તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st June 2025
૧૦ લાખે ૧ બાળકમાં જોવા મળતા અતિ દુર્લભ થાઈરોઈડ કેન્સરની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી : જુઓ વિડીયો
૬ વર્ષની બાળકીને પેપિલરી થાઈરોઈડ કેન્સરમુક્ત કરી પીડિયાટ્રિક સર્જરી વિભાગે ફરી કમાલ કરી : સમયસર સારવારથી ઉત્તમ પરિણામો મળે છે - ડો. રાકેશ જોષી

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર તેમની અસાધારણ નિપુણતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ૧૦ લાખ બાળકોએ લગભગ એક બાળકમાં જોવા મળતી અતિ દુર્લભ પેપિલરી થાઈરોઈડ કેન્સરની સફળ સર્જરી સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગ દ્વારા કરવામાં આવી છે. ૬ વર્ષની બાળકી મહિમા સરમિયાને આ ગંભીર બીમારીમાંથી મુક્ત કરીને તેને નવજીવન બક્ષવામાં આવ્યું છે.
કેન્સરનું નિદાન અને જટિલ સર્જરી:
સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા આ દુર્લભ કેન્સર અને તેની સર્જરીની વધુ વિગત આપતા સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, મજૂરી કામ કરતા અજય સરમિયાની ૬ વર્ષની પુત્રી મહિમા સરમિયાને છેલ્લા એક મહિનાથી ગળાના વચ્ચેના ભાગે દુખાવા રહિતનો સોજો જોવા મળ્યો હતો. આ સોજો ધીમે ધીમે વધતો હોવાથી તેના માતા-પિતા તેને અમદાવાદ સિવિલ મેડીસિટી કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં બતાવવા લાવ્યા.
ત્યાં, તેના ગળાના ભાગમાં આવેલ થાઈરોઈડ ગ્રંથિમાંથી સોનોગ્રાફીની મદદથી બાયોપ્સી લેવામાં આવી. તેનું PET-CT સ્કેન પણ કરવામાં આવ્યું, જેમાં તેણીને થાઈરોઈડ ભાગનું પેપિલરી કેન્સર હોવાનું નિદાન થયું. વધુમાં, તેના ગળાના ભાગમાં આવેલા લસિકા ગ્રંથિઓમાં પણ કેન્સરનો ચેપ ફેલાયો હોવાનું માલુમ પડ્યું. આથી, તેણીને સર્જરી માટે કેન્સર હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.
તારીખ ૨૨/૫/૨૦૨૫ ના રોજ ડો. રાકેશ જોષી (મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને HOD, પીડિયાટ્રિક સર્જરી), ડોક્ટર નિરખી શાહ અને તેમની ટીમ તેમજ ડોક્ટર નિલેશ સોલંકીની આગેવાની હેઠળ એનેસ્થેસિયા વિભાગની ટીમ દ્વારા મહિમાની ટોટલ થાઈરોઈડેક્ટોમી કરવામાં આવી. મહિમાની સર્જરી ખૂબ સારી રીતે થઈ હતી, અને સર્જરી પછી તેને કોઈ પણ પ્રકારની તકલીફ કે કોમ્પ્લિકેશન ન થતા ઓપરેશનના આઠમા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
ડો. જોષીએ વધુમાં જણાવ્યું કે, હવે તેણીને ૨૧ માં દિવસે થાઈરોઈડ સ્કેન કરાવવામાં આવશે અને ત્યારબાદ રેડિયો આયોડિન એબ્લેશન થેરાપી આપવાનું નક્કી કરવામાં આવશે. આ સાથે તેણીને જીવન પર્યંત થાઈરોઈડની દવા આપવામાં આવશે.
પેપિલરી થાઈરોઈડ કેન્સર વિશે જાણકારી:
પેપિલરી થાઈરોઈડ કેન્સર વિશે વધુ વિગતો આપતા ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, રેડિયેશન એક્સપોઝર અને પરિવારમાં થાઈરોઈડ કેન્સરનો ઇતિહાસ ધરાવતા અથવા આનુવંશિક બીમારી હોય તેવા બાળકોમાં આ બીમારી થવાનું વધુ જોખમ હોય છે. જોકે, આ પ્રકારના કેન્સરમાં ગળાની નજીકની લસિકા ગ્રંથિમાં કેન્સર ફેલાવવાની વૃત્તિ હોવા છતાં, યોગ્ય અને સમયસર સારવારથી પેપિલરી થાઈરોઈડ કેન્સરમાં ખૂબ સારા પરિણામો મેળવી શકાય છે.
ડો. જોષીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પેપિલરી થાઈરોઈડ કેન્સરમાં ગળાના ભાગે સોજો આવવો એ મોટેભાગે પ્રથમ લક્ષણ હોય છે, જેને બાળકોના માતા-પિતાએ અવગણવું જોઈએ નહીં અને તુરંત જ બાળરોગ સર્જન અથવા એન્ડોક્રિનોલોજિસ્ટ પાસે તેની તપાસ કરાવવી જોઈએ. પેપિલરી થાઈરોઈડ કેન્સરમાં સર્જરી એ જ મુખ્ય સારવાર છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખૂબ જ સાવચેતીપૂર્વક આ સર્જરી કરવી પડતી હોય છે, કારણ કે સર્જરી દરમિયાન થાઈરોઈડ ગ્રંથિની આસપાસના ચેતાતંતુને ઈજા થવાથી અવાજમાં ફેરફાર અથવા કર્કશતા આવી શકે છે. હોઠ તથા આંગળીઓમાં ઝણઝણાટ, પેરાથાઈરોઈડ ગ્રંથિને ઈજા થાય તો કેલ્શિયમ ઘટી જતાં સ્નાયુ ખેંચાવા ઉપરાંત બીજા કોમ્પ્લિકેશનોમાં શ્વાસનળીમાં ઈજા, રક્તસ્ત્રાવ, સર્જરીના ભાગે સોજો થવો વગેરે હોય છે. તાજેતરના વર્ષોમાં બાળ દર્દીઓમાં આ બીમારીની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે, ખાસ કરીને કિશોરાવસ્થાની બાળકીઓમાં તે વધુ સામાન્ય છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
