<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયાએ ‘હનુમાન યાગ' આદર્યોઃ ડાંગના ૩૧૧ ગામોમાં મંદિર નિર્માણ સંકલ્‍પ

ખુલ્લા આકાશ નીચે બિરાજતા હનુમાનજીને જોઈને પ્રેરણા મળીઃ ૧૨૧ મંદિરો તૈયાર, બાકીના બે વર્ષમાં પૂર્ણ થશેઃ ડાંગમાં ધર્મ અને એકતાનો નવો અધ્‍યાય

સુરત તા.રઃ આદિવાસી બહુલ ડાંગ જિલ્લામાં ધર્મ અને એકતાના પ્રસાર માટે એક અનોખો અને ભગીરથ પ્રયાસ આદરવામાં આવ્‍યો છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને રામ મંદિર નિર્માણ માટે કરોડોનું દાન આપનાર ગોવિંદભાઇ ધોળકિયાએ ડાંગ જિલ્લાના ૩૧૧ ગામોમાં હનુમાનજી મંદિર બનાવવાનો સંકલ્‍પ લીધો છે, જેને ‘હનુમાન યાગ' નામ આપવામાં આવ્‍યું છે. આ સંકલ્‍પ અંતર્ગત, ૩૧૧ પૈકીના ૧૨૧ મંદિરો તૈયાર પણ થઈ ગયા છે અને બાકીના મંદિરો આગામી બે વર્ષમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે.

આ મંદિર નિર્માણ પાછળની પ્રેરણા અંગે ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્‍યું કે, વર્ષ ૨૦૧૭ માં તેઓ પી.પી. સ્‍વામીજી સાથે કારમાં એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્‍યારે તેમની નજર ખુલ્લા આકાશ નીચે, ઝાડના ટેકે બિરાજમાન હનુમાનજીની મૂર્તિ પર પડી. આ દ્રશ્‍ય જોઈને તેમણે સ્‍વામીજીને પૂછયું, ‘‘સ્‍વામીજી, આપણા ભગવાન આ રીતે દેખાય તે આપણી સંસ્‍કળતિને યોગ્‍ય ગણાય...?''

આ સાંભળીને પી.પી. સ્‍વામીજીનું હૃદય દ્રવી ઉઠ્‍યું અને તેમણે કહ્યું કે, ‘‘ગોવિંદભાઈ, આ પરિસ્‍થિતિ લગભગ આખા ડાંગ જિલ્લામાં છે...! કરવાની જરૂર ઘણી બધી છે... કેટલું થઈ શકે...? અને કોણ કરે...?'' બસ, એ જ ક્ષણે ગોવિંદભાઈએ ડાંગ જિલ્લાના ૩૧૧ શકય હોય તેટલા ગામોમાં હનુમાનજીના મંદિર બનાવવાનો દ્રઢ સંકલ્‍પ કર્યો.

આજે ડાંગના મોટાભાગના ગામોમાં એક સરખા મંદિર બનાવીને લોકોમાં એકતા વધે અને ધર્મ પ્રત્‍યે જાગળતિ આવે તેવી ભાવના સાથે મંદિર નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ મંદિરોમાં તબક્કાવાર ૧૨૧ મંદિરનું લોકાર્પણ કરવાનો ભવ્‍ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહામહિમ રાજ્‍યપાલ પણ ઉપસ્‍થિત રહેવાના હતા, જોકે હવામાન અનુકૂળ ન હોવાને કારણે તેઓ આવી શકયા ન હતા. તેમ છતાં, ગોવિંદભાઈ ધોળકિયા, અન્‍ય દાતાઓ અને સંતો-મહંતોની ઉપસ્‍થિતિમાં આ કાર્યક્રમ ભક્‍તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.

(2:21 PM IST)