<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

ગુજરાતમાં બે રાઉન્ડની અંદર પ્રી-મોન્સૂન એક્ટિવિટી થશે :આખો જૂન મહિનો અસહ્ય બફારો યથાવત રહેશે

મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યા પછી નબળું પડી ગયું: મોન્સૂન બ્રેકની સ્થિતિના કારણે ચોમાસું બે-પાંચ દિવસ મોડું આવી શકે: પરેશ ગોસ્વામી

અમદાવાદ : કેરળના કાંઠે નૈઋત્યનું ચોમાસું પહોંચ્યુ, તે સાથે જ ગુજરાતમાં ચોમાસાનું વહેલું આગમન થશે તેમ લાગવા માંડ્યું હતુ. જો કે મહારાષ્ટ્રમાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. બીજી તરફ ગુજરાતના અલગ-અલગ ભાગોમાં મે મહિનાના પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી હતી. જયારે અમદાવાદ સહિત કેટલાક ભાગોમાં લોકો અસહ્ય બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે આગામી મહિને પણ બફારાની સ્થિતિ યથાવત રહી શકે છે. હકીકતમાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી મહિનાને લઈને મોટી આગાહી કરી છે.

પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, તાપમાનની દ્રષ્ટિએ મે મહિનો 125 વર્ષની અંદર સૌથી નબળો રહ્યો છે. હકીકતમાં મે મહિનાના 31 દિવસ પૈકી 22-23 દિવસો સુધી 40 ડિગ્રીથી ઊંચુ તાપમાન રહેતું હોય છે. જો કે આ વર્ષે માવઠા અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે માત્ર 11 થી 12 દિવસ જ ઊંચુ તાપમાન નોંધાયું છે.

મે મહિનાના પ્રથમ સપ્તાહ એટલે કે 2 થી 10 મે દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. જેમાં ઘણા વિસ્તારોમાં 2 ઈંચથી લઈને 7 ઈંચ સુધીના વરસાદ નોંધાયા છે. જે બાદ ફરીથી વાદળછાયું વાતાવરણ અને અનેક ભાગોમાં ભડકા જેવો તડકો જોવા મળ્યો હતો. 21 થી 27 મે દરમિયાન અરબ સાગરની અસરના કારણે ફરીથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી હતી. આ દરમિયાન ગુજરાતના અલગ-અલગ ભાગોમાં 1 થી 4 ઈંચ સુધીના વરસાદ નોંધાયા છે.

જો જૂન મહિનાની વાત કરીએ તો, મોટાભાગે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે. જો કે અત્યારે મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યા પછી નબળું પડી ગયું છે. મોન્સૂન બ્રેકની સ્થિતિના કારણે ચોમાસું બે-પાંચ દિવસ મોડું આવી શકે છે. એટલે કે 18 થી 22 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે.

જૂન મહિનામાં પણ બે રાઉન્ડની અંદર પ્રી-મોન્સૂન એક્ટિવિટી થશે. જો કે તે સામાન્ય રહેશે, જેમાં છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા જ પડશે. એટલે કે જૂન મહિનામાં પણ સતત ઊંચુ તાપમાન, ઉકળાટ અને અસહ્ય બફારો યથાવત જોવા મળશે.

 

(11:23 PM IST)