીકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઈન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે. શાળાઓની પુનઃ પસંદગી કરતી વખતે પોતાની પસંદગીના ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે. શાળાઓની પસંદગી કર્યા બાદ 'સબમિટ' બટન પર ક્લિક કરીને પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. આ પ્રિન્ટની નકલ રિસિવિંગ સેન્ટર પર જમા કરાવવાની નથી, જેની ખાસ નોંધ લેવા વિનંતી છે.
શાળાઓની પુનઃ પસંદગી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો, વિદ્યાર્થીઓ તેમના અરજી પત્રકમાં દર્શાવેલ જિલ્લાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકે છે. જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય, તો તેમના દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ મેળવવાની વધુ એક તક પ્રાપ્ત થશે.

 

(6:19 PM IST)