<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

રાજપીપળા શહેરમાં ભૂગર્ભ ગટર લાઇનમાંથી અતિભારે દુર્ગંધ મારતા સ્થાનિકો હેરાન

અનેક વિસ્તારોમાં દુર્ગંધ મારવાની સમસ્યાથી સ્થાનિકો કંટાળી ચૂક્યા છે ત્યારે કામ કરનાર એજન્સી આ સમસ્યા દૂર કરે તેવી માંગ

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા શહેરમાં વિકાસના કામો તો થયા છે પરંતુ મોટા ભાગના કામોમાં કામ કરનાર એજન્સી દ્વારા જાણે વેઠ ઉતારાઈ હોય એમ કામ પત્યા બાદ લોકો હેરાન થઈ રહ્યા છે. વાત કરીએ તો રાજપીપળામાં ભૂગર્ભ ગટર લાઇનો નંખાઈ તો ખરી પરંતુ ઘણા સમયથી ભૂગર્ભ ગટરમાંથી અતિશય દુર્ગંધ મારવાની સમસ્યા સ્થાનિકોને સતાવી રહી છે.

   રાજપીપળા ના દરબાર રોડ સહિત ઘણા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર માંથી જાણે લેટ્રીનની ડબક ઉભરાઈ હોય તેવી ખતરનાક દુર્ગંધ મારતા લોકોનું જાણે માથું ફાટી જાય છે પરંતુ ફરિયાદ કોને કરવી અને કોણ આનું નિરાકરણ લાવશે તેવા સવાલ સામે આવે છે.
    જોકે જાણવા મળ્યા મુજબ લાંબા સમય પહેલા નાખેલી આ લાઇનનું ગંદુ પાણી અત્યારસુધી કરજણ નદીમાં જ વહેતું કરાતું હતું પરંતુ હવે પમ્પિંગ સ્ટેશન ચાલુ થયું છે છતાં અનેક વિસ્તારોમાં દુર્ગંધ મારવાની સમસ્યાથી સ્થાનિકો કંટાળી ચૂક્યા છે.જ્યારે અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર લીક થતા ગંદુ અને દુર્ગંધ મારતું પાણી બહાર માર્ગો પર વહેતા રોગચાળો ફાટે તેવો પણ ભય છે,  પાલિકા તંત્ર આ માટે જે તે કામ કરનાર એજન્સી ને જાણ કરી આ ગંભીર સમસ્યા દૂર કરાવે તેવી માંગ છે.


 

(10:31 PM IST)