તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Saturday, 31st May 2025
રાજપીપલામાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ
આરોગ્ય કર્મીઓ, શાળાના બાળકો અને જાગૃત નાગરિકોએ સ્વયંભૂ વ્યસન છોડવા નાગરિકોને અનુરોધ કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:આજે "વિશ્વ તમાકુ નિષેધ દિવસ" અંતર્ગત રાજપીપલામાં નાગરિકોમાં તમાકુનાં નકારાત્મક અસરો અંગે જાગૃતિ ફેલાવવા હેતુસર જિલ્લા કલેક્ટર એસ. કે. મોદી અને ઈ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિતેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભવ્ય જનજાગૃતિ રેલી યોજાઈ હતી. જેનો એકમાત્ર આશય નાગરિકોમાં આરોગ્ય સંદર્ભે ચેતના જગાડવાનો હતો.
આ પ્રસંગે ઈ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હેતલ ચૌધરીએ જણાવ્યું હતું કે, તમાકુ અને નિકોટીનથી બનેલી વસ્તુઓ શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે કેન્સર, હૃદયરોગ અને શ્વાસસંબંધિત ગંભીર બીમારીઓનું મુખ્ય કારણ બની શકે છે. શાળાઓ અને જાહેર સ્થળોએ તમાકુ અને ધૂમપાનનો ઉપયોગ ઘટે અને લોકો સ્વયંભૂ રીતે વ્યસન છોડે તે માટે આરોગ્ય સ્ટાફ, શાળાના વિદ્યાર્થીઓ અને જાગૃત નાગરિકો દ્વારા રેલી થકી લોકોને જાગૃત કરવા સામૂહિક પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
નાગરિકોમાં તમાકુના સેવનથી થતા કેન્સર, હૃદયરોગ અને શ્વાસસંબંધિત ગંભીર આરોગ્ય સમસ્યાઓ અંગે જાગૃતિ ફેલાવવાના ઉમદા આશય સાથે જુની સિવિલ હોસ્પિટલથી આ રેલીને ઈ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિતેન ચૌધરી તેમજ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓએ લીલી ઝંડી આપી રવાના કરી હતી. રેલીમાં ખાસ કરીને નર્સિંગ સ્ટાફ જોડાયા હતા, જેમણે યુવા પેઢીને તમાકુથી દૂર રહેવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.
આ રેલીનો પ્રારંભ જુની સિવિલ હોસ્પિટલથી થયો હતો અને તે સફેદ ટાવર, સંતોષ ચોકડી, ભૂત ચોકડી સહિત રાજપીપલા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને ફરીથી જૂની સિવિલ હોસ્પિટલ ખાતે પૂર્ણ થઈ હતી. નર્સિંગ સ્ટાફે પ્લેકાર્ડ અને બેનરો દ્વારા "તમાકુ છોડો અને જીવન બચાવો", "તમાકુ છોડો ટીબી અટકાવો", "કોઈ પણ વ્યસન બરબાદીનું કારણ બની શકે છે" જેવા નારાઓથી લોકોને જાગૃત કર્યા હતા. રાજપીપલા નગરજનોએ આ રેલીને સારો પ્રતિસાદ આપ્યો હતો
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
