News of Sunday, 1st June 2025
'અંધારી ઓરડીમાં ઊગે છે ઉજળા પાક' : બેન્કર વર્ષાબહેને ગુજરાતમાં મશરૂમની આધુનિક ખેતી થકી ક્રાંતિ સર્જી
ધોળકા ખાતે કન્ટ્રોલ્ડ ફાર્મ યુનિટમાં વાર્ષિક ૨૫૦ ટન મશરૂમનું મબલખ ઉત્પાદન : ખેતરમાં વધેલી પરાળ બને છે સોનું : ૪૦ મહિલાઓને રોજગારી

અમદાવાદ : પિત્ઝાથી લઈને પ્રોટીન પાવડર, સૂપ, શાક અને અથાણાંમાં વપરાતા પોષકતત્ત્વોથી ભરપૂર મશરૂમનું માતબર ઉત્પાદન હવે ગુજરાતમાં શક્ય બન્યું છે. ઉત્તરાખંડના વતની અને ભૂતપૂર્વ બેન્કર, વર્ષાબહેન આલોકે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે કન્ટ્રોલ્ડ ફાર્મ યુનિટ લગાવીને આધુનિક ખેતી (ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ) ની નવી કેડી કંડારી છે. જ્યાં ઠંડા અને ભેજવાળા વાતાવરણની જરૂરિયાતવાળા મશરૂમનું બારેમાસ ઉત્પાદન થઈ રહ્યું છે, જે એક સમયે ગુજરાતમાં અશક્ય મનાતું હતું.
બેન્કરમાંથી ખેડૂત બનવાનો પ્રેરણાદાયી પ્રવાસ:
વર્ષાબહેન આલોક, જેમણે અમદાવાદ અને મુંબઈમાં વિવિધ બેન્કોમાં નોકરી કરી છે અને 'કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મિંગ'માં પીએચડીની ડિગ્રી તેમજ IIM, અમદાવાદમાંથી 'ફૂડ એન્ડ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ'નો અભ્યાસ કર્યો છે, તેમણે આધુનિક અને નવીનતમ ખેતી પ્રત્યેની રુચિને કારણે બેન્કરમાંથી ફાર્મર બનવાનો ક્રાંતિકારી નિર્ણય લીધો.
વર્ષાબહેન જણાવે છે કે, "ગુજરાતમાં 'ઇઝ ઓફ બિઝનેસ'ની જેમ 'ઇઝ ઓફ ફાર્મિંગ' પણ છે. કાયદો વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિ અને વ્યવસાય માટેની વિશાળ તકોને કારણે એક મહિલા તરીકે મેં મશરૂમની ખેતી માટે ગુજરાત અને તેમાંય અમદાવાદની પસંદગી કરી. બે વર્ષ પહેલાં ધોળકામાં મશરૂમની ખેતી માટે કન્ટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મ યુનિટ સ્થાપ્યું."
આધુનિક ટેકનોલોજી અને મબલખ ઉત્પાદન:
અમદાવાદ બાગાયત નિયામક કચેરીના માર્ગદર્શન હેઠળ વર્ષાબહેને ધોળકામાં જે આધુનિક ફેસિલિટી વિકસાવી છે, તેમાં કુલિંગ પ્લાન્ટ લગાવીને ખૂબ જ ઠંડા વાતાવરણમાં મશરૂમ ઉગાડવામાં આવે છે. બે માળ ઊંચા લોખંડના રેક પરની ક્રમબદ્ધ પાટલીઓ ઉપર પ્લાસ્ટિકના થેલામાં કમ્પોસ્ટ ભરીને જર્મિનેશન પ્રક્રિયા દ્વારા મશરૂમ ઉગાડાય છે.
આ યુનિટમાં લોખંડના આઠ રેક બનાવવામાં આવ્યા છે, જે વર્ષે લગભગ ૨૫૦ ટન મશરૂમનું ઉત્પાદન કરે છે, એટલે કે મહિને ૨૦થી ૨૫ ટન મશરૂમ અહીં ઊગે છે. આટલા મશરૂમ જો જમીન પર ઉગાડવામાં આવે તો ઓછામાં ઓછી એક એકર જમીનની જરૂર પડે, પરંતુ વર્ષાબહેન સીમિત જગ્યામાં પ્લાન્ટ લગાવીને આધુનિક ટેકનોલોજીથી માતબર પાક મેળવી રહ્યા છે.
