<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

અમદાવાદમાં પ્રિ-મોન્સુન પ્લાનની પોલ ખોલતા ખાડાઓ : પૂર્વ વિસ્તારમાં ઠેક ઠેકાણે જ્યાં જુઓ ત્યાં ખાડાઓ જ ખાડા

થલતેજ, બોપલ, ઘુમા, સરસપુર, નરોડા, વસ્ત્રાલ, નિકોલ, ઓઢવ, અનિલ સ્ટાર્ચ મીલ, વિરાટનગર, સરખેજમાં મોટા પાયે ખાડાઓ ખોદીને રાખી દેવામાં આવ્યા

અમદાવાદ : તાજેતરમાં પડેલા કમોસમી વરસાદમાં જ શહેરમાં અનેક જગ્યાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં અનેક રસ્તાઓ બેસી ગયા હતા. ત્યારે હજુ પણ શહેરમાં અનેક રસ્તાઓના કામ પૂર્ણ થયા નથી. શહેરમાં 20થી વધુ ડામર રસ્તાઓના કામ પ્રગતિમાં છે. ત્યારે આ કામો 10 જૂન સુધીમાં પૂર્ણ કરવા તાકીદ કરાઈ છે. જો કે ચોમાસુ નજીક છે ત્યારે એએમસીનો પ્રિ-મોન્સુન પ્લાન માત્ર કાગળ પર છે. શહેરમાં ઠેક ઠેકાણે ખાડાઓ ખોદીને રાખી દેવામાં આવ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ખાડાઓ જ ખાડા છે અને આ કામગીરી હજુ મહિનાઓ સુધી પૂર્ણ થવાની કોઈ શક્યતાઓ નથી. ત્યારે અમદાવાદીઓ ફરી એક વખત ચોમાસામાં હાલાકી ભોગવવા માટે તૈયાર થઈ જજો.

ચોમાસાને લઈને એએમસીએ પ્રિ-મોન્સુન પ્લાન બનાવ્યો છે. વરસાદી પાણીના નિકાલ, ડ્રેનેજ લાઈન અને રાઈઝીંગ લાઈનો નાંખવાની કામગીરી શરૂ કરી છે. 841 કરોડના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત 36 કામોનું આયોજન કરવામાં આવ્યું છે. આ 36માંથી 29 કામો શરૂ પણ કરી દેવાયા છે. જ્યારે 6 કામો તો હજુ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. જ્યારે કેટલાંક કામ માટે હજુ ટેન્ડર પ્રક્રિયા કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. જે 29 કામો ચાલી રહ્યાં છે તેમાંથી 23 કામો એવા છે જેની કામગીરી માત્ર એક ટકાથી લઈને 30 ટાક જ પૂર્ણ થઈ છે. આગામી સપ્તાહમાં ચોમાસુ દસ્તક દેશે ત્યારે ફરી એકવાર શહેરીજનો હાલાકી ભોગવવા માટે તૈયાર થઈ જજો. કારણ કે મોટાભાગના કામો 70 ટકાથી વધુ બાકી છે. ત્યારે ચોમાસા પહેલા આ કામો પૂર્ણ થયા તેવી કોઈ શક્યતા નથી. ત્યારે શહેરમાં ચાલી રહેલા રસ્તાઓના કામો 10 જૂન સુધી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. શહેરમાં હજુ પણ 20થી વધુ રસ્તાઓના કામો પ્રગતીમાં છે.

એક તરફ AMC પ્રિ-મોન્સુન કામગીરીના દાવા કરે છે. જ્યારે બીજી તરફ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. શહેરના થલતેજ, બોપલ, ઘુમા, સરસપુર, નરોડા, વસ્ત્રાલ, નિકોલ, ઓઢવ, અનિલ સ્ટાર્ચ મીલ, વિરાટનગર, સરખેજમાં મોટા પાયે ખાડાઓ ખોદીને રાખી દેવામાં આવ્યા છે. છેલ્લા બે મહિનાથી ખાડાઓ ખોદી દેવાયા છે પણ કામગીરી મંથરગતિએ થઈ રહી છે. ઠક્કરબાપાનગર વિસ્તારમાં અનિલ સ્ટાર્સ મિલ પાસે ડ્રેનેજ લઈનની કામગીરી અઘૂરી છે. નિકોલ ગામ રોડ પર રસ્તાની વચ્ચો વચ્ચ ડ્રોનેજ લાઈન નાંખવાનું કામ મથરગતિએ થઈ રહ્યું છે. નિકોલમાં જીવણવાડી વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ લઈનની કામગીરી માટે રસ્તાઓ ખોદીમાં રાખી દેવામાં આવ્યા છે. નિકોલમાં સરદાર પટેલ મોલ પાસે રસ્તા પર મસમોટા ખાડા ખોદી દેવામાં આવ્યા છે. નિકોલ અને વસ્ત્રાલમાં ડ્રોનેજ લાઈનની કામગીરીને કારણે રસ્તાઓ પર ખાડાઓ ખોદેલા છે. ન્યુ ઈન્ડીયા કોલોની વિસ્તારમાં પર ડ્રોનેજ લાઈનની કામગીરી પૂર્ણ ન થતાં ખાડાઓ જોવા મળી રહ્યાં છે. ઓઢવમાં આદિનાથ નગર વિસ્તાર અને માધવ ફાર્મ રોડનું કામ ચાલી રહ્યું છે. આદિનાથ નગર રોડ પર મોટા ખાડાઓ જોવા મળી રહ્યાં છે.

(7:20 PM IST)