News of Sunday, 1st June 2025
'પરિવારની વાત છે પરિવારના પ્લેટફોર્મ પર કરાય';જીગ્નેશ મેવાણીના ટ્વીટનો અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આપ્યો જવાબ
પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે કાર્યકારી અધ્યક્ષ તરીકે તેઓ કામ કરી રહ્યા છે તેના ઉપર ટિપ્પણી કરવી યોગ્ય નથી

અમદાવાદ :ગુજરાતમાં કડી અને વિસાવદર એમ બે વિધાનસભાની ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે પહેલા ત્રણ અને હવે ચાર પક્ષોએ જોરશોરથી તૈયારીઓ કરી રહી છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ 31 મેના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે. કાઢો ને, શેની રાહ જુઓ છો? આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે મારું નહીં તો રાહુલ જીનું તો માનો !!.
આજે વિસાવદરમાં કોંગ્રેસ પક્ષની આગેવાનો અને કાર્યકરતાઓની પ્રાથમિક મીટિંગ યોજાઈ હતી. આ દરમિયાન એક મીડિયા કર્મીએ શક્તિસિંહ ગોહિલને જીગ્નેશ મેવાણીના ટ્વિટ વિશે પ્રશ્ન કર્યો હતો. આ દરમિયાન શક્તિસિંહ ગોહિલે જવાબ આપતા કહ્યું હતું કે, 'પરિવારની વાત છે પરિવારના પ્લેટફોર્મ પર કરાય અને તેનો જવાબ પણ પરિવારના પ્લેટફોર્મ ઉપર કરાય.' વધુમાં તેમણે કહ્યું છે કે, 'કાર્યકારી અધ્યક્ષ તરીકે તેઓ કામ કરી રહ્યા છે તેના ઉપર ટિપ્પણી કરવી યોગ્ય નથી.'
ચૂંટણી નજીક આવતા ભાજપ, કોંગ્રેસ, AAP કે પછી શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી કામે લાગી લઈ છે. AAP અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ તો પોતાના ઉમેદવારો પણ મેદાને ઉતારી દીધા છે. ત્યારે હવે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારો મેદાને ઉતારવાની પૂરી તૈયારી કરી લીધી છે. શક્તિસિંહ ગોહિલના જણાવ્યા પ્રમાણે વિસાવદર વિધાનસભા માટે કોંગ્રેસ આવતી કાલે બપોરે 2 વાગ્યા પેલા પોતાનો ઉમેદવાર જાહેર કરી શકે છે.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
