News of Monday, 2nd June 2025
પેટાચૂંટણી પહેલાં કોંગ્રેસમાં રાજકીય ‘વિસ્ફોટ': મેવાણીના ‘ફૂટેલી કારતૂસો' નિવેદન બાદ AAP ઉમેદવાર સાથેના ફોટા વાયરલ થતાં ખળભળાટ
કડી બેઠક પર AAPના જગદીશ ચાવડા સાથે મેવાણીની તસવીરોથી રાજકીય ગરમાવોઃ કોંગ્રેસમાં જૂથબંધી ખુલ્લી પડીઃ આંતરિક કલહથી પેટાચૂંટણીમાં નુકસાનની ભીતિ

અમદાવાદ, તા.૨: કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર થાય તે પહેલાં જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપ અને આમ આદમી પાર્ટી સાથેના ત્રિપાંખીયા જંગની તૈયારી કરી રહેલી કોંગ્રેસમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના નિવેદનો અને વાયરલ થયેલી તસવીરોને લઈ આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જેણે ચૂંટણી પહેલાં જ પક્ષની ચિંતા વધારી દીધી છે.
વિગતો મુજબ, કડી બેઠકના AAP ના સંભવિત ઉમેદવાર જગદીશ ચાવડા સાથે જિજ્ઞેશ મેવાણીના જૂના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના કારણે પેટાચૂંટણીનો આ જંગ અત્યંત રસપ્રદ બની તેવી શકયતા છે. આ ફોટા વાયરલ થયા તે પહેલાં શનિવારે જ કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા 'X' (અગાઉ ટ્વીટર) પર ફૂટેલી કારતૂસોને પક્ષમાંથી હાંકી કાઢવાની વાત કરી હતી, અને તેના બીજા જ દિવસે આ ફોટા સામે આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
જાણવા મળ્યા મુજબ, કડી વિધાનસભા બેઠકના AAP ના ઉમેદવાર જગદીશ ચાવડા અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પહેલાથી એકબીજાથી પરિચિત છે. રસપ્રદ વાત એ છે કે, જગદીશ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સક્રિય સભ્ય છે. આ મંચની સ્થાપના જિજ્ઞેશ મેવાણીએ વર્ષ ૨૦૧૬માં કરી હતી. મેવાણીના ફૂટેલી કારતૂસો વાળા નિવેદનના બીજા જ દિવસે ચાવડા સાથેની તસવીરો વાયરલ થતાં, આ તસવીરો જાણી જોઈને વાયરલ કરવામાં આવી છે કે કેમ તે બાબતે રાજકીય કાર્યકરોમાં ભારે ગરમાવો છે. આ તસવીરોના કારણે જ કડી વિધાનસભા બેઠક પર AAP ના ઉમેદવાર જગદીશ ચાવડા હોવાની શકયતાએ જિજ્ઞેશ મેવાણીએ પ્રભારી તરીકેની જવાબદારી સ્વીકારી નહી હોવાની અટકળોએ જોર પકડ્યું છે.
કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને પ્રદેશ નેતાઓ વચ્ચે હાલમાં રાજકીય શીતયુદ્ધ ચાલી રહ્યું છે, જે હવે ખુલ્લી તકરારમાં ફેરવાઈ ગયું છે. મેવાણીએ 'Xઁ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, હવે તો, બીજા પક્ષના નેતાઓ પણ કહી રહ્યાં છે કે, તમારા પક્ષમાં તો નરી ફૂટેલી કારતૂસો જ છે. કાઢો ને કોની રાહ જુઓ છો. ભાજપની બી ટીમ, ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ સાથે સેટિંગ કરનારાં અને લગ્નના ઘોડા, આ બધાને કોંગ્રેસમાંથી કાઢવામાં દુઃખે છે કયાં? મારું નહીં તો રાહુલજીનું તો માનો.
મેવાણીનું આ આક્રમક નિવેદન અને AAP ઉમેદવાર સાથેની તસવીરો વાયરલ થતાં કોંગ્રેસની આંતરિક જૂથબંધી જગજાહેર થઈ ગઈ છે. અમરેલીમાં દલિત યુવાનની હત્યા બાદથી જ મેવાણી કોંગ્રેસના કેટલાક નેતાઓ અને પક્ષથી નારાજ હોવાનું મનાય છે, અને આ નારાજગી હવે જાહેરમાં વ્યક્ત થઈ રહી છે. થોડા સમય પહેલાં જ મેવાણીએ કડી બેઠકના પ્રભારી તરીકેની જવાબદારી સ્વીકારવાની ના પાડી હતી, જેના કારણે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને તે જવાબદારી સોંપવી પડી હતી. પ્રદેશ નેતાગીરીથી નારાજ મેવાણીએ દિલ્હીના નેતાઓને પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
પેટા ચૂંટણી પહેલાં કોંગ્રેસનો આ આંતરિક વિખવાદ પક્ષ માટે અત્યંત નુકસાનકારક સાબિત થાય તેમ છે. ત્યારે કડી બેઠકની પેટાચૂંટણીના પ્રચાર અભિયાનમાં મેવાણી અને જગદીશ ચાવડાની વાયરલ તસવીરો અને મેવાણીના નિવેદનો અંગે વધુ રાજકીય વિવાદ થાય તેવી પ્રબળ સંભાવના છે, જે ભાજપ અને AAP માટે રાજકીય તક બની શકે છે
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
