<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

અમદાવાદ કોર્પોરેશનની એડવાન્સ રિબેટ સ્કીમઃ 835 કરોડની આવકઃ 6 લાખ લોકોએ લીધો લાભ

એએમસીને ગઇકાલ સુધીમાં પ્રોપર્ટી ટેકસની ૮૪ર કરોડ, પ્રોફેશનલ ટેકસના ૪૪.૮૯ કરોડ, વાહન વેરાના ૩ર.૯૧ કરોડ સહિતના તિજોરીમાં જમા

અમદાવાદઃ  AMC દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 12થી 15 ટકા સુધીની એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમ અમલમાં મૂકાઈ હતી. તારીખ 31 મે, 2025ના રોજ સાંજ સુધીમાં રૂપિયા 835 કરોડની આવક થઈ છે. એડવાન્સ રિબેટ સ્કીમના છેલ્લા દિવસે તારીખ 31 મે, 2025ના રોજ એક જ દિવસમાં 11,170 નાગરિકોએ આ સ્કીમનો લાભ લઈને રૂપિયા 22.35 કરોડની ચૂકવણી કરી છે. આમ AMCની એડવાન્સ રિબેટ સ્કીમને નોંધપાત્ર પ્રતિસાદ સાંપડયો છે.

એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમનો અત્યાર સુધીમાં 5,98,812 નાગરિકોએ લાભ લીધો છે અને તે પૈકી પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 1,50,741 નાગરિકોએ લાભ લીધો છે અને પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રૂપિયા 218.55 કરોડની આવક થઈ છે. આ સ્કીમ હેઠળ 4,02,951 નાગિરકોએ ઓનલાઈન માધ્યમથી ટેક્સ ચૂકવતા AMCને ઓનલાઈન 519.26 કરોડની આવક થઈ છે. જ્યારે ચેક, DD, PO, રોકડ માધ્યમથી 1,95,861 કરદાતાઓએ ચૂકવણી કરતાં AMCને ઓફલાઈન માધ્યમથી રૂપિયા 315.54 કરોડની આવક થઈ છે.

AMCને તારીખ 31 મે સુધીમાં પ્રોપર્ટી ટેક્સની કુલ રૂપિયા 842 કરોડ, પ્રોફેશનલ ટેક્સની રૂપિયા 44.89 કરોડ, વ્હીકલ ટેક્સની રૂપિયા 32.91 કરોડ અને TSF ચાર્જની રૂપિયા 4.90 કરોડ સહિત કુલ રૂપિયા 924.78 કરોડની આવક થઈ છે.

(12:58 PM IST)