<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

ડાંગના ૩૧૧ ગામોમાં હનુમાનજી મંદિર નિર્માણનો ભગીરથ સંકલ્પ : સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ 'હનુમાન યાગ' આદર્યો

ખુલ્લા આકાશ નીચે બિરાજતા હનુમાનજીને જોઈને પ્રેરણા મળી : ૧૨૧ મંદિરો તૈયાર, બાકીના બે વર્ષમાં પૂર્ણ થશે : ડાંગમાં ધર્મ અને એકતાનો નવો અધ્યાય

સુરત: ગુજરાતના આદિવાસી બહુલ ડાંગ જિલ્લા માં ધર્મ અને એકતાના પ્રસાર માટે એક અનોખો અને ભગીરથ પ્રયાસ આદરવામાં આવ્યો છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને રામ મંદિર નિર્માણ માટે કરોડોનું દાન આપનાર શ્રી ગોવિંદ ધોળકિયા એ ડાંગ જિલ્લાના ૩૧૧ ગામોમાં હનુમાનજી મંદિર બનાવવાનો સંકલ્પ લીધો છે, જેને 'હનુમાન યાગ' નામ આપવામાં આવ્યું છે. આ સંકલ્પ અંતર્ગત, ૩૧૧ પૈકીના ૧૨૧ મંદિરો તૈયાર પણ થઈ ગયા છે અને બાકીના મંદિરો આગામી બે વર્ષમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે.
ખુલ્લા આકાશ નીચે બિરાજતા હનુમાનજી અને એક સંકલ્પની ગાથા
આ મંદિર નિર્માણ પાછળની પ્રેરણા અંગે ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૭ માં તેઓ પી.પી. સ્વામીજી સાથે કારમાં એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમની નજર ખુલ્લા આકાશ નીચે, ઝાડના ટેકે બિરાજમાન હનુમાનજીની મૂર્તિ પર પડી. આ દ્રશ્ય જોઈને તેમણે સ્વામીજીને પૂછ્યું, "સ્વામીજી, આપણા ભગવાન આ રીતે દેખાય તે આપણી સંસ્કૃતિને યોગ્ય ગણાય...?"
આ સાંભળીને પી.પી. સ્વામીજીનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમણે કહ્યું કે, "ગોવિંદભાઈ, આ પરિસ્થિતિ લગભગ આખા ડાંગ જિલ્લામાં છે...! કરવાની જરૂર ઘણી બધી છે... કેટલું થઈ શકે...? અને કોણ કરે...?" બસ, એ જ ક્ષણે ગોવિંદભાઈએ ડાંગ જિલ્લાના ૩૧૧ શક્ય હોય તેટલા ગામોમાં હનુમાનજીના મંદિર બનાવવાનો દ્રઢ સંકલ્પ કર્યો.
એક સરખા મંદિરોથી એકતા અને ધર્મ જાગૃતિનો સંદેશ
આજે ડાંગના મોટાભાગના ગામોમાં એક સરખા મંદિર બનાવીને લોકોમાં એકતા વધે અને ધર્મ પ્રત્યે જાગૃતિ આવે તેવી ભાવના સાથે મંદિર નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ મંદિરોમાં આજરોજ તબક્કાવાર ૧૨૧ મંદિરનું લોકાર્પણ કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહામહિમ રાજ્યપાલ પણ ઉપસ્થિત રહેવાના હતા, જોકે હવામાન અનુકૂળ ન હોવાને કારણે તેઓ આવી શક્યા ન હતા. તેમ છતાં, ગોવિંદભાઈ ધોળકિયા, અન્ય દાતાઓ અને સંતો-મહંતોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.
ગોવિંદભાઈ ધોળકિયાનો આ સંકલ્પ ડાંગના આદિવાસી સમાજમાં ધાર્મિક ચેતના જગાડવા અને સામાજિક એકતાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. આ પહેલ 'હનુમાન યાગ' દ્વારા ડાંગમાં એક નવી ધાર્મિક અને સામાજિક ક્રાંતિનો પાયો નંખાઈ રહ્યો છે.

 

(7:02 PM IST)