<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાની પ્રાયોગિક પરીક્ષાની તારીખો જાહેર

રસાયણવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિષયની પ્રાયોગિક પરીક્ષા 12 થી 14 જૂન દરમિયાન યોજાશે : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યાદી પ્રસિદ્ધ

 

 

અમદાવાદ, 2 જૂન, 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા આજે એક અખબારી યાદી પ્રસિદ્ધ કરીને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ-12) વિજ્ઞાનપ્રવાહની પૂરક પરીક્ષા-2025 અંતર્ગત નોંધાયેલા વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષાની તારીખોની ઘોષણા કરવામાં આવી છે.
જાહેર કરાયેલી વિગતો અનુસાર, રસાયણવિજ્ઞાન (કોડ: 053), ભૌતિકવિજ્ઞાન (કોડ: 055) અને જીવવિજ્ઞાન (કોડ: 057) વિષયની પ્રાયોગિક પરીક્ષા આગામી તારીખ 12/06/2025 થી 14/06/2025 દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષાઓ જિલ્લાના નિયત થયેલ વિજ્ઞાનપ્રવાહના પરીક્ષા કેન્દ્રો ખાતે બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવશે.
શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા આ પરીક્ષા સાથે સંકળાયેલા તમામ સંબંધિતોને આ મહત્ત્વપૂર્ણ માહિતીની નોંધ લેવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિનંતી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ પોતાની પ્રાયોગિક પરીક્ષાની તારીખો અને સ્થળ અંગે શાળાનો સંપર્ક કરીને વધુ વિગતો મેળવી લેવી હિતાવહ રહેશે.

(12:14 PM IST)