News of Sunday, 1st June 2025
આજે ૧ જુનના મહત્વના સમાચારઃ કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સાથીદાર જગદીશ ચાવડા કડીમાં AAPમાં ઉમેદવાર

બરોડા ડેરીના એમડી જોષીનું રાજીનામું
બરોડા ડેરીના મેનેજિંગ ડાયરેક્ટરે રાજીનામું આપી દીધુ છે. થોડા દિવસ અગાઉ ધારાસભ્ય કેતન ઈનામદારે, બરોડા ડેરીમાં કેટલાક વ્યવહારોને લઈને આક્ષેપ કર્યાં હતા. મૃતકોના નામ પર મંડળી બનાવી અને વેપાર થતો હોવાનું કેતન ઈનામદારે કર્યો હતો આક્ષેપ. વારંવાર વિવાદોમાં લપેટાતી બરોડા ડેરીના મેનેજીંગ ડાયરેક્ટર અજય જોષીનું રાજીનામું મંજુર કરી દેવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર બરોડા ડેરી દ્વારા મોટાપાયે વહીવટીય ગેરરીતિઓ થતી હોવાના આક્ષેપો કરાઈ રહ્યાં છે. આક્ષેપો બાદ બરોડા ડેરીના મેનેજીંગ ડાયરેક્ટર અજય જોષી એ નિવૃત્તિ ના 10 મહિના પહેલાં રાજીનામું આપી દીધું છે.
ભરૂણ જિલ્લામાં મનરેગા કૌભાંડ અંગે ફરીયાદ
દાહોદ બાદ સામે આવેલા ભરૂચ જિલ્લાના મનરેગા કૌભાંડમાં અનેક દાઝી જાય તેવી સ્થિતિ સર્જાશે. આ કૌંભાડની ફરિયાદ દાખલ થયા બાદ, પોલીસે પુરાવા એકઠા કરવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહીત સંબંધિત કચેરીઓ ધમરોળી નાખી છે. મનરેગાના રિપોર્ટ સબમિટ કરનાર ઇજનેરો પણ શંકાના દાયરામાં આવી ગયા છે. જેમના હાથ નીચેથી ફાઈલો પસાર થઈ તે તમામ અધિકારી કર્મચારીઓને નિવેદન માટે પોલીસ સ્ટેશન હાજર રહેવા સૂચના અપાઈ રહી છે.
મેવાણીના પૂર્વ સાથી કડીના ઉમેદવાર બનશે
કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સાથીદાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કડી વિધાનસભાની પેટા ચૂંટણી લડશે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સક્રિય સભ્ય જગદીશ ચાવડા, કડી વિધાનસભાની બેઠક પરથી પેટાચૂંટણી માટે AAP ઉમેદવાર બનશે. જો કે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની સ્થાપના જીજ્ઞેશ મેવાણીએ 2016માં કરી હતી.
કોગ્રેસ પક્ષે કડી વિધાનસભા બેઠક માટે પ્રભારી તરીકે જીજ્ઞેશ મેવાણીને બનાવવા ઈચ્છતુ હતું. પરંતુ જીજ્ઞેશ મેવાણીએ તેનો ઈન્કાર કર્યો હતો. આ ઘટનાને જોડીને હવે રાજકીય રીતે સંકળાયેલા લોકો કહે છે કે, જીજ્ઞેશ મેવાણીના એક સમયના સાથીદાર એવા નેતાને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનાર હોવાથી તેઓ પ્રભારી બન્યા નહોતા.
ગઈકાલે જ જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી. જે ખૂબ વાઈરલ થઈ રહી છે.
હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે.
કાઢો ને, શેની રાહ જુઓ છો? બી ટીમ, ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ જોડે સેટિંગ કરવા વાળા, લગ્નના ઘોડા – આ બધાને કાઢવામાં દુઃખે છે ક્યાં?? મારું નહીં તો રાહુલ જીનું તો માનો !!
અમદાવાદમાં પાલુત શ્વાનની રજીસ્ટ્રેશન ફીમાં વધારો
અમદાવાદ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લેતા, શહેરમાં પાલતુ કૂતરાઓની નોંધણી ફિમાં વધારો કરવાનો નિર્ધાર કર્યો છે. પેટ ડોગ માટે રજિસ્ટ્રેશનની કાર્યવાહી જાન્યુઆરી 2025 થી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં પેટ ડોગ રજિસ્ટ્રેશનની ફી વધારીને રૂપિયા 500 કરવામાં આવી છે. જે અગાઉ રૂ. 200 ફી વસુલવામાં આવતી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ પર નોંધણી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 15,476 પાલતુ કૂતરાઓનું રજિસ્ટ્રેશન કરાયું છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
