News of Sunday, 1st June 2025
આપના ગોપાલ ઇટાલીયાની મિલ્કત સહિતની વિગતો આવી સામેઃ બાઇક-સોનું સહિત ૧૪.૧૮ લાખથી સંપત્તિઃ ર૧ ફોજદારી કેસ
આપના વિસાવદર બેઠકના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભવ્ય રોડ શો કરીને ઉમેદવારી નોંધાવીઃ ઉમેદવારી પત્રમાં દર્શાવેલી મિલ્કતની વિગત સામે આવી

વિસાવદર બેઠકના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ભવ્ય રોડ શો કરીને ઉમેદવારી નોંધાવી : ઉમેદવારી પત્રમાં દર્શાવેલી મિલકતની વિગતો સામે આવી
: ચૂંટણી પંચ દ્વારા થોડાક દિવસો પહેલાં કડી અને વિસાવદરની ખાલી બેઠકો પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. એ પછી આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ભવ્ય રોડ શો કરીને ઉમેદવારી નોંધાવી હતી. આ પછી તેમણે ઉમેદવારી પત્રમાં દર્શાવેલી મિલકતની વિગતો સામે આવી છે.
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાએ ઉમેદવારીપત્ર સાથે પોતાના પર થયેલા કેસ અને સંપતિ સહિતની વિગતો જાહેર કરી છે. ઈટાલીયા પર અલગ-અલગ કુલ 21 ફોજદારી કેસ થયા છે. તેમાંથી એકપણ ગુનામાં ગુનેગાર ઠેરવવામાં આવ્યા નથી. તેમની પાસે એક બાઈક, સોનું સહિત કુલ 14.18 લાખની સંપતિ જાહેર કરી છે.
મહત્ત્વનું છે કે, આ વિગતો સામે આવ્યા બાદ ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, મારી મૂડી-મિલકત સંઘર્ષ, સંઘર્ષ અને સંઘર્ષ છે. મેં પોલીસ ખાતામાં સરકારી નોકરી કરી, મેં મહેસૂલ વિભાગમાં સરકારી નોકરી કરી, હું હાલમાં વકીલ છું અને દસેક વર્ષથી જાહેર જીવનમાં છું, પરંતુ મારી પાસે મારું પોતાનું મકાન કે જમીન કે મિલકત કે મૂડી નથી એ જણાવવામાં મને સહેજ પણ શરમ નથી.
તેમણે વધુમાં કહ્યું કે, રાજનીતિ હોય કે સમાજ હોય કે વેપાર હોય, બસ ગમે તેમ (ખોટું કરીને પણ) રૂપિયાવાળા અને મિલકતવાળા થઈ જવાની હરિફાઈ હવે લોકમાનસમાં સાવ સામાન્ય બની ગઈ છે, પરંતુ મેં ક્યારેય જીવનમાં શોર્ટકટ અપનાવ્યો નથી. વર્ષ 2012માં હું પોલીસ ખાતામાં નોકરીએ લાગ્યો ત્યારથી લઈને 2025 સુધીમાં મેં માત્ર સંઘર્ષને પ્રાથમિકતા આપી છે. મેં ક્યારેય ખોટા રસ્તે પૈસા કમાઈ લેવાની કોશિષ કરી નથી.
તેમણે વધુમાં કહ્યું કે, લોકો માટે સંઘર્ષ કરતા કરતા મારા ઉપર ઢગલો પોલીસ ફરિયાદ થઈ છે અને હાલમાં 21 કરતા વધુ કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે એ મારી આજથી મોટી મૂડી અને મિલકત છે. મેં ડરીને, લલચાઈને, ભયભીત થઈને, થાકીને, કંટાળીને કે હતાશ થઈને સંઘર્ષનો રસ્તો આજદિવસ સુધી છોડ્યો નથી.
તેમણે વધુમાં કહ્યું કે, આ સંઘર્ષ રસ્તે એક દશક સુધીમાં મારો સાથ આપનાર કેટલાક અંગત મિત્રોનો, મારા પરિવારનો, મને આર્થિક મદદ કરનાર સહયોગીઓનો અને માર્ગદર્શકોનો હું ખુબ ખુબ આભારી છું. મારી શક્તિ, બુદ્ધિ અને આવડતનો ઉપયોગ માત્ર અને માત્ર લોકહિત માટે કર્યો છે એ બાબતનું મને ગર્વ છે. ચૂંટણી જીતીશ તો પણ મળી બુદ્ધિ અને આવડતનો ઉપયોગ લોકો માટે કરવાનો મારો સંકલ્પ છે પરંતુ સતત મારી મજાક ઉડાવતા ભાજપના નેતાઓ અને ભાજપની ભક્તિમાં અંધ બનેલાઓ અંધભક્તોને જણાવવાનું કે, મારી પાસે મૂડી નથી, માલ નથી કે મિલકત નથી એટલે હું ચૂંટણી હારું તો પણ મારે ગુમાવવાનું પણ કશું જ નથી.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