આર્થિક અને સામાજિક સશક્તિકરણ:
આ વ્યવસાય થકી વર્ષાબહેન ધોળકા પંથકની ૪૦ મહિલાઓ સહિત કુલ ૫૦ લોકોને નિયમિત રોજગારી આપી રહ્યાં છે, જે સ્થાનિક સ્તરે રોજગારી સર્જનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
વર્ષાબહેન સમજાવે છે કે, "મશરૂમ તોડવું એ ઝાડ પરથી ફળ તોડવા બરાબર છે. જેમ ફળ તોડવાથી આખું ઝાડ મરી જતું નથી, તેમ મશરૂમ તોડવાથી તેની નીચે રહેલી મુખ્ય ફૂગ (માયસેલિયમ) જીવિત રહે છે. જો માયસેલિયમને નુકસાન ન પહોંચે અને તેને યોગ્ય ભેજ, તાપમાન અને પોષણ મળતું રહે, તો તે ભવિષ્યમાં ફરીથી નવા મશરૂમ ઉત્પન્ન કરી શકે છે." મશરૂમ વે-પ્રોટીન તેમજ અનેક વિટામિનનો ઉત્તમ સ્રોત છે અને તે ખોરાક તેમજ દવા બંનેમાં ઉપયોગી છે.
'અંધારી ઓરડી' માંથી ઉગતો 'ઉજળો પાક':
મશરૂમના ઉછેર માટે માટી નહીં, પરંતુ કમ્પોસ્ટનો ઉપયોગ થાય છે. આ કમ્પોસ્ટ ઘઉં તેમજ અન્ય ધાનની પરાળમાંથી બનાવવામાં આવે છે. ખેતરમાં પાક લણી લીધા પછી જે પરાળ વધે છે, તે મશરૂમની ખેતી માટે અત્યંત ઉપયોગી બની રહે છે. પરાળને પાણીની વરાળ, પશુનું મળ, કાર્બોહાઈડ્રેટ, પોટાશ વગેરે તત્ત્વો સાથે મિશ્ર કરી કમ્પોસ્ટ બનાવવામાં આવે છે. કમ્પોસ્ટના થેલામાં મશરૂમના બીજ (માયસેલિયમ)ને રોપીને નિયંત્રિત વાતાવરણમાં જર્મિનેશન થવા દેવામાં આવે છે, જેના પરિણામે ૨૫થી ૩૦ દિવસમાં ફૂગ ઉગી નીકળે છે.
ધોળકાના આ યુનિટમાં મશરૂમને કાપીને પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરી લેવામાં આવે છે. મોટાભાગના મશરૂમ ફાર્મા કંપનીઓને દવા અને પ્રોટીન પાવડર બનાવવા માટે સપ્લાય થાય છે.
ફ્યુચરિસ્ટિક ફાર્મિંગની ભારતમાં સંભાવના:
વર્ષાબહેન કહે છે કે, આ પ્રકારની ફ્યુચરિસ્ટિક ખેતી ફ્રાન્સ, જાપાન અને ઇઝરાયેલ જેવા વિકસિત દેશોમાં કરવામાં આવે છે. તેઓ માને છે કે, "ગુજરાતમાં ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ કરવાનું ભરપૂર પોટેન્શિયલ રહેલું છે, જેને અનલીશ કરવું જોઈએ. આગામી ત્રણ દાયકામાં ખેતીનું કલેવર બદલાઈ જવાનું છે. ફ્યુચરિસ્ટિંગ ફાર્મિંગ ખરેખર સમયની માગ છે."
આ સમગ્ર યુનિટના નિર્માણમાં માર્ગદર્શન આપનારા બાગાયત અધિકારી લાલજી ચૌધરી જણાવે છે કે, કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મિંગમાં એક્ઝોટિક ફ્રુટ, વેજીટેબલ્સ અને ડ્રાયફ્રુટ પણ ઉગાડી શકાય છે. વર્ષાબહેન આલોકે જે સાહસ કર્યું છે, તે ગુજરાતના લાખો ખેડૂતોને આધુનિક અને વિકસિત ખેતી કરવા માટેની પ્રેરણા પૂરી પાડશે. આ ઘટના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલા 'વિકસિત ખેતી સંકલ્પ અભિયાન' ના ઉદ્દેશ્યને પણ સાર્થક કરે છે. (અહેવાલ : ઉમંગ બારોટ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ)
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
